અદ્યતન માલવાહક સી-295 ભારત આવી પહોચ્યું

ભારતીય વાયુદળ માટે તૈયાર કરાયેલા સી-295 મિલિટરી કાર્ગો વિમાનનું આગમન વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતે થયું હતું. બપોરે એરફોર્સ સ્ટેશનના પૂર્વ તરફના ભાગ પર તે લેન્ડ કરીને અટક્યા બાદ સ્થાનિક વાયુદળને જવાનો અને અધિકારીઓએ આ વિમાન બહેરિનથી વડોદરા એરફોર્સ સ્ટેશન લાવનાર ગ્રૂપ કમાન્ડર પીએસ નેગી સહિતનું સ્વાગત કરાયું હતું. આ સી-295 15મી સપ્ટેમ્બરે સ્પેનના સેવિલ શહેરના સાન પાબ્લો એરપોર્ટથી ઉડાનભરીને માલ્ટા, બહેરિન થઇને 6854 કિમીની હવાઇ સફર કરીને વડોદરા પહોંચ્યું હતું. આ અંગે ભારતીય વાયુદળે પણ 4.40 વાગ્યાના સુમારે સોશિયલ મીડિયાએ માહિતી આપી હતી.
બુધવારે બપોરે 4.15 વાગ્યાના સુમારે સી-295 લેન્ડ થયા બાદ અટક્યું ત્યારે તેનો આગલો ભાગ ઉત્તર દિશા તરફ હતો. સી-295 વિમાનના આગમનની સમાંતરે આ પ્લાન્ટના સત્તાધીશો દ્વારા વડોદરા મહાનગર પાલિકા (કોર્પોરેશન) પાસે પાકો રસ્તો બનાવવાની મંજૂરી માગી છે. આ રસ્તો એરફોર્સ સ્ટેશનનથી રાજીવનગર તરફનો છે. આ રસ્તો પ્લાન્ટ માટે જરૂરી સામાન લાવતા વાહનોને અગવડ ન પડે તે માટે તૈયાર કરાશે. જેનો ખર્ચ ટાટા જ ભોગવશે. આ જગ્યા સૂચિત ટીપીની છે અને હાલમાં રોડ ખુલ્લો હોવાથી આગામી સમયમાં પાલિકા તેને મંજૂરી આપશે, જેની કાર્યવાહી શરૂ થશે.