
વોશિંગ્ટનઃ ભારત દ્વારા વિશ્વના સૌથી વિશાળ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાંનો એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે, જે લગભગ 100 મિલિયન પરિવારો અથવા 500 મિલિયન નાગરિકોને આવરી લેશે. આ યોજનાની વાર્ષિક અંદાજિત કિંમત લગભગ 1.7 બિલિયન ડોલર છે.
ભારતના નાણામંત્રી અરુણ જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ 2018-2019ના બજેટના ભાગરૂપે આ મહત્ત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી.
તેમણે સંસદમાં જણાવ્યું હતું કે દુનિયાનો આ સૌથી વિશાળ ગવર્નમેન્ટ-ફન્ડેડ હેલ્થ કેર પ્રોગ્રામ બનશે. દેશના 10 કરોડ પરિવારો અથવા તો લગભગ 40 ટકાની વસતિને આવરી લેનારા સરકારના આ મહત્ત્વાકાંક્ષી મેગા હેલ્થ કેર પ્રોગ્રામની શરૂઆત બીજી ઓક્ટોબર – ગાંધી જયંતીના દિવસથી થશે. આ માટે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યો ભેગાં મળીને ફન્ડિંગ કરશે. કેન્દ્ર અને રાજ્યોના ફન્ડિંગનો હિસ્સો 60ઃ40 ટકા હશે. પ્રતિ પરિવાર પ્રીમિયમનો અંદાજિત ખર્ચ 1000થી 1200 થશે. 10 કરોડ પરિવારો અથવા 50 કરોડ વસતિને આવરી લેવાશે, જેને 2011ના સામાજિક-આર્થિક જાતિગત જનસંખ્યામાં ‘વંચિતની શ્રેણી’માં રાખવામાં આવી છે. આ યોજના આધારથી લિન્ક થયેલી કેશલેસ સુવિધા હશે અને લાભાર્થી દેશમાં ગમે ત્યાં પેનલમાં સામેલ કોઈ પણ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે.

નીતિ આયોગે ગણતરી કરી છે કે દર વર્ષે કેન્દ્રને આ યોજના માટે 10 હજારથી 12 હજાર કરોડનો બોજ પડશે. નીતિ આયોગને ઇન્શ્યોરન્સ કંપનીઓ તરફથી ખૂબ ઓછા પ્રીમિયમની મદદથી આ યોજના સફળ થવાનો વિશ્વાસ છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાન સરકાર હાલમાં પ્રતિ પરિવાર રૂ. 500 પ્રીમિયર પર વર્ષે 3.75 લાખનો હેલ્થ ઇન્શ્યોરન્સ કવરની યોજના ચલાવે છે અને તેમાં ક્લેઇમનો દર લગભગ 2.5 ટકા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમની જાહેરાત કરી હતી, તે ખૂબ જ વ્યાપક છે.
2011માં સોશિયો-ઇકોનોમિક કાસ્ટ સેન્સસમાં ‘વંચિત’ તરીકે વર્ગીકૃત 10 કરોડ પરિવાર. પ્રતિ પરિવારને દર વર્ષે પાંચ લાખ રૂપિયાનું કવરેજ મળશે.
એક વાર આ યોજના લોન્ચ થશે પછી આ પરિવાર આપોઆપ આના પરિઘમાં આવશે. પરિવારમાં જેટલા સભ્યો હશે, તે બધાને આ કવરેજ મળશે.
આ સ્કીમ માર્ચ માસ સુધીમાં લાગુ કરાશે.
અધિકારીઓએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન અગાઉ નીતિ આયોગે તમામ રાજયોની આવી યોજનાઓ અને બીજા દેશોમાં આના જેવી યોજનાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો.
2018-2019ના બજેટમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના માટે ફકત 2000 કરોડ રૂપિયા ફાળવાયા છે, જેનો શરૂઆતમાં ઉપયોગ નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એનએચપીએસ) લાગુ કરવામાં થશે. સરકારને આ સ્કીમ શરૂ કરવા માટે રૂ. 5000થી રૂ. 6000 કરોડની જરૂર પડશે.
નીતિ આયોગના સભ્ય વી. કે. પોલે કહ્યું કે નીતિ આયોગ આ પ્રોજેક્ટ પર છેલ્લા એક-દોઢ વર્ષથી કામ કરે છે. નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એનએચપીએસ) રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાનું સ્થાન લેશે, જેને 2008માં ગરીબી રેખાની નીચેના પરિવારો માટે શરૂ કરાઈ હતી અને જે અંતર્ગત વાર્ષિક રૂ. 30 હજારનું આરોગ્ય કવચ મળતું હતું.
ભારતીય-અમેરિકન ફિઝિશિયન અને પરીખ ફાઉન્ડેશન ફોર ઇન્ડીયા’ઝ ગ્લોબલ ફાઉન્ડેશનના ફાઉન્ડર પદ્મશ્રી ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે ભારતમાં યુનિવર્સલ હેલ્થ કેર માટેની જરૂરિયાત છે. આ ખરેખર મહાન પગલું છે, જે ભારતમાં 40 ટકા જરૂરિયાતમંદ વસતિને આવરી લેશે.
ડો. સુધીર પરીખ ગ્લોબલ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (ગોપિયો)ના જોઇન્ટ સેક્રેટરી તેમ જ અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (આપી)ના પાસ્ટ પ્રેસિડન્ટ છે.
એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન અને ‘ગોપિયો’ના ફાઉન્ડર પ્રેસિડન્ટ અને એમિરેટ્સ એડવાઇઝર પ્રતાપ રેડ્ડીએ જણાવ્યું હતું આ પ્રોગ્રામ ‘ગેમ ચેન્જર’ બની રહેશે.
નીતિ આયોગ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા)ના વાઇસ ચેરમેન રાજીવ કુમારે જણાવ્યું હતું કે આ નવું ભારત છે, જેને આપણે જન્મ આપી રહ્યા છીએ. ગરીબો માટે હેલ્થ ઇન્શ્યોરન્સના ખર્ચ માટે વર્ષે બે અબજ ડોલરનું ફન્ડિંગ કરવામાં આવશે.
(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)