અનુપમ મિશનમાં અશ્વિનદાદા-શાંતિદાદા અમૃતપર્વ-ઠાકોરજીનું રજત પાટોત્સવ મહાપર્વ

 

 

મોગરીઃ અનુપમ મિશન મોગરીમાં સાધુરામ પૂજ્ય અશ્વિનદાદા અને શાંતિદાતા પૂજ્ય શાંતિદાદા અમૃતપર્વ અને ઠાકોરજીનો રજત પાટોત્સવ મહાપર્વ યોજાયું હતું. અશ્વિનદાદાના અમૃતપર્વની સભામાં ગુરુસભાના યુવાનોએ તૈયાર કરેલા સુશોભિત હંસાકાર રથમાં બિરાજમાન સંતભગવંત જશભાઈ સાહેબ, સદ્ગુરુ સંતો અશ્વિનભાઈ, શાંતિભાઈ ઉપસ્થિત રહ્યા હતા. હરિધામ સોખડાથી હરિપ્રસાદ સ્વામી અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. હરિપ્રસાદ સ્વામીએ યોગીબાપાના જીવનસિદ્ધાંત સંપ, સુહૃદભાવ અને એકતા પર ભાર દઈ આશીર્વાદ આપ્યા હતા. જશભાઈ સાહેબે અશ્વિનભાઈના માહાત્મ્યની સમજ આપી આશીર્વચન પાઠવ્યાં હતાં.
આ સભામાં અક્ષરવિહારી સ્વામી સાંકરદાથી અને દિનકરભાઈ અમેરિકાના શિકાગોથી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ અશ્વિન-દાદાને સ્મૃતિભેટ, પુષ્પગુચ્છ અર્પણ કર્યાં હતાં.
આ પછી બીજા દિવસે શાંતિદાતા શાંતિદાદાના અમૃતપર્વ માહાત્મ્ય સભા યોજાઈ હતી. જશભાઈ સાહેબ સાથેની સદ્ગુુરુ સંતોની 60 વર્ષની ભક્તિયાત્રાને ગુરુસભાના યુવાનોએ સ્વાગત યાત્રામાં પ્રદર્શિત કરી હતી. શાંતિદાદાનાં પ્રાર્થનામય અમૃતવર્ષોની સ્મૃતિ કરાવતી વિડિયો ફિલ્મ ‘શાંતિદાદાની અમૃતયાત્રા’ સ્ક્રીન પર રજૂ થઈ હતી. અમેરિકાથી આવેલા રાજાભાઈ અને બિમલભાઈએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. સભામાં સંતભગવંત સાહેબજી, શાંતિદાદા, અશ્વિનદાદાની પોસ્ટર ટિકિટ પ્રસ્તુત કરાઈ હતી. સેંકડો મુક્તોએ શાંતિદાદાને સ્મૃતિભેટ, પુષ્પગુચ્છ, અર્પણ કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ ભક્તિપર્વ અમૃતગાથા રજૂ થયો હતો, જેમાં વિવિધ મંડળો દ્વારા નૃત્ય, નૃત્યનાટિકા, સંવાદ ભક્તિરૂપે રજૂ થયો હતો. પોષી પૂર્ણિમા નિમિત્તે બ્રહ્મજ્યોતિ મોગરીમાં પારમિતા મંદિરે બિરાજિત શ્રી ધામ-ધામી-મુક્તનો રજત પાટોત્સવ ઊજવવામાં આવ્યો હતો. રજત પાટોત્સવ વિધિ સંપન્ન થયા પછી ગુણાતીત દીક્ષા દિન, અનુપમ મિશનના વ્રતધારી સાધકોનો સ્વર્ણિમ વ્રતધારણ દિવસ ઊજવાયો હતો. સભામાં દાનવીર શ્રેષ્ઠી અમેરિકાનિવાસી ડો. કિરણભાઈ પટેલ હાજર રહ્યા હતા, જેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અનુપમ મિશનના વ્રતધારી સંતોની દીક્ષાવિધિ અને સમર્પણની ગાથા વિડિયો સ્વરૂપે દર્શાવાઈ આવી હતી.