અધ્યક્ષ પદ માટે કોઈ એક વ્યક્તિનું નામ નક્કી કરવું કોંગ્રેસ માટે મુશ્કેલ

 

નવી દિલ્હી: કોંગ્રેસ હાઈકમાન માટે અધ્યક્ષ પદ માટે કોઈ એક વ્યક્તિનું નામ નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે. એક સમયે અશોક ગેહલોતનું નામ નક્કી માનવામાં આવતું હતું, પરંતુ રાજસ્થાનમાં જે રાજકીય ઘટનાક્રમ બન્યો ત્યારબાદ સોનિયા ગાંધી ગેહલોત પર નારાજ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ગેહલોતે સોનિયા ગાંધી સાથે ફોનમાં વાતચીત કરીને તેમને મનાવવા માટે પ્રયત્ન કર્યો હતો. તેમણે સોનિયા ગાંધી સમક્ષ પોતે હાઈ કમાનને પડકાર ન ફેંક્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. આ બધા કારણોસર અશોક ગેહલોત અધ્યક્ષ પદની રેસમાં છે કે નહીં તે અંગે અટકળો જાગી હતી. અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પદના મોહનો ત્યાગ નથી કરી રહ્યા, પરંતુ કોંગ્રેસ આ માટે તેમને મનાવી રહી છે. 

સોનિયા ગાંધીએ આનંદ શર્મા, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોની સહિત અનેક વરિષ્ઠ નેતાઓને અશોક ગેહલોતને અધ્યક્ષપદ માટે નામાંકન દાખલ કરવા રાજી કરવાની જવાબદારી સોંપી છે. અશોક ગેહલોતને સમજાવવામાં આવી રહ્યું છે કે, જો તેઓ હાઈકમાનની નારાજગીથી બચવા ઈચ્છતા હોય તો તેઓ અધ્યક્ષપદનો સ્વીકાર કરે અને આગામી મુખ્યમંત્રી પસંદ કરવાનો નિર્ણય સોનિયા ગાંધી પર જ છોડી દે. 

કોંગ્રેસ હાઈકમાન ધારાસભ્ય દળની બેઠકથી અલગ મીટિંગ યોજવા મામલે અશોક ગેહલોતના નજીકના લોકોને મેસેજ પણ પાઠવવા ઈચ્છે છે. જોકે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને તે કોઈ મોટી એક્શન લેવાથી બચી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ મામલે કોંગ્રેસ પ્લાન-બી પર પણ કામ કરી રહ્યું છે. તેના અંતર્ગત કેટલાક સિનિયર નેતાઓને પણ તૈયાર રાખવામાં આવ્યા છે. જેથી અશોક ગેહલોત રાજી ન થાય તો તેમને અધ્યક્ષપદ માટે નામાંકન દાખલ કરવા માટે કહી શકાય. આ રણનીતિના કારણે જ કદાચ મોટા ભાગના સિનિયર નેતાઓને દિલ્હીમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસના સંકટમોચક તરીકે પ્રખ્યાત એવા રાજકારણમાંથી નિવૃત્ત એકે એન્ટનીને પણ બોલાવ્યા હતા. બીજી તરફ શશિ થરૂરે પોતે નામાંકન દાખલ કરશે તેમ જાહેર કરેલું છે