અનુષ્કા શર્માનો અદ્ભુત અભિનય દર્શાવતી ફિલ્મ ‘પરી’

 

બોલીવુડની વિખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્માને એ વાતે દાદ દેવી પડશે કે તેણે આ ફિલ્મમાં નાણાં રોકયાં છે, એટલું જ નહિ, પણ શાનદાર અભિનય પણ આપ્યો છે. ડિરેક્ટર પ્રોસિત રોયની હોરર સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પરી’ અનુષ્કા શર્માના હોમ પ્રોડક્શનમાં બનેલી ત્રીજી ફિલ્મ છે. અનુષ્કા શર્મા સાથે પરમબ્રતા ચેટરજી, રજત કપૂર અને રિતાભરી ચક્રવર્તીએ ભૂમિકા અદા કરી છે. લગ્ન પછી અનુષ્કા શર્માની આ પ્રથમ ફિલ્મ છે. અનુષ્કાની આ ભૂમિકા તેની કારકિર્દીની શ્રેષ્ઠ ભૂમિકા કહી શકાય છે.

ફિલ્મમાં અર્નબ (પરમબ્રતા ચેટરજી)ની મુલાકાત પિયાલી (રીતાભરી ચક્રવર્તી) સાથે થાય છે. શરૂઆત કોલકાતાથી થાય છે, જ્યારે રુખસાના (અનુષ્કા શર્મા)ની મમ્મી અર્નબની કાર સાથે અથડાય છે અને તેનું મોત થાય છે. પોલીસ તપાસ શરૂ કરે છે ત્યારે જંગલમાં એક ઝૂંપડામાં ઘરમાં રુખસાના મળે છે. રુખસાનાને લોખંડની સાંકળથી બાંધવામાં આવે છે. ઘરમાં કોઈ ન હોવાથી અર્નબ તેને પોતાના ઘરે લઈ જાય છે. આ પછીની વાર્તા ફ્લેશબેકમાં બાંગલાદેશના એક ગામમાં જાય છે, જ્યાં ડોક્ટર કાસીમ અલી (રજત કપૂર)ના પાત્રનો પરિચય કરવામાં આવે છે. કાસીમ અલી પ્રોફેસર છે. તે બાંગલાદેશથી કોલકાતા આવે છે અને તેમની મુલાકાત રુખસાના સાથે થાય છે.
ફિલ્મમાં અભિનય બાબતમાં તમામ કલાકારોએ સશક્ત ભૂમિકા અદા કરી છે. અનુષ્કા શર્માએ શક્તિશાળી અભિનય આપ્યો છે.

ફિલ્મમાં ઇન્ટરવલ અગાઉનો ભાગ અલગ પ્રકારની તાજગી લાવે છે, જ્યારે ઇન્ટરવલ પછી ફિલ્મ ગતિ પકડે છે, પરંતુ ચીલાચાલુ અને નીરસ બની જાય છે. વરસાદ દરમિયાન કોલકાતાનું વાતાવરણ, ગાઢ જંગલમાં શ્વાનનો અવાજ, કેફિયત વગેરેનો સમન્વય આ ફિલ્મમાં જોવા મળ્યો છે.
ડિરેક્ટર પ્રોસિત રોયની આ પ્રથમ હિન્દી ફીલ્મ છે, જેમાં તે સફળ થયા છે. ડર ઊભો કરવા માટે તેમણે વાતાવરણ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ કર્યો છે. ફિલ્મમાં ડરાવવાનાં દશ્યોને તેમણે સારી રીતે રજૂ કર્યાં છે જે દર્શકોને હચમચાવે છે. હોરર ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ સાઉન્ડ ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અનુષ્કા શર્માની ભૂમિકા ડરામણી ઓછી છે.