અજિત પવાર ૩૮ દિવસમાં ફરી નાયબ મુખ્યમંત્રી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર બન્યાના મહિના બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ફેરફાર કરાયા છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોતાની કેબિનેટમાં બીજા ૩૬ મંત્રીનો સમાવેશ કર્યો છે, જેમાં ઉદ્ધવના પુુત્ર આદિત્ય ઠાકરેનો પણ સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી નિમણૂક અજિત પવારની હતી, કેમ કે અજિત પવારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે. આ એ જ અજિત પવાર છે, જેઓ મહિના પહેલાં જ ભાજપ સાથે જોડાઈને નાયબ મુખ્યમંત્રી બની ગયા હતા અને બાદમાં ભાજપ બહુમત સાબિત ન કરી શકી અને તેઓ ફરી પરત આવી ગયા હતા. જે પણ નવા મંત્રીઓએ શપથ લીધા છે એમાં એનસીપીના ૧૪, કોંગ્રેસના ૧૦ અને શિવસેનાના ૧૨ મંત્રીનો સમાવેશ થાય છે. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળમાં હવે કુલ ૪૩ મંત્રી થઈ ગયા છે.
૨૩ નવેમ્બરે દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રીના શપથ લેનારા એનસીપીના નેતા અજિત પવારે ૩૮ દિવસ પછી બીજીવાર અને કુલ ચોથીવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. વિધાનભવન પ્રાંગણમાં આલીશાન શામિયાણામાં રાજ્યપાલ ભગતસિંહ કોસિયારેએ ૩૬ પ્રધાનોને પદ અને ગૌપનિયતાના શપથ લેવડાવ્યા હતા.