અનામત પ્રથાનાં ઊંબાડિયાંમાં ફરી દલિત-દલિતેતર સંઘર્ષ

0
1419

પંદરમી ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયેલા ભારતના 26મી જાન્યુઆરી, 1950થી અમલમાં આવેલા બંધારણમાં અનુસૂચિત જાતિ (એસસીઃ દલિત) અને અનુસૂચિત જનજાતિ (એસટીઃ આદિવાસી) માટે અનામત પ્રથાની જોગવાઈ અમલમાં લાવવાનું બંધારણના ઘડવૈયાઓએ નક્કી કર્યું હતું. સરકારી નોકરી અને શિક્ષણ માટેના પ્રવેશમાં અનામતના ખાસ લાભ આપવા ઉપરાંત સંસદ અને ધારાસભાઓમાં દલિતો અને આદિવાસીઓને વસતિના પ્રમાણમાં રાજકીય અનામત આપવાનું ઠરાવાયું હતું. સમાજના બન્ને વર્ગો ઉજળિયાત કે સવર્ણોની સાથે મુખ્ય ધારામાં આવી જાય ત્યાં લગી આવી અનામતપ્રથા અમલી બનાવવાનું વિચારાયું હતું. એને એકાદ દાયકાના ગાળામાં અપેક્ષિત લેખ્યું હતું, પરંતુ પછી તો એનાં અર્થઘટનો (ઇન્ટર-પ્રીટેશન્સ) એવી રીતે કરાવા માંડ્યાં કે આજ લગી બન્ને પ્રકારની અનામત અમલમાં છે. એટલું જ નહિ, એમાં અન્ય પછાત વર્ગ (ઓબીસીઃ અધર બેકવર્ડ ક્લાસ)ને પણ સામેલ કરવાનું અમલી બનતાં ઇન્દ્રા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે દલિત, આદિવાસી અને અન્ય પછાત વર્ગોની અનામતની ટકાવારી 50 (પચાસ) ટકાથી વધે નહિ એવી સીમાનું બંધન આવ્યું. સાથે જ અનેક સમાજો પોતાને અનામતના લાભ મળે એ માટે આંદોલન કરતા થયા અને તમામ રાજકીય પક્ષો વોટબેન્કની રાજનીતિથી પ્રેરાઈને આવી માગણીઓને સ્વીકારતા થયા. બંધારણ ઘડનારી સમિતિના અધ્યક્ષ રહેલા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભગવા રંગે રંગવાનાં અટકચાળાં થાય છે.
અનામત મેળવવા આંદોલનો
વર્તમાન સંજોગોમાં દલિતો માટે રાષ્ટ્રીય સ્તરે 16 ટકા, આદિવાસીઓ માટે રાષ્ટ્રીય સ્તરે 7 ટકા અને અન્ય પછાત વર્ગો માટે રાષ્ટ્રીય સ્તરે 27 ટકા અનામત બેઠકોનું સરકારી નોકરીઓ અને શૈક્ષણિક પ્રવેશ માટે પ્રમાણ ઠરાવાયેલું છે. રાજ્યોમાં સંબંધિત વસતિના પ્રમાણ મુજબ વધઘટ રહે છે. દા. ત. ગુજરાતમાં આદિવાસી વસતિ વધુ છે એટલે આદિવાસી અનામત પ્રમાણ 15 ટકા અને દલિત અનામતનું પ્રમાણ 7 ટકા તેમ જ ઓબીસીનું પ્રમાણ 27 ટકા છે. રાજકીય અનુકૂળતાઓ જોઈને તમામ પક્ષો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેમ જ અન્ય પછાત વર્ગોની જાતિઓ-વર્ગોનું પ્રમાણ વધઘટ કરવાનું પસંદ કરતા હોવા છતાં સુપ્રીમ કોર્ટે ઠરાવેલી 50 ટકા અનામત મર્યાદાને વટાવી જવા માટે બંધારણીય સુધારો અનિવાર્ય બને છે. અનામત અનામતના રાજકારણમાં બઢતીઓમાં પણ અનામતના રોસ્ટર થકી બિન-અનામત અથવા તથાકથિત સર્વણ કે ઉજળિયાત કોમોમાં ‘હાર્ટ-બર્ન’નો માહોલ જોવા મળે છે. ગુજરાતમાં હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર આંદોલનની શરૂઆત ‘કાં અનામત કાઢી નાખો અથવા પાટીદારોને અનામત આપો’ એ ભૂમિકા પર થઈ હતી. એમને શરૂઆતમાં ઓબીસી અનામતનો ખપ હતો, પણ અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઠાકોર-ઓબીસી મંચ થકી પાટીદારોને ઓબીસીમાં સામેલ કરવા સામે વિરોધ કરાયો. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ખુરશી આ આંદોલનના ઘટનાક્રમમાં ગઈ હતી. ઊનામાં દલિતો પર અત્યાચારના મામલે જિજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં દલિત આંદોલન પ્રગટ્યું. ભારતની આઝાદીના સાત-સાત દાયકા પછી પણ દલિતો અને આદિવાસીઓને મુખ્ય ધારામાં લાવવાનું શક્ય બન્યું નથી. ઊલટાનું ઉજળિયાત ગણાતી જ્ઞાતિઓ પણ આંદોલન અને રેલીઓ કાઢીને પોતાના વોટબેન્ક તરીકેના પ્રભાવનો રાજકીય પક્ષોને પરિચય કરાવીને અનામત શ્રેણીમાં દાખલ થવાનો આગ્રહ કરે છે.
એટ્રોસિટી ચુકાદાથી દેશવ્યાપી અજંપો
ભારતની સુપ્રીમ કોર્ટની બેન્ચે મહારાષ્ટ્રના એક ખટલા સંદર્ભે અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિની કનડગત સામે સંરક્ષણ કાયદા એટ્રોસિટી એક્ટને હળવો કરવા સંદર્ભે ચુકાદો આપ્યો અને સમગ્ર દેશમાં ભારે ઊહાપોહ મચી ગયો. અદાલતી ચુકાદાના વિરોધમાં દલિત સંગઠનોએ રાષ્ટ્રવ્યાપી બંધનું આયોજન ગઈ 2 એપ્રિલે કર્યું અને હિંસક અથડામણોમાં 11 જણ માર્યા ગયા. એ પછી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના એ ચુકાદા સામે રિવ્યુ પિટિશન દાખલ કરી. જોકે અદાલતની બેન્ચના ન્યાયમૂર્તિઓના ચુકાદાને વાંચ્યા વિના જ ઊહાપોહ મચાવાયાની ભૂમિકા સુપ્રીમ કોર્ટે લઈને એ ચુકાદા પર મનાઈહુકમ આપવાનું ટાળ્યું. સત્તારૂઢ ભારતીય જનતા પક્ષના સાંસદોએ પણ કેન્દ્ર સરકારની ભૂમિકા સામે રોષ વ્યક્ત કર્યો, એટલું જ નહિ, સાથી પક્ષોના વડા અને મોદી સરકારના મંત્રીઓ રામવિલાસ પાસવાન અને રામદાસ આઠવલે જેવા દલિત નેતાઓ પણ ગિન્નાયા. સમગ્ર દેશમાં જ્યારે વિપક્ષી એકતા જોવા મળી અને સત્તા મોરચામાં પણ આંતરકલહ કે મતભેદ જોવા મળ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધને ટાઢો પાડવા આગળ આવવું પડ્યું. સામે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અને 2019માં લોકસભાની ચૂંટણી ઝળૂંબતી હોય ત્યારે દલિતો અને આદિવાસીઓને નારાજ કરવાનું પરવડે નહિ. કોંગ્રેસ સહિતના પક્ષોને તો આ મુદ્દો પોતાના રાજકીય લાભ કાજે સામે ચાલીને મળ્યો હોવાનું અનુભવાયું. એક બાજુ બ્રાહ્મણો-રાજપૂતો પણ રેલીઓ કાઢી અનામતની માગણી કરી રહ્યા છે, પછી અનામતની સમીક્ષા કરવાની વાત ભડકા સર્જે છે.
ત્રણ વર્ષમાં દલિત અત્યાચારના આંકડા
ભારત સરકારના સત્તાવાર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ પણ આવા જ દિવસોમાં પ્રગટ થયા. વર્ષ 2014, 2015 અને 2016 એટલે કે મોદી યુગમાં દલિતો પર અત્યાચારના નોંધાયેલા પોલીસકેસમાં વધારો થયાના આંકડા મોદી સરકારના બ્યુરોએ જ પ્રગટ કર્યા! માત્ર ત્રણ વર્ષમાં ભારતમાં દલિતો સામેના ગુના અને અત્યાચારના 1,19,872 કિસ્સા બન્યાનું આ બ્યુરોના રાજ્યવાર આંકડામાં જણાવાયું એટલે મામલો વધુ ભડક્યો. ઓછામાં પૂરું ગુજરાતમાં ભાવનગર જિલ્લાના ગામમાં ઘોડી ખરીદીને સવારી કરનાર દલિતની હત્યાની ઘટના બની. સમગ્ર દેશમાં આવા કિસ્સાઓ અને અત્યાચારો સામે દલિત જાગૃતિ જોવા મળે છે. જોકે ભાજપના કેટલાક સાંસદોએ મિડિયા સમક્ષ બચાવ કરવાનો પ્રયાસ કર્યો કે અગાઉની સરકારોમાં દલિતો પરના અત્યાચારોને લગતા ગુના નોંધવાનું ટાળવામાં આવતું હતું, પણ મોદી સરકાર આવ્યા પછી આવા ખટલા નોંધવાનું પ્રમાણ વધ્યું છે. જોકે આવા તર્કને ભાગ્યે જ કાને ધરાય છે.
અનામત વિરોધમાં ભારત બંધ
દલિતો અને આદિવાસીઓને લગતા મુદ્દે દેશભરમાં વાતાવરણ ગરમ હતું ત્યાં જ ગઈ 10મી એપ્રિલે ‘અનામત પ્રથાના વિરોધમાં ભારત બંધ’નું એલાન અપાયું. આ એલાન આપવા માટે કોઈ સંગઠન કે રાજકીય પક્ષો આગળ આવ્યા નહિ, પણ સોશિયલ મિડિયા મારફત અનામત પ્રથાના વિરોધમાં બંધની હાકલ કરાઈ. ગુજરાતમાં તો એની ઝાઝી અસર ન થઈ, પણ બિહારમાં હિંસક અથડામણો સર્જાઈ, અનામતતરફી અને અનામતવિરોધીઓ વચ્ચે અથડામણો સર્જાય નહિ એની રાજ્ય સરકારોએ તકેદારી રાખી છતાં અનામતનો લાભ જેમને મળતો નથી એવી ઉજળિયાત કોમો તથા વર્ગોનો રોષ આ બંધમાં પ્રગટ્યો. સોશિયલ મિડિયામાં પણ એ જોવા મળ્યો. જોકે આ બધા પાછળ દોરીસંચાર રાજકીય પક્ષોનો હોવા છતાં ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષ ખૂલીને અનામતના વિરોધમાં બહાર આવે છે. અનામતતરફી અને અનામતવિરોધી અથડામણો સર્જીને રાજકીય લાભ ખાટવા તથા સત્તાધીશોને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે.
સંઘ-ભાજપની અનામત અંગે ભૂમિકા
લોકસભાની 2019માં આવી રહેલી ચૂંટણીમાં સંઘ-ભાજપના પ્રયાસોથી ભાજપના નેતા નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા હોવાથી ફરીને એમની સરકાર ચૂંટાય નહિ એ માટે વિપક્ષો સંગઠિત થવાની કોશિશમાં છે. ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકશાહી મોરચા (એનડીએ) સામે તમામ રાજકીય પક્ષો સંગઠિત બનીને એક જ મોરચો રચવાની વેતરણમાં છે. સંઘની અનામત વિશેની ભૂમિકાના એની પ્રતિનિધિ સભાના 1981થી 2012 સુધીના ગાળાના ઠરાવોમાં, (1) અનામત પ્રથા કાખઘોડી સમાન હોવાથી એ કાયમી ન હોઈ શકે, (2) અનામત પ્રથાની સમીક્ષા થવી જોઈએ. (3) આર્થિક રીતે નબળા વર્ગોને અનામતનો લાભ મળવો જોઈએ. આ ભૂમિકાને કારણે દલિતો-આદિવાસીઓમાં સંઘ-ભાજપવિરોધી માહોલ રચવાની વિપક્ષોની કોશિશ છે. ભાજપ અનામત અને એટ્રોસિટી એક્ટ કાઢી નાખવા માગે છે, એવો પ્રચાર થાય છે. આવા સંજોગોમાં સમગ્ર ભારતમાં અજંપાભરી સ્થિતિ છે. અનામત પ્રથા એ ખૂબ જ સંવેદનશીલ બાબત ગણાય છે. એમાં કોઈ જાતનો ફેરફાર કરાય એ સામે ઊહાપોહ મચે છે. બદ્ધંબદ્ધું રાજકારણલક્ષી છે.

લેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here