અઢારમા એશિયાઈ રમતોત્સવમાં ગુજરાતના ખેલાડીઓની ઝલક

એશિયાઈ દેશોનો ઓલિમ્પિક રમતોત્સવ એટલે એશિયન ગેમ્સ, જે ઓલિમ્પિકની જેમ જ દર ચાર વર્ષે 1951થી યોજાય છે.
અઢારમો એશિયાઈ રમતોત્સવ ઇન્ડોનેશિયાની 73મી સ્વાતંત્ર્ય ઉજવણી પછી તરત જ એટલે કે 18મી ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમ્બંગમાં યોજાશે. 1951માં નવી દિલ્હીમાં યોજાયેલ પ્રથમ એશિયાઈ રમતોત્સવથી છેલ્લે 2014ના ઇન્ચિયોનમાંના સત્તરમા રમતોત્સવ સુધી ક્યારેય બે શહેરોનાં યજમાનપણાં હેઠળ રમતોત્સવ યોજાયો નથી. એશિયાઈ રમતોત્સવના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જકાર્તા અને પાલેમ્બંગ શહેરની યજમાની હેઠળ 18મો એશિયાડ 18મી ઓગસ્ટ, 2018ના રોજથી શરૂ થઈ રહ્યો છે.
અઢારમા એશિયાઈ રમતોત્સવમાં કુલ 45 દેશોના 9500થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. ‘એનર્જી ઓફ એશિયા’ જેનું ઓફિશિયલ સોંગ્સ અને મોટ્ટો છે એવા આ અઢારમા એશિયાઈ રમતોત્સવમાં કુલ 40 રમતોની 462 જેટલી સ્પર્ધાઓ યોજાવાની છે. એશિયાઈ રમતોત્સવના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ઈ સ્પોર્ટસ યાને ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ અને કેનોઈ પોલો ડેમોન્સ્ટ્રેશન સ્પોટ્઱્સ તરીકે રમાનાર છે.
ભીનભીન, અતંગુ અને કાક આ ત્રણ બર્ડ – એનિમલના મેસ્કોટવાળા અઢારમા એશિયાઈ રમતોત્સવની શાનદાર ઓપનિગ અને ક્લોઝિગ સેરેમની જકાર્તામાં આવેલા ગેલોરા બુંગ કર્ણો સ્ટેડિયમમાં યોજાશે. આ સ્ટેડિયમનું નામ ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્યસંગ્રામમાં મહત્ત્વનો ભાગ ભજવનાર સુકર્ણો પરથી રાખવામાં આવ્યું છે. 1962થી ખુલ્લું મૂકવામાં આવેલા આ સ્ટેડિયમની બેઠકક્ષમતા 76,127ની છે. આ સ્ટેડિયમ આમ તો ફૂટબોલનાં શ્રેષ્ઠ-10 સ્ટેડિયમોમાંનું એક શ્રેષ્ઠ સ્ટેડિયમ છે.
એશિયાઈ રમતોત્સવની બધી રમતો જકાર્તા, પાલેમ્બંગ અને યેસ્ટ જાવા એન્ડ બેન્ટનમાં આવેલાં વિવિધ સ્ટેડિયમોમાં રમાશે. જકાર્તામાં ટ્રાફિક અને પ્રદૂષિત હવામાનનો મુખ્ય પ્રશ્ન છે. હમણાં હમણાં ત્રાસવાદી હુમલાઓ પણ થયા હોવાથી સુરક્ષા માટે 10,000થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા શાળા-કોલેજના વિદ્યાર્થીઓને તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. તેઓ રમતોત્સવ માટે પધારનારા ખેલાડીઓ, અધિકારીઓ અને રમતપ્રેમીઓને ટ્રાફિકની સમસ્યામાંથી બચાવવા વિવિધ પ્રયત્નો કરશે.
એશિયાઈ રમતોત્સવના પુરસ્કર્તા એવા ભારતે 1951માં ઘરઆંગણે યોજાયેલા પ્રથમ રમતોત્સવથી આજ સુધી દરેક રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો છે.
અઢારમા રમતોત્સવમાં ભારત કુલ 40માંથી 34 રમતોમાં ભાગ લઈ રહ્યું છે. ભારત બેઝબોલ, ફૂટબોલ, જેટસ્કી, મોડર્ન પેન્ટાથ્લોન, રગ્બી સેવન્સ અને ટ્રાયથ્લોનમાં ભાગ લેવાનું નથી.
ભારતમાંથી કુલ 541 ખેલાડીઓ આ 34 રમતોની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે, જેમાં 139 ગોલ્ડ, 178 સિલ્વર અને 299 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે સૌથી વધુ ગોલ્ડ 1951માં પ્રથમ રમતોત્સવમાં 15 અને 2010માં ગુઆંગ્ઝુમાં સોળમા રમતોત્સવમાં 14 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. કુલ મેડલ્સમાં પણ ભારતે કુલ 65 મેડલ્સ 2010ના ગુઆંગઝુ એશિયાડમાં મેળવ્યા હતા, જેમાં 14 ગોલ્ડ, 17 સિલ્વર અને 34 બ્રોન્ઝનો સમાવેશ થતો હતો.
મેડલ ટેલીમાં ભારતે સર્વશ્રેષ્ઠ કુલ 1951માં દ્વિતીય અને 1962માં જકાર્તામાં તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભારતે સૌથી શ્રેષ્ઠ દેખાવ કબડ્ડીમાં નવ ગોલ્ડ સાથે પ્રથમ સ્થાને રહીને કર્યો છે. ભારતે એશિયન ગેમ્સના ઇતિહાસમાં દર વખતે પુરુષ અને મહિલા એમ બન્ને વિભાગમાં ચેમ્પિયન થવાનું ગૌરવ મેળવ્યું છે. આ પછી એથ્લેટિક્સમાં 72 ગોલ્ડ, ક્યુરસ્પોટ્઱્સમાં પાંચ ગોલ્ડ, ફિલ્ડ હોકીમાં ચાર ગોલડ, ડાઇવિંગમાં બે ગોલ્ડ, બોર્ડ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ્સ સાથે તૃતીય ક્રમે રહ્યું છે.
એશિયન રેકોડ્઱્સમાં ભારતની સુનીતા રાનીએ 2002માં બ્રુસાનસ્થિત 1500 મીટરમાં 4ઃ06ઃ3 મિનિટથી રેકોર્ડ કર્યો હતો, જે આજ સુધી અકબંધ છે. જ્યારે ભારતીય મહિલા ચોકડી પ્રિયંકા પવાર, ટિન્ટુલુકા, મનદીપ કૌર અને માચેત્તિરા રાજુ પુવામાએ 1600 મીટર રિલેમાં 3ઃ28.61 મિનિટથી નવો રેકોર્ડ ઇન્ચીઓનમાં સ્થાપ્યો હતો. શૂટિંગમાં જશપાલ રાણાએ 2006માં દોહામાં 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલમાં 590 અંક સાથે અને જિતુ રાયે 50 મીટર પિસ્તોલમાં 186.2 પોઇન્ટથી 2014માં ઇન્ચીઓનમાં રેકોર્ડ કર્યો હતો.
અઢારમી એશિયન ગેમ્સમાં ગુજરાતના છ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં દોડવીરાંગના સરિતા ગાયકવાડ, ટેબલટેનિસમાં હરમીત દેસાઈ અને માનવ ઠક્કર, શૂટિંગમાં એલાથેનિલ વેલરિવન, ટેનિસમાં અંકિતા રૈના અને સ્વિમિંગમાં અંશુલ કોઠારી છે. આ બધા ખેલાડીઓ મેડલ્સ લાવી શકે તેવા આશાસ્પદ ખેલાડીઓ છે.
એથ્લેટિક્સ સરિતા ગાયકવાડઃ સરિતા ગાયકવાડ એટલે ડાંગ એક્સપ્રેસ. ડાંગના જંગલમાં ખીલેલો કેસુડો. હા, સાવ નાનકડા ગામ કરાડી આંબામાં રહેતી અને માતા-પિતાને ખેતમજૂરીમાં મદદ કરતી ગરીબ પરિવારની દીકરી સરિતા આજે જ્યાં ચાર ધોરણથી વધુ ભણવા માટે સ્કુલ નથી એવા ગામમાંથી એશિયાઈ રમતોત્સવ જ્યાં યોજાવાનો છે તે ઇન્ડોનેશિયામાં ભારતીય એથ્લેટિક ટીમની એક આશાસ્પદ મહિલા બની ઊભરી આવી છે.
પોતાની સફળતાનો યશ ખેતીમાં કાળી મજૂરી કરતી માતા રમુબહેનને આપતાં સરિતા કહે છે કે જો મારી માતાએ મને દોડની રમતને કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરી ન હોત તો આજે ક્યાંય ખૂણામાં હું પડી હોત! પાંચમા ધોરણથી મને ભણવા માટે હોસ્ટેલમાં મૂકનાર માતા રમુબહેન અને પિતા લક્ષ્મણભાઈની એક જ ઇચ્છા હતી કે દીકરી કંઈક બને અને ગામનું નામ રોશન કરે.
સરિતાને નાનપણથી જ કાકા-બાપાના છોકરાઓ સાથે ખેતરમાં દોડા-દોડી, પકડદાવ, આંબલી-પીપળી જેવી ભાગ-દોડની રમત રમવાની ટેવ હોવાથી તે અત્યારે સ્પ્રિન્ટ ક્વીન થઈ ડાંગ એક્સપ્રેસ બની છે.
પી. ટી. ઉષાને આદર્શ માનતી સરિતાએ પી. ટી. ઉષા જેવાં ગૌરવશાળી દોડવીર બનવાનું નક્કી કર્યું અને તે નાની-મોટી સ્પર્ધાઓમાં ભાગ લેતાં તે ઘણા મેડલ્સ જીતવા લાગી. તેનાથી તે વધુ પ્રોત્સાહિત થઈ કોલેજમાં અને યુનિવર્સિટીમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીત્યો. આ પછી કર્ણાટકમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા વીમેન્સ એથ્લેટિક્સમાં દ્વિતીય ક્રમે આવી સિલ્વર મેડલ મેળવ્યો હતો.
દિવાળીના તહેવારને વધુ પસંદ કરતી અને ચોકલેટ ખાવાની શોખીન સરિતા નેશનલ એથ્લેટિક એકેડેમી લુધિયાણામાં એડમિશન થયું અને નેશનલ પ્લેયર બની. ઇન્ડોનેશિયામાં આ વર્ષે રમાયેલી આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને હવે આ સરિતા એશિયન ગેમ્સમાં મેડલ ઇવેન્ટ માટે દોડી રહી છે. સરિતા તું મેડલ લઈને આવે અને નાનકડા ગામ કરાડી આંબા અને ગુજરાત તેમ જ ભારતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા. બેસ્ટ ઓફ લક.
સ્વિમિંગ, અંશુલ કોઠારીઃ ગુજરાત સરકારનો એકલવ્ય અને સરદાર પટેલ એવોર્ડ મેળવનાર 29 વર્ષનો તૈરાક અંશુલ કોઠારી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ભાગ લેનાર એકમાત્ર ગૌરવશાળી સ્વિમર છે. 50 મીટર અને 100 મીટર ફ્રી સ્ટાઇલમાં નેશનલ રેન્ક સેકન્ડ અને 50 મીટર બટરફ્લાયમાં નેશનલ રેન્ક થર્ડ મેળવનાર અંશુલ કોઠારી બી.ટેક. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને એમ.બી.એ.નો ઉચ્ચ અભ્યાસ ધરાવતો ગુજરાત અને ભારતનો ગૌરવશાળી સ્વિમર છે. અઢારમી એશિયન ગેમ્સ જકાર્તા – પાલેમ્બંગમાં સતત ત્રીજી વખત એશિયન ગેમ્સમાં ભાગ લેનાર અંશુલ કોઠારીએ સૌપ્રથમ 2010માં ગુઆંગ્ઝુ ખાતેના સોળમા એશિયાડમાં અને પછી 2014ના ઇન્ચીઓનમાંના સત્તરમી એશિયન ગેમ્સમાં ફાઇનલિસ્ટ સુધી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. 2010માં નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ તે ફાઇનલિસ્ટ રહ્યો હતો.
2011માં ભારતના સૌથી ઝડપી તૈરાક તરીકેનું ઐતિહાસિક બહુમાન મેળવનાર અંશુલ કોઠારી ચાર વર્ષનો હતો ત્યારે તે ક્રોનિક ફ્લેટ ફૂટ કન્ડિશનથી પીડાતો હતો. ડોક્ટરોએ તેને શસ્ત્રક્રિયાની સલાહ આપી, પણ માતાપિતાએ તેને સ્પોર્ટમાં મૂક્યો. સૌપ્રથમ જિમ્નાસ્ટિકથી કેરિયરનો પ્રારંભ કરનાર અંશુલ દશ વર્ષનો થયો ત્યારે 1999માં સ્વિમિંગના સમર કેમ્પમાં ભાગ લીધો હતો અને પાણીને પ્રેમ કરી બેઠો! જિમ્નાસ્ટિકનાં સાધનો છોડીને પાણીમાં માછલીની જેમ તરવા લાગ્યો!
પાણીના રોક સ્ટાર અંશુલ કોઠારીએ બે વખત એશિયન ચેમ્પિયન સાથે 21 ઇન્ટરનેશનલ મેડલ્સ મેળવ્યા છે. ત્રણ નેશનલ અને એક ઇન્ટરનેશનલ રેકોર્ડ્સ બનાવનાર અંશુલે ઇન્ડોનેશિયામાં જકાર્તામાં 2011માં સાતમી એશિયન એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 400 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2015માં બેંગકોક ખાતે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
બારમા સાઉથ એશિયન ગેમ્સ – 2016માં ગુવાહાતીમાં અંશુલે એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીતવા સાથે 400 મીટર રિલેમાં ન્યુ ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો. 60મી મલેશિયન ઓપન સ્વિમિંગ ચેમ્પિયન્સશિપ-2017માં મેલાકામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઓલિમ્પિક 2020 માટે સખત પુરુષાર્થ કરતા અંશુલને એશિયાડ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
શૂટિંગ એલા વેનિલ વેલારિવનઃ શૂટિંગની શોટગન એલાવેનિલ વેલારિવન એક ટીનએજર ગોલ્ડન શૂટર છે. ગોલ્ડના ટાર્ગેટને જ શૂટ કરતી એલાવેનલે હમણાં જ જુલાઈ માસમાં ચેક રિપબ્લિકમાં પ્લેજનમા રમાયેલ 28મી જુનિયર આંતરરાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની એર રાઇફલમાં 250.8ના સ્કોર સાથે જુનિયર વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ રેકોર્ડ પ્રદર્શન સાથે જીત્યો હતો.
એલાવેનિલ આમ તો એથ્લેટિક્સમાં સ્પ્રિન્ટ ક્વીન બનવા ઇચ્છતી હતી અને સ્પ્રિન્ટ તેમ જ મેરેથોન દોડમાં નંબર પણ લાવવા લાગી હતી, પણ સાયન્ટિસ્ટ પિતાએ તેને એક વાર શૂટિંગ કરવા કહ્યું અને માત્ર 13 વર્ષની વયે તેના વજનથી વધુ વજનવાળી એર રાઇફલ પકડીને તે ફુગ્ગાઓ ફોડે તેમ ટાર્ગેટ શૂટ કરવા લાગી. મમ્મી-પપ્પા બન્ને સાયન્સના દામ્પત્યજીવનને આ ફુલ શૂટિંગમાં ધીરે ધીરે આગળ વધવા લાગી અએ અમદાવાદ રાઇફલ ક્લબને જ સ્કૂલ માનવા લાગી. સખત મહેનત, કોન્ફિડન્સ અને એકાગ્રતાએ સિદ્ધિનાં શિખરો સર કરવા લાગી. સૌપ્રથમ ગોલ્ડ મેડલ 2015માં રાજ્યકક્ષાએ મેળવ્યો. 2017માં સૌપ્રથમ વાર નેશનલ લેવલ પર ત્રિવેન્દ્રમમાં યોજાયેલી 60મી નેશનલ શૂટિંગ ગેમમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. એ જ વર્ષે જર્મનીમાં શૂલમાં વર્લ્ડકપ શૂટિંગમાં ભાગ લીધો હતો.
વરસાદમાં પલળવાની અને વરસાદી માહોલને માણવાની શોખીન એલાવેનિલ જૂન-2018માં જર્મનીમાં સુહલમાં યોજાયેલા જુનિયર વર્લ્ડ કપમાં 10 મીટર એર રાઇફલમાં બે ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધિ મેળવી હતી. જ્યારે ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. શૂટિંગમાં ખેલ પ્રતિભા પુરસ્કાર મેળવનાર એલાવેનિલે 2018માં મલેશિયામાં કુઆલાલમ્પુરમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સિટી શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા વિભાગની 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને ગુજરાત યુનિવર્સિટીનું નામ રોશન કર્યું હતું.
આમ 2018નું વર્ષ તેની શૂટિંગ કેરિયરમાં સૌથી વધુ ગોલ્ડન યર રહ્યું છે ત્યારે એશિયાડમાં પણ તે અવશ્ય ગોલ્ડ જીતીને આવશે અને સફળતાનું મોરપીંછ ઉમેરશે. એલાવેનિલન ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ટેનિસ અંકિતા રૈનાઃ ભારતીય ટેનિસજગતની ટેનિસપરી અંકિતા રૈના આઇટીએફમાં સાત સિંગલ્સ અને 13 ડબલ્સનાં ટાઇટલ્સ મેળવનાર ગૌરવશાળી ખેલાડી છે. પચીસ વર્ષની ટેનિસ કોર્ટ ગજવનાર અંકિતા આ વર્ષે 2018માં ગ્રાન્ડસ્લેમની સિંગલ્સ ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડનમાં ક્વાર્ટર સુધી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. આસામમાં ગુવાહાતીમાં યોજાયેલી 12મી સાઉથ એશિયન ગેમ્સ-2016માં સિંગલ્સનું અને મિક્સ્ડ ડબલ્સનું ટાઇટલ મેળવ્યું હતું.
વિશ્વ ટેનિસ મહિલા રેન્કિંગ સિંગલ્સમાં ટોપ 200માં નિરૂપમા સંજીવ, સાઇના મિર્ઝા અને શિખા ઉબેરોઈ પછી ચોથી ભારતીય મહિલા તરીકેનું ગૌરવ મેળવનાર અંકિતાનો જન્મ અમદાવાદમાં 11મી જાન્યુઆરી, 1993ના રોજ થયો હતો અને પાંચ વર્ષની વયે જ ટેનિસ કોર્ટ પર ઢીંગલા-ઢીંગલીઓના બદલે ટેનિસ રેકેટ અને બોલથી રમવાનું શરૂ કરી દીધું હતું. 14 વર્ષની વયે 2007માં પુણેમાં પીવાયસી હિન્દુ જિમખાના સ્પોર્ટ્સ ક્લબમાં સખત તાલીમ શરૂ કરી હતી. 2013માં તે વિશ્વના સિંગલ્સ રેકિંગમાં 291મા ક્રમે પહોંચી ગઈ હતી.
માનવ ઠક્કર પણ ટેબલ-ટેનિસનો વર્લ્ડ લેવલે અન્ડર 18નો દ્વિતીય ક્રમનો અને ફેબ્રુઆરી-2018માં પ્રથમ ક્રમનો સુરતી અઢાર વર્ષનો ખેલાડી છે. માનવ ઠક્કરે અત્યાર સુધીમાં કુલ 119 મેડલ્સ મેળવ્યા છે, જેમાં નેશનલના 76 અને ઇન્ટરનેશનલના 43 મેડલ્સનો સમાવેશ થાય છે.
રાઇટ હેન્ડેડ માનવ શેકહેન્ડ સ્ટાઇલથી રમીને કાઉન્ટર એટેક કરતો પાવરફુલ ખેલાડી છે. માનવ ઠક્કરે 2014માં પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં ઓગસ્ટ, 2014માં સાઉથ એશિયન કેડેટ એન્ડ જુનિયર ચેમ્પિયનશિપ્સમાં ટીમ ઇવેન્ટમાં મેળવ્યો હતો. આ સાથે સિંગલ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવીને શુભારંભ કર્યો હતો.
ટેબલ ટેનિસમાં ભારતના કુલ 10 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં પાંચ બોય્ઝ અને પાંચ ગર્લ્સ છે. આ પાંચ બોય્ઝમાં ગુજરાતના બે બોય્ઝ હરમીત દેસાઈ અને માનવ ઠક્કર છે.
હરમીત દેસાઈએ ઇન્ડિયા રેકિંગ નંબર ત્રણનો 25 વર્ષનો સુરતનો ગૌરવશાળી ખેલાડી છે. એપ્રિલ, 2018માં ઓસ્ટ્રિલિયાના ક્વીન્સલેન્ડમાં આવેલા ગોલ્ડકોસ્ટમાં યોજાયેલી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસની મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ તેમ જ મેન્સ ડબલ્સમાં સુનીલ શેટ્ટી સાથે બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો. હરમીત માત્ર પાંચ વર્ષની વયથી ટેબલ ટેનિસ રમે છે. આ 20 વર્ષની પિંગપોંગની જર્નીમાં તેણે 100થી વધુ સ્ટેટ ચેમ્પિયનના, 80થી વધુ નેશનલ લેવલના એ 30થી વધુ ઇન્ટરનેશનલના મેડલ્સ મેળવ્યા છે. તેના ઘરનો ડ્રોઇંગ રૂમ મેડલ્સરૂમથી ઝળહળતો કરી દીધો છે.
હરમીત દેસાઈને મન ટેબલ ટેનિસ તેની લાઇફ છે. તે આ રમતમાં ઓલિમ્પિક મેડલ મેળવવા ઇચ્છે છે અને એટલે દિન-પ્રતિદિન તે રમતમાં સતત પ્રવૃત્ત રહે છે. હાલ તે એશિયાઈ રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. અહીં મેડલ્સ મેળવીને તે ઓલિમ્પિક 2020માં જવાની તૈયારી કરવાનો છે. હરમીતને સફળતા મળે એ માટે આપણા બધાની ખૂબ ખૂબ શુભેચ્છા.

લેખક રમતગમતના સમીક્ષક છે.