અફઘાનિસ્તાનના મામલે સામ્યવાદી દેશ ચીન અને રશિયાનું વલણ :     

 

               અફઘાનિસ્તાનની આઝાદી અને સંપ્રભુતાને માન આપતું ચીન તાજેતરમાં ચીન અને રશિયાના આગેવાન નેતાઓ શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિને ફોન પર વાતચીત કરીને અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે એકમેકના વિચારોની આપ- લે કરી હતી. ચીને એ  વાત સ્પષ્ટ કરી હતી કે તે અફઘાનિસ્તાનની સ્વતંત્રતા અને સ્વાયત્તતાનું સન્માન કરે છે. એના આંતરિક મામલામાં પોતે કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કરવા માગતું નથી. ચીન અફઘાનિસ્તાન સાથે મજબૂત એને મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા ઈચ્છુક છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસનને માન્યતા આપ્યા બાદ ચીને તેની સાથે વધુ ગાઢ રાજકીય સંબંધો બાંધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તાજેતરમાં કાબુલમાં રહેલા ચીનના રાજદૂતે તાલિબાનના પોલિટિકલ વિંગ ચીફ અબ્દુલ સલામ હનાફીની મુલાકાત લીધી હતી. ચીનના કાબુલ ખાતેના રાજદૂતે જણાવ્યું હતું કે, ચીન અફઘાનિસ્તાન ની નવી સરકાર સાથે કશીય રોકટોક વગર મજબૂત સંપર્ક રાખવા માગે છે. બન્ને દેશો અનેક બાબતો અંગે પરસ્પર ચર્ચા- વિચારણા કરી રહ્યા છે. ચીન એવી ઈચ્છા રાખે છેકે અફઘાનિસ્તાનના લોકો ખુદ તેમની આઝાદી માટે નિર્ણય લે. તેમનું ભવિષ્ય તો જાતે સુનિશ્ચિત કરે. અમે એક સારા પડોશી દેશ તરીકે તેમને મદદ કરવા માગીએ છીએ. જેથી અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય અને દેશનો વિકાસ થાય. અમે ઈચ્છીએ છીએ કે એક નવા અફઘાનિસ્તાનની રચના થાય. 

           ભારત અને અમેરિકા – બન્ને દેશોએ પોતાના અમેરિકાસ્થિત દૂતાવાસ બંધ કરી દીધા છે. જયારે ચીન , પાકિસ્તાન અ્ને રશિયાએ  એના દૂતાવાસ હજી ચાલુ રાખ્યા છે. જેમાં એમના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ગત મહિનામાં મુલ્લા બરાદરની આગેવાની  હેઠળ તાલિબાનનું એક પ્રતિનિધિમંડળ બીજિંગની મુલાકાતે ગયું હતું. ત્યાં તેમણે ચીનના વિદેશમંત્રીની મુલાકાત લીધી હતી. મુલ્લા બરાદરે ચીનના વિદેશમંત્રી વાંગ યીને એવો ભરોસો આપ્યો હતો કે, તાલિબાન ચીનમાં રહેલા ઉડગર મુસલમાનોના આંદોલનને ટેકો નહિ આપે.