ગાંધીનગરઃ લાભ પાંચમનાં શુભ દિનથી અતુલ્ય વારસો ટી પાર્ટીનો પુનઃ શુભારંભ નવા અભિગમ સાથે અડાલજની વાવમાં ગુજરાતનાં સૌ ઈતિહાસ અને કલા પ્રેમીઓ માટે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં મુખ્ય હેતુ પ્રમાણે સૌપ્રથમ એકબીજાનો પરિચય કેળવી નવા વર્ષની શુભકામનાઓ સાથે પોતાના અનુભવોનાં આદાન પ્રદાન ત્યાર બાદ કાર્યક્રમનાં અધ્યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહનાં વિચારો અને અનુભવો જાણવામાં આવ્યા હતા. છેલ્લા ૬૦ વર્ષથી કલા અને સંસ્કૃતિને ઉજાગર કરવાની તેમની સફર, નાના નાના કલાકારોને ખૂણે ખૂણેથી શોધી પ્લેટફોર્મ આપવાનું ભગીરથ કાર્ય સતત અત્યારે પણ ચાલી રહ્યું છે. અતુલ્ય વારસોની કામગીરી રાજ્યનાં વિવિધ વિસ્તારમાં પહોંચાડવા બદલ તેઓએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે નવી પેઢીને વારસા અંગે માહિતગાર કરવા બચપણથી જ શિક્ષણમાં પાયો મજબુત કરવા ભાર મુક્યો હતો. આ ટી પાર્ટીમાં અતુલ્ય વારસો મેગેઝિનનાં મેનેજિંગ ટ્રસ્ટી કપિલ ઠાકર, વિષ્ણુસિંહ ચાવડા, રોનક રાણા, ગાંધીનગરના તરૂણ શુક્લ, દીપક ચૌધરી, અમદાવાદથી મનીષ વૈદ્ય, મનીષાબેન રાજપૂત, સલોની પરીખ, મુંબઈથી હિરેન દવે, ઉવારસદથી અલ્પેશભાઈ પટેલ અને તેમની ટીમ હાજર રહી હતી.
અતુલ્ય વારસોનાં સ્થાપક કપિલ ઠાકર દ્વારા શહેર અને ગામોમાં રહેલ વારસાનું દસ્તાવેજીકરણ થાય તે માટે ભાર મુકવામાં આવ્યો હતો અને આ કામગીરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જ શક્ય છે તે માટે અતુલ્ય વારસોની ટીમ દ્વારા જીલ્લા સ્તરે સંકલન કરવામાં આવી રહ્યું છે તેવી માહિતી આપી હતી.
અડાલજ ખાતે ટી પાર્ટી બાદ ટીમ દ્વારા ઉવારસદની વાવની મુલાકાત લેવામાં આવી હતી. ઉવારસદ ખાતે ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ દ્વારા વાવ વિકસાવવાની કામગીરી ચાલી રહી છે આ વાવ અતુલ્ય વારસો દ્વારા દત્તક લેવામાં આવી હતી અને હાલમાં અંતિમ તબક્કાની વિકાસ કામગીરી ચાલી રહી છે. વાવની કામગીરી પૂર્ણ થયા બાદ ઉવારસદ ખાતે પુનઃ વિલેજ વોક અને અન્ય પ્રવાસન કાર્ય ઝડપથી હાથ ધરાશે તેવા મુદાઓ ચર્ચાયા હતા