અનોખી વસિયત

0
1282


સત્તર કલાકની હવાઈ સફર કરી અમેરિકાથી દોડી આવેલી ડો. નંદિની પટેલ એરપોર્ટથી ટેક્સી લઈને શહેરની એ જાણીતી હાર્ટ હોસ્પિટલના આઇસીસીયુ વોર્ડમાં પહોંચી ગઈ, વાડીકાકા એનો પગરવ પારખી ગયા હોય એમ અર્ધબેહોશીમાં બબડ્યાઃ આવી ગઈ, બેટા! હું તારી જ વાટ જોતો તો લે ત્યારે, જઉં હવે?
એટલું કહેતાં કહેતાં એમની આંખ ફરકી, હંસલો ઊડી ગયો. ફરજ પરના ડોક્ટરોએ એમના બંધ પડી ગયેલા શ્વાસ ફરી ચાલુ કરવા ભારે જહેમત ઉઠાવી, પણ વ્યર્થ. એમની કોઈ કારી ન ફાવી, નંદિની અવાક થઈ એની નજર સામે જ ગુજરી ગયેલા બાપના ચહેરાને એકીટશે જોતી રહી. પોતે ડોક્ટર હતી એટલે મૃત્યુ નામની ઘટનાનો એને પૂરતો પરિચય હતો. છતાં એને આઘાત તો લાગ્યો જ. આખરે એણે વડલા જેવા બાપની શીળી છત્રછાયા ગુમાવી હતી. એ પડુંપડું થઈ ગઈ.
વાડીકાકાને હજી તો ગયા મે મહિનામાં જ પંચ્યાશી પૂરાં થયાં હતાં. નંદિનીએ ન્યુ યોર્કથી ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા આપતાં કહ્યું હતું, પપ્પાજી, હજી તો પંદર રન બાકી છે. સેન્ચુરી માર્યા વગર મેદાન છોડવાનું નથી; સમજ્યા? જવાબમાં વૃદ્ધ વાડીકાકા બોખું હસ્યા હતા. બેટા, હવે પૂરતું જીવી લીધું કહેવાય! તું તારા માળામાં સુખી છે, એનો મને સંતોષ છે. તારી લીલી વાડી જોઈ આંખ ઠરે છે. હવે તો તું રજા આપે એટલી જ વાર. તારી જીજીને ગયાં આજકાલ કરતાં સાત વરસ થઈ ગયાં. એને મળવા જીવ ઊપડી ગયો છે. બહુ છેટું પડી જાય એ પહેલાં ઉપરવાળો વેળાસર બોલાવી લે તો કેવું સારું! અમે બેઉ ભગવાનને ઘેર બેઠાં બેઠાં તને અને તારાં ભાણેજિયાંને આશીર્વાદ પાઠવતાં રહીશું, શ્રાવણ મહિનાની હેલી જેવી શુભેચ્છાઓ વરસાવતાં રહીશું!
નંદિનીને પણ આછોપાતળો અણસાર તો આવી ગયો હતો. છેલ્લે ઇન્ડિયા આવી ત્યારે વાડીકાકાને વાત કરતાં કરતાં પણ હાંફ ચડતો હતો. એણે વૃદ્ધ પિતાને પોતાની સાથે અમેરિકા લઈ જવાનો આગ્રહ પણ કરેલો, પણ એમણે તો જાણે અમેરિકા કરતાં પણ બહુ લાંબી મુસાફરીનું આયોજન ન કરી રાખ્યું હોય એમ એની ઓફર હસતાં હસતાં ફગાવી દીધી હતીઃ આપણે ભલા ને આપનો મુલક ભલો! અમેરિકામાં કંઈ મોર થોડા મેલ્યા છે! તેં જોયું એટલે આવી ગયું. મને તો મારી માટીની સોડમ ખપે. એ અમેરિકામાં થોડી મળવાની?
હાંફ ચડતો હતો છતાં છેક એરપોર્ટ લગી વળાવવા ગયેલા, વિદાય લઈ રહેલી લાડકી દીકરીને છેલ્લે એક બંધ કવર આપ્યું હતુંઃ સાંભળ, આ મારું વિલ છે. તારી જીજીના ગયાં પછી ઊંડા મનોમંથનને અંતે મેં જાતે તૈયાર કર્યું છે. અત્યારે તો ના ખોલતી. તારા ખાનગી પર્સમાં સાચવી રાખજે. બની શકે તો એમાં લખ્યા મુજબ વર્તજે!
ત્યારે નંદિનીની આંખોમાં શ્રાવણ બેસી ગયેલો. ફ્લાઇટ આવી ગઈ હતી. એણે ચૂપચાપ એ કવર એના પર્સમાં મૂકી દઈ વયોવૃદ્ધ પિતાની વિદાય લીધી હતી.

એણે ફરી એક વાર વહાલ વરસાવતા ચહેરા સામે જોયું. એમના કાનમાં મોઢું ઘાલીને પપ્પાજીઈઈ કહી છેલ્લો ટહુકો કર્યો; અને પછી દિવંગત પિતાનો જીવ બચાવવા છેલ્લામાં છેલ્લા પ્રયાસ કરનાર નિષ્ણાત તબીબો અને એમની સેવામાં અહર્નિશ ખડેપગે ઊભી રહેલી પરિચારિકાઓ પ્રત્યે હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરી નંદિની ચૂપચાપ પાસેની ખુરશી પર બેસી પડી. એને પર્સમાં સાચવી રાખેલું પેલું કવર યાદ આવી ગયું, એ મન મજબૂત કરીને એને વાંચવા લાગીઃ
બેટા નંદુ, તું આજે અમેરિકાની પ્રતિષ્ઠિત ગાયનેકોલોજિસ્ટ છે. તારા જીવનસાથી ડો. અમિત પટેલ જાણીતા કેન્સર સર્જન છે. તમે બેઉ વિદેશની ધરતી પર વસીને અઢળક કીર્તિ અને કલદાર રળી રહ્યાં છો. દેશમાં પણ તમારી દાનગંગા વહેતી રહી છે. મને અને તારી દિવંગત જીજીને આવી મહાન અને ઉદાર દીકરીનાં માતાપિતા હોવાનું ગૌરવ હોય એ સ્વાભાવિક છે. તારી જીજી માટે તો તું એનું બીજું હૃદય જ હતી, બલકે એનું માતૃત્વ તને મેળવીને ધન્ય ધન્ય થઈ ગયું હતું. તારી સુવાવડ નિમિત્તે એ અમેરિકા પણ આવી. તમે બેઉએ એને આખો દેશ બતાવ્યો. જીવી ત્યાં લગી એ અમેરિકાનાં વખાણ કરતી રહી. તારા જેવી દીકરી તો, બેટા કોઈ ભાગ્યશાળીને જ મળે!
પરંતુ તારાથી અમે લોકોએ એક વાત આજ લગી છુપાવી રાખી છે. તારી જીજીની હયાતીમાં એ રહસ્ય ખુલ્લું કરવાની હું હિંમત જ ન કરી શક્યો. આખરે આજે વિદાયવેળાએ તને એ પેટછૂટી વાત જણાવી હળવો થવા માગું છું. હવે તો તું પણ ચાળીસીમાં પ્રવેશી ચૂકી છે, તેથી તને આ કડવું સત્ય જીરવતાં ઝાઝી તકલીફ નહિ પડે એમ માનું છું.
બેટા, તું અમારે મન લાડનો ખજાનો ખરી, પણ એ ખજાનો અમને કુદરતે ભેટ ધરેલો છે. અમે બેઉ એક શિયાળુ સવારે ફરવા નીકળેલાં. ફરતાં ફરતાં છેક નદીનાં કોતરોમાં ઊતરી ગયાં. ત્યાં અમને ઓચિંતો જ કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. અમને તો જાણે જિંદગીનો આધાર જડી ગયો. બાળોતિયામાં વીંટાળીને ઝાંખરાંની આડશે મૂકેલું એ દેવબાળ અમારે માટે વરદાન બની રહ્યું. અમારે બીજી કશી ખોટ જ ક્યાં હતી, દીકરા! તું મળી કે જાણે સ્વર્ગની પરી મળી ગઈ. અમે તને ઉછેરી, ભણાવી, ડોક્ટર બનાવી. તારુંય કેવું નસીબ! તને તારી પસંદગીનો મનનો માણીગર મળી ગયો. અમારી હૂલતી વયે અમે તમારી લીલી વાડીમાં કુંજ અને કલગીના અમિયલ ટહુકાર સાંભળ્યા. તમે બેઉએ તો અમને અમેરિકા લઈ જવા સતત આગ્રહ પણ રાખ્યો, પણ અમને વ્રજ છોડી વૈકુંઠમાં વસવાની ઇચ્છા જ ન થઈ. જોવા પૂરતાં આવ્યાં અને તમારું સુખ જોઈ રાજી થયાં.
નંદિની નામ પણ કેવું પવિત્ર! નંદિની એટલે ગાય. એનું જ બીજું નામ છે કામધેનુ. એને મેળવવા તો દરિયો વલોવવો પડે. અમને તો તું હરતાંફરતાં મળી ગઈ! ઈશ્વર કેવો દયાળુ છે! રીઝે ત્યારે ખોબલે ખોબલે આપે છે. તું મળી ત્યારે અનાયાસ જ તારી કૃષ્ણભક્તાણી જીજીના હોઠ ફરકી ઊઠેલાઃ અઢળક ઢળિયો રે શામળ્યો! અમારે મન તું એ નટખટ કાનુડાનું જ કન્યારૂપ જ હતી! તારી કાલીઘેલી બોલીમાં અમને તો એની જ વેણુ વાગતી સંભળાતી. તને અમે સવાઈ કનૈયો ગણીને મોટી કરી; પછી એ કનૈયાની જેમ તારેય ગોકુળ છોડી મથુરા અને મથુરા મેલી દ્વારિકા વસવું પડ્યું! અમને એનું જરીકે દુઃખ નથી, બેટા! બલકે અમને તો ગર્વ છે, ગૌરવ છે તારા નામ પર. કયાં માબાપને એમનું સંતાન સવાયું પાકે એ નહીં ગમતું હોય? કહે જોઉં! અને સાત સમંદર પાર વસીનેય તેં ફરજ તો તંતોતંત નિભાવી છે. અમારો પડ્યો બોલે ઝીલ્યો છે. કાચી મિનિટે અમારો સાદ પડતાંવેંત અમારી તહેનાતમાં ઊભી રહી છે. ફરિયાદ કરવાની તો અમને તક જ ક્યારે આપી છે તેં? હા, અમે તારી સાથે અમેરિકામાં સ્થાયી થવા સહમત ન થયાં, એ મુદ્દે તને અને અમિતકુમારને અમારી સામે ફરિયાદ જરૂર હોઈ શકે. હાલતાંચાલતાં કોમ્પ્યુટર જેવાં તારાં બગીચાનાં બે ફૂલ પણ નાના-નાનીથી નારાજ હશે. નાના સાથે રહેતાં હોત તો ઘોડો કરવા થાત અને નાની ચકા-ચકીની વારતા કહેત; એ ભૂલકાંને એમની માતૃભાષા શીખવા મળત. અમારો એ ગુનો હું કબૂલમંજૂર રાખું છું!
ચાલ, આટલી પ્રસ્તાવના પછી હું મુદ્દાની વાત પર આવું. તું તો ડોક્ટર છે. બેટા, મારી તો ઇચ્છા તારી જીજીનું પણ દેહદાન કરવાની હતી, પણ એને મોહ હતો એની લાડકીના હાથે અગ્નિદાહ મેળવવાનો! એણે છેલ્લો શ્વાસ મૂકતાં એના મનની વાત કહી દીધી હતી! પાછળ બીજું કંઈ નહિ તો ચાલશે, પણ મારી ચિતાને મારી નંદુ જ આગ દે, એટલું જરૂર કરાવજો! તેં એની અંતિમ ઇચ્છાને માન આપી અગ્નિદાહ તો આપ્યો જ; ઉપરાંત આખેઆખું અંતિમધામ એના નામે ચડાવી દીધું, પાંચ લાખ જેવું માતબર દાન આપીને!
પરંતુ જો જીજીની ઇચ્છાને માન આપી શકતી હો તો તારે પપ્પાજીની ઇચ્છાનો પણ આદર કરવો જોઈએ, ખરું કે નહિ? આ ક્ષણભંગુર દેહનો જરા વધુ સારો ઉપયોગ થાય, એમાં તને વાંધો ન જ હોવો જોઈએ. તબીબી વિજ્ઞાનની વિદ્યાર્થિની તરીકે તને માનવદેહ એના મૃત્યુ પછી પણ કઈ કઈ રીતે ઉપયોગી થઈ શકે, એની ખબર જ હોય. ધારો કે મને કમનસીબે કોઈ જીવલેણ અકસ્માત નડ્યો, અને બ્રેઇન હેમરેજ થઈ ગયું, નિષ્ણાત ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં હું બચી શકું એમ ન હોઉં તો મને બ્રેઇનડેડ ગણી લઈ મારાં જીવતાં અંગો જરૂરિયાતવાળાં દરદીઓને દાન કરી દેજે. કોઈને મારી કિડની મળશે, કોઈને લિવર. બનવાજોગ કે મારું ધબકતું હૃદય પણ કોઈને ખપ લાગે! મારી બે આંખોથી બે અંધ વ્યક્તિઓને દષ્ટિ મળી શકે. તું વિજ્ઞાન જાણે છે, તો એને વરદાનમાં ફેરવી દેજે ને! તારો બાપ મૃત્યુ પછી પણ અનેક સ્વરૂપે જીવતો રહી શકશે. કુંજ અને કલગી એમના નાનાજીને કેટકેટલી વ્યક્તિઓની અંદર જીવતા જોઈ શકશે! અને એ મુદ્દે મારાં બેઉ લાડકવાયાં જીવનભર ગર્વ અનુભવશે. માટીની કાયા માટી કે રાખ બની જાય એ પહેલાં કોઈને નવું જીવન બક્ષે એથી રૂડું તો હોઈ જ શું શકે?
અલબત્ત, મારા શરીરનાં જીવતાં અંગો તો હું બ્રેઇનડેડ જાહેર થયો હોઉં તો જ કામ લાગે, પરંતુ જો હું એ રીતે ખપ લાગી શકું એવી સ્થિતિ ન હોય તો છેવટે મારી આંખો તો જરૂર કઢાવી લેજે. નેત્રદાન એ પણ આંશિક દેહદાન જ લેખાય.
આપણા શાણા પૂર્વજોએ માનવીના મૃતદેહના નિકાલ માટે વિવિધ વિકલ્પો વિચારેલા છે. પંચભૂતમાંથી રચાયેલું અને રસાયેલું આ મૃણ્મય શરીર આખરે માટીમાં માટી થઈને મળી જાય, કાં તો રાખ બનીને અવકાશમાં રગદોળાઈ જાય. કરુણાવાન જીવો પોતાની કાયા વહેતાં જળમાં પધરાવી જળચરોનો ભક્ષ બનવાનું પસંદ કરતા રહ્યા છે. ડોંગરે મહારાજનો દાખલો આપણી નજર સામે છે. એમણે પોતાના મૃત શરીરને નર્મદામાં જળસમાધિ અપાય એવી ઇચ્છા વ્યક્ત કરેલી.
પરંતુ મારી ઇચ્છા તો જાણીતા સર્વોદય અગ્રણી ડો. વસંત પરીખની જેમ મારા શરીરનું તબીબી અભ્યાસ અર્થે દેહદાન કરવાની છે. તું એમ.બી.બી.એસ.ના પહેલા વર્ષમાં ભણતી હતી ત્યારે ઘરે આવીને શવચ્છેદનની માનવશરીરનાં વિવિધ અંગોના ડિસેક્શનની વાતો કરતી, યાદ છે ને? તેં અને તારાં સહાધ્યાયીઓએ જે શરીર ચીરીને માનવશરીર-વિજ્ઞાનનો અભ્યાસ કરેલો, એ પણ ક્યારેક તો જીવતાંજાગતાં, હરતાંફરતાં માણસો જ હતાં. અદ્દલ આપણા જેવાં જ, પરંતુ એ કમનસીબ જીવો તમારા એનાટોમી ડિપાર્ટમેન્ટમાં તો અનામી બિનવારસી લાશ તરીકે પ્રવેશ્યા હશે. શહેરની ફૂટપાથ પરથી, રેલવે સ્ટેશનોના બાંકડા પરથી કે કોઈ અવાવરુ કૂવા કે નદી-તળાવમાંથી મળી આવેલા એ માનવદેહોએ અજાણતાં જ માનવસમાજ પર કેવડો મોટો ઉપકાર કરી દીધો હતો! સમાજે એમને કંઈ જ નહોતું આપ્યું, સિવાય અપમાન, ભૂખ અને અકાળ મૃત્યુ, પરંતુ મૃત્યુ એમને ફળ્યું. એણે એમને દેહદાતાની ગરિમા અર્પી. તારા પપ્પાને એ અનામી દેહદાતાઓના મરણોત્તર ગૌરવની અદેખાઈ આવતી રહી છે. એટલેસ્તો એમની પંગતમાં પાટલો પાડવા તને આ વિલ મારફત આજીજી કરી રહ્યા છે એ!
અલબત્ત, એમની પાછળ કોઈ રોનારું-ધોનારું નહોતું. એમને કોઈ ઓળખનું લેબલ નહોતું લાગેલું; પ્રતિષ્ઠાનું પાટિયું જ નહોતું એમની કને.
હું તો રહ્યો જાણીતો વેપારી; શહેરના સદ્ગૃહસ્થોની વચ્ચે બેસનારો સિનિયર સિટિઝન! વળી અમેરિકાની પ્રતિષ્ઠિત ગાયનેકોલોજિસ્ટ ડો. નંદિની પટેલનો પિતા! એટલે જ્યારે પણ મરીશ ત્યારે મને કોઈ બિનવારસી લાશમાં ખપાવવાની હિંમત તો નહીં જ કરી શકે. હા, મારી વસિયત ન વાંચો તો કદાચ મારા અંતિમ સંસ્કાર કરી નાખવાની ઉતાવળ અહીંના ઓળખીતાં-પાળખીતાં લોકો કરી બેસે, એ બનવાજોગ. એટલે તું જરા હિંમત રાખીને પપ્પાજીનું આ વિલ એ લોકોને વાંચી સંભળાવજે. ફરી એક વાર ભારપૂર્વક જણાવવાની રજા લઉં કે છાતી પર પથ્થર મૂકીને પણ તું મારી નાશવંત કાયાનું તારી માતૃસંસ્થા સમી મેડિકલ કોલેજને દાન કરજે. મને અગ્નિદાહ આપવાની જ ભાવના હોય તો મુખાગ્નિ પૂરતો ઉપરછલ્લો કર્મકાંડ કરી શકે છે, પરંતુ લાગણીમાં તણાઈ જઈ મારા મૃત શરીરને બાળી ના મૂકતી! અગ્નિસંસ્કાર કરીને મારાં મૂઠી હાડકાં ગંગાજીમાં પધરાવ્યાં કરતાં મને આખેઆખો સરસ્વતીના ચરણે પધરાવીશ તો અજાણતાં જ સમાજમાં એક શાંત ક્રાન્તિનો સૂત્રપાત થઈ જશે. તારા વહાલા પપ્પાજીનું અંગેઅંગ વિદ્યાદેવીના પવિત્ર યજ્ઞકુંડમાં હોમાશે. એમણે જાણ્યે-અજાણ્યે બાંધેલાં કર્મો એકસામટાં ખપી જશે અને એ લખચોરાશીના ફેરામાંથી હરહંમેશને માટે છૂટી જશે!
મારી પાછળ કોઈ ઉત્તરક્રિયા કરવાની જરૂર નથી. ગરુડપુરાણ બેસાડવાની પણ જરૂર નથી. સરસ્વતીની સેવામાં મારાં હાડમાંસ હોમી દઈ હું અભિનવ દધીચિપણું પામીશ. એક યોગ્ય સુપુત્રી દ્વારા એના પાલક પિતાનું આથી મોટું તર્પણ બીજું કયું હોઈ શકે? કહે જોઉં!
બેટા નંદુ, જીવન તો એક અધૂરો પ્રવાસ છે. ક્યારે ગાડી ખોટકાય અને ક્યારે અધવચ્ચે ઊતરી જવું પડે એની કોઈને ખાતરી નથી હોતી. કાળની અનંત ગાડીના આપણે સૌ યાત્રી છીએ. પોતપોતાનું સ્ટેશન આવે એટલે સૌએ ઊતરી જવાનું છે. આ વિલ વાંચતી હોઈશ ત્યારે મારો પ્રવાસ પૂરો થયો હશે. આપણો સહવાસ સમાપ્ત થયો, પરંતુ તારી સાથે મારો અંતરવાસ અકબંધ રહેશે. શરીરરૂપે નહિ રહું ત્યારે પણ ચેતનારૂપે તો હું તારા રૂંવેરૂવે રણઝણતો રહીશ.
આવજે બેટા! અલવિદા બાય, બાય!
એણે આગળ વાંચવાનું માંડી વાળ્યુંઃ હું તમારી દીકરી નથી, એમ ને?
વસિયત વાંચતાં વાંચતાં નંદિનીથી હળવું ડૂસકું મુકાઈ ગયું. આંખોમાં આંસુ ઝગારા મારી રહ્યાં. બચપણમાં થયા કરતી એમ ગુસ્સે થઈને ધીમેથી એણે વાડીકાકાના ગાલ ખેંચી લઈ કહ્યું, કેટલા નઠોર છો તમે! તમારી નંદુને છૂટથી રોવા પણ નથી દેતા, જીજીને કહી દઈશ હોં! એટલું બોલતાં બોલતાં એનાથી ફરી વાર ડૂસકું મુકાઈ ગયું. થોડી વાર પૂરતી એ શાંત પૂતળાની જેમ મૃત પિતાની સ્થિર આંખોમાં આંખો પરોવી ઊભી રહી. પછી એકાએક ખુરસીમાંથી ઊભી થઈ જઈને જાણે ઉતાવળમાં હોય એમ ઘડિયાળ સામે જોઈ મોટેથી બરાડો પાડવા લાગીઃ જલદી કરો, ડોક્ટર! પપ્પાજીના નેત્રદાન ને દેહદાનની વિધિ શરૂ કરો. લાવો, જ્યાં સહી કરવાની હોય ત્યાં કરી દઉં.
એનો આદેશ મળતાં જ ફટાફટ ફોન રણકવા માંડ્યા. સ્ટ્રેચરમાં પોઢી કોલ્ડરૂમ ભણી પધારી રહેલા વાડીકાકાનાં અંતિમ દર્શન કરી ડો. નંદિની પટેલે એની સામે મૂકવામાં આવેલા કાગળિયામાં સહીઓ કરવા માંડી. હજી એનો ગુસ્સો શમ્યો નહોતો. તમારું શરીર હતું ને! એ મનોમન બબડીઃ
મારો થોડો કોઈ હકદાવો ચાલે એના પર..?
અને એ ધ્રુસકે ધ્રુસકે પપ્પાજી! કહી રડી પડી.

લેખક સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here