અનલોક ૧.૦ની અસર? ૨૪ કલાકમાં રેકોર્ડ ૯૩૦૪ કોરોના પોઝિટિવ 

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. અનલોક ૧ની અસર દેખાઇ રહી હોય તેમ ગુરુવારે સ્વાસ્થય મંત્રાલયનાં રિપોર્ટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૩૦૪ નવા કેસ આવ્યા છે. જ્યારે આ બિમારીનાં કારણે ૨૬૦ લોકોનાં મોત નિપજ્યાં છે. જે આજ સુધીનો રેકોર્ડ આંકડો છે. જો કે બીજી તરફ ૩૮૦૪ લોકો સ્વસ્થ પણ થયા છે. હવે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૨,૧૬,૯૧૬ છે. જે પૈકી ૬,૦૭૫ લોકોનાં મોત નિપજ્યાં છે. રાહતના સમાચાર છે કે, ૫૦ ટકા દર્દીઓ કોરોના સામે જંગ જીતી ચુક્યા છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧,૦૬,૭૩૭ છે. કોરોનાથી સૌથી વધારે મહારાષ્ટમાં આંકડો ૭૫ હજાર છે અને ૨,૫૮૭ના મોત થયા છે. ૩૨ હજારથી વધારે લોકો સ્વસ્થ થયા છે. બીજા નંબર પર તમિલનાડુમાં ૨૬ હજારથી વધારે કેસ છે અને ૨૦૮ લોકોનાં મોત નિપજ્યાં છે. ત્રીજા નંબર પર દિલ્હી છે. અહીં ૨૩ હજારથી વધારે કેસ આવી ચુક્યા છે. જેમાં ૬૦૬ લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે ૯૫૪૨ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ચોથા નંબર પર રહેલું ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યાનો આંકડો ૧૮ હજારને પાર પહોંચી ચુક્યો છે. જેમાં ૧૧૨૨ લોકોનાં મોત થઇ ચુક્યા છે.