અનોખી એપઃ અકસ્માતની ચોક્કસ માહિતી ભોગ બનેલી વ્યક્તિના પરિવારને પહોંચાડશે

વડોદરાઃ વડોદરાના યુવા ઇનોવેટરે બનાવી અનોખી એપ્લિકેશન, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ અકસ્માતના સમયે ચોક્કસ માહિતી ભોગ બનનારના પરિવારને પહોંચાડી શકશે.
જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે ઘણા લોકો ઘાયલને મદદ કરવા દોડી આવે છે. અકસ્માતમાં જો ઘાયલ વ્યક્તિ બેભાન થઈ ગઈ હોય તો તેઓ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી શકે છે, પરંતુ તે વ્યક્તિનાં સગાંસંબંધીઓને જાણ કરી શકતા નથી, કારણ કે હવે મોટા ભાગના સ્માર્ટફોન લોક કરેલા હોય છે.
વડોદરાના યુવા ઇનોવેટર કુશલ કાપડિયાએ એપ બનાવી છે, જે અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિના પરિવારને અકસ્માતની ચોક્કસ માહિતી પહોંચાડશે. દરેક વ્યક્તિ સરળતાથી એપનો ઉપયોગ કરી શકે એ હેતુથી કાપડિયાએ એપને ખૂબ જ સરળ બનાવી છે.
એપમાં મુખ્યત્વે બે બટન છે,  જો કોઈ વ્ યક્તિ અકસ્માતના સ્થળની નજીક છે તો અકસ્માતની વિગત ફોટોગ્રાફ્સ સાથે આ એપમાં અપલોડ કરી અકસ્માતમાં ઘાયલ વ્યક્તિના પરિવારને માહિતી પહોંચાડી શકે છે. એક વાર એપમાં રજિસ્ટ્રેશન કરાવ્યા પછી જો યુઝર ક્યારેક અકસ્માતનો ભોગ બને અને કોઈ વ્યક્તિ તેની માહિતી એપમાં અપલોડ કરે તો અકસ્માતની બધી વિગત તેના પરિવારના સભ્યોને પહોંચી જાય છે.


અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિનાં સગાં-સંબંધીઓની કોઈ પણ માહિતી મદદ કરવાવાળાને આપ્યા વગર સગાંઓને અકસ્માતની માહિતી આપવા માટે બનાવવામાં આવી છે. કોઈ પણ મદદગાર આ એપમાં વાહનનો નંબર નાખી થોડી સામાન્ય માહિતી ટિક કરી, અકસ્માતનો ફોટો પાડી સેન્ડ બટન દબાવે કે તરત બધી માહિતી વેબસાઇટ પર પહોંચી જાય છે.
જો અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિ અને તેનાં સગાં એપમાં રજિસ્ટર થયેલાં હોય તો તરત તેમને એપમાં સ્થળનો ગૂગલ મેપ અને અકસ્માતની સામાન્ય માહિતી સાથે નોટિફિકેશન પહોંચી જાય છે.
જો સગાંસંબંધી રજિસ્ટર થયેલાં ન હોય તો બધી માહિતી વેબસાઇટ પર એક અઠવાડિયા સુધી પડી રહે છે, જે તે સમય દરમિયાન કોઈ પણ વાહનનો નંબર નાખી જોઈ શકે છે. જો કોઈ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિ બેભાન ન થઈ હોય અને તે એપમાંનું  બટન દબાવે, તો તરત તેણે એપમાં રજિસ્ટર કરેલાં બધાં સગાંને એપમાં નોટિફિકેશન  થઈ જાય છે. આ એપ અને વેબસાઇટ ફક્ત મદદ કરવાના હેતુથી બનાવાઈ છે.