અધિકારીઓ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ થવો જોઈએઃ મદ્રાસ હાઇકોર્ટની ચૂંટણી પંચને ફટકાર

 

ચેન્નાઇઃ મદ્રાસ હાઇકોર્ટે છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ઝડપી વધારા માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે. કોર્ટે આકરી ટીકા ટિપ્પણી કરતાં કહ્યું કે, બેજવાબદાર વર્તન માટે ચૂંટણી પંચ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ. ચૂંટણી પંચ તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે. બેંચે કહ્યું કે, ચૂંટણીમાં રાજકીય દળોએ કોરોના પ્રોટોકોલનું જબરદસ્ત ઉલ્લંઘન કર્યું છે અને પંચ તેને રોકવામાં નિષ્ફળ રહ્યું. કોર્ટે કહ્યું કે, પંચને લીધે સ્થિતિ એટલી વિકરાળ બની છે અને તે રાજકીય પક્ષોની લગામ કસવામાં નિષ્ફળ રહ્યું છે.

ચીફ જસ્ટિસ સંજીબ બેનર્જી અને જસ્ટિસ સેન્થિલ કુમાર રામમૂર્તિની બેંચે કહ્યું કે, એક સંસ્થા તરીકે ચૂંટણી પંચ જ આ સ્થિતિ માટે સંપૂર્ણ રીતે જવાબદાર છે. તે પોતના અધિકારનો કોઇ ઉપયોગ કર્યો નથી. કોર્ટ તરફથી કેટલાય આદેશ આપવા છતાં તમારી તરફથી રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ કોઇ એક્શન લેવાયા નહીં.

કોવિડ પ્રોટોકોલ જાળવી રાખવાની તમામ અપીલો અને આદેશોની અવગણના કરાઇ છે. આટલું જ નહીં, કોર્ટે કહ્યું કે જો તમે કોવિડ પ્રોટોકોલની કોઇ બ્લૂપ્રિન્ટ તૈયાર નહીં કરી તો અમે બીજી મેના રોજ થનારી મતગણતરીને રોકાવી પણ શકીએ છીએ. કોર્ટે કહ્યું કે, તમારી મુર્ખતાને લીધે જ આવી સ્થિતિ પેદા થઇ છે.

કોરોનાના કેસ વધવાની સાથે ચૂંટણી પ્રચારને મંજૂરી આપવા માટે આકરી નિંદા કરતાં મદ્રાસ હાઇકોર્ટે કહ્યું કે, કોવિડની બીજી લહેર માટે માત્ર તમારી સંસ્થા જવાબદાર છે અને ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાના આરોપનો કેસ દાખલ કરવો જોઈએ. ચીફ જસ્ટિસ સંજીબ બેનર્જીએ સવાલ કર્યો કે, જ્યારે ચૂંટણી રેલીઓ આયોજીત થઇ રહી હતી ત્યારે તમે શું બીજા ગ્રહ પર હતા?