અતીક-અશરફના મોત બાદ મુખ્યમંત્રી યોગીનું નિવેદન

ઉત્તર પ્રદેશઃ પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ ઉત્તર પ્રદંશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પ્રથમ વાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું આજે ઉત્તર પ્રદેશના લોકોએ કોઈથી ડરવાની જરૂર નથી. ઉત્તર પ્રદેશની ઓળખ માટે જે લોકો સંકટરૂપ હતા, તેઓ પોતે જ સંકટમાં છે. કોઈ ગુનેગાર વેપારીને ધમકી આપી શકે નહીં. મુખ્યમંત્રી યોગીએ પીએમ મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ એન્ડ એપેરલ યોજના હેઠળ લખનૌ-હરદોઈમાં એક હજાર એકર ટેક્સટાઈલ પાર્કની સ્થાપના અંગે આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. ઉત્તર પ્રદેશ પરથી રમખાણોના રાજ્યના કલંકને દૂર કર્યું છે. 2017 પહેલા રમખાણો માટે જાણીતું હતું. દર બીજા દિવસે તોફાન થતું હતું. 2012 થી 2017 વચ્ચે 700થી વધુ રમખાણો થયા હતા. 2017 પછી કોઈ તોફાન નથી થયું.
કાર્યક્રમને સંબોધતા યોગીએ કહ્યું કે પહેલા એવું કહેવામાં આવતું હતું કે જ્યાંથી અંધકાર શરૂ થાય છે ત્યાંથી ઉત્તર પ્રદેશ શરૂ થાય છે. 75માંથી 71 જિલ્લાઓ અંધારામાં હતા. આજે યુપીના ગામડાઓમાં સ્ટ્રીટ લાઇટ ઝગમગી રહી છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીની જોડીએ ઉત્તર પ્રદેશ માટે કલ્પના બહારનું કામ કર્યું છે. યુપીનું ચિત્ર અને પાત્ર બંને બદલાઈ ગયા છે. વિકાસના કામોમાં ભેદભાવ શું છે, ઉત્તર પ્રદેશની જનતા સારી રીતે જાણે છે.