અપલિફ્ટ હ્યુમનિટી દ્વારા ન્યુ યોર્ક સિટીમાં ‘શક્તિ’નું આયોજન

ન્યુ યોર્કઃ ન્યુ યોર્કસ્થિત સંગઠન અપલિફ્ટ હ્યુમનિટી દ્વારા ન્યુ યોર્ક સિટીમાં 14મી એપ્રિલે ‘શક્તિ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થાની સ્થાપના સન 2010માં થઈ હતી. આ સંસ્થાનો હેતુ ભારતમાં અનાથો અને નિરારશ્રત બાળકોને શિક્ષણ થકી પગભર કરવાનો છે. આ સંસ્થાનું ધ્યેય બાળકોને સફળ જીવન પ્રદાન કરવાનું છે.

મેનહટનમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત એક હજાર બાળકોને શિક્ષિત કરવાની સફળતાની ઉજવણી કરવા માટે યોજાઈ રહ્યો છે. આ ઇવેન્ટનું સહઆયોજન ઝી ટીવી દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત મેનહટનની ડિસ્ટિલ્ડ લાઉન્જમાં વ્યંજનો, ખાણીપીણી, મનોરંજનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અપલિફ્ટ હ્યુમનિટીની સ્થાપના અનીશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તે વખતે તેમની વય 16 વર્ષ હતી. તેમણે હવે ભારતભરમાં ચાર નવાં સ્થળો ગુજરાત, હૈદરાબાદ, મુંબઈ અને હવે નવી દિલ્હીમાં પોતાની સંસ્થાનાં કેન્દ્રો લોન્ચ કર્યાં છે.

છેલ્લાં આઠ વર્ષમાં અપલિફટ હ્યુમનિટીએ અઢી લાખ કલાકો દ્વારા સ્વયંસેવી કાર્યનું પ્રદાન આપ્યું છે અને ભારતમાં 500 અમેરિકનોને સ્વયંસેવક તરીકે બોલાવ્યા છે. આ સંસ્થાના ત્રણ ચાવીરૂપ કાર્યક્રમો છે, જેમાં સમર પ્રોગ્રામ, એકેડેમિક પ્રોગ્રામ અને હેલ્થ-વેલનેસ પ્રોગ્રામનો સમાવેશ થાય છે.