‘અનામત ૫૦ ટકાથી વધુ કરી શકાય?’

 

નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ અદાલતે અનામતના મામલા પર રાજ્ય સરકારોને સવાલ કરતાં પૂછ્યું હતું કે, અનામત પર સીમાને વર્તમાન ૫૦ ટકાથી પણ વધુ કરી શકાય કે નહીં તે અદાલત જાણવા માંગે છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. મરાઠા અનામત પર સુનાવણી દરમ્યાન અદાલતે આ નોટિસ આપી છે. સર્વોચ્ચ અદાલત આ મામલામાં ૧૫મી માર્ચથી રોજેરોજ સુનાવણી કરશે. તમામ રાજ્યોનો પક્ષ સાંભળવો જરૂર છે તેવું સુપ્રીમે કહ્યું હતું. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, આ મામલામાં કલમ ૩૪૨-એની વ્યાખ્યા સામેલ છે જે તમામ રાજ્યોને પ્રભાવિત કરશે. તેમણે તમામ રાજ્યોને સાંભળવા માટે એક અરજી પણ કરી હતી જેના પર ન્યાયમૂર્તિ અશોક ભૂષણે કહ્યું હતું કે, અમે સૌની વાત સાંભળશું. કપિલ સિબ્બલે પણ કહ્યું હતું કે, અદાલતે તમામ રાજ્યોને નોટિસ જારી કરવી જોઇએ. આ એક સંવૈધાનિક પ્રશ્ન છે જે તમામ રાજ્યોને અસર કરશે. અદાલતે માત્ર કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકારોને સાંભળીને કોઇ ફેંસલો કરવો ન જોઇએ.