અજાયબીઓની આસપાસ દેખાતા મોહપાશને ભેદવાનું કામ અઘરું હોય છે

0
1035

 

જગતની સાત અજાયબીઓ વિશે તો આપણે સૌ કોઈ જાણતા હોઈએ છીએ, પરંતુ દુનિયામાં આઠમી અજાયબી પણ ઘણી હોય છે! આવી અજાયબીઓની સંખ્યા જો ગણતરીમાં લેવામાં આવે તો મૂળ યાદીને અનેકગણી રીતે અતિક્રમી જવાય એટલી મોટી સંખ્યામાં તે મળી શકે, જેમ કે કોઈક ચમત્કારિક વ્યક્તિને જોઈને આપણે કહીએ છીએ કે ખરેખર આ તો આઠમી અજાયબી જેવો છે. કોઈક સ્થળ કે પછી કોઈક વસ્તુની અસાધારણ લાક્ષણિકતા જોઈને પણ ઘણી વાર માણસો આવું જ વ્યક્ત કરતા હોય છે. કોઈક જાણીતું સ્થળ અથવા પુરાતન ખંડેર કે અવશેષોને જોયા બાદ આપણે સહસા બોલી પણ ઊઠીએ છીએ.
ખરેખર આ તો આઠમી અજાયબી જેવું છે!
આપણી ચોતરફ અસંખ્ય બનાવો, ઘટનાઓ કે પ્રસંગો બનતા હોય છે. આવા સમયે આપણે તેને સરેરાશ પ્રકારના વલણથી મૂલવતા રહીએ છીએ અને એ જ માનસિકતા સાથે આપણે એને સ્વીકારતા પણ રહીએ છીએ. ક્યારેક એ રીતે જ એનું મૂલ્યાંકન પણ કરી નાખીએ છીએ. આપણી વૈચારિક પ્રક્રિયા કે અનુમાન કરવાની શક્તિને ઘણા બધા પ્રકારની લગામો હોય છે. આ દરેકની પાછળ આપણો અભિગમ, આપણો ઉછેર, આપણી ભૂગોળ કે પૂર્વાનુભવોનું આપણું બેકગ્રાઉન્ડ પણ પ્રભાવક અસર કરતાં હોય છે.
જેમ કે આપણે કોઈક ઠંડા પ્રદેશના માણસની જીવનશૈલી જોઈએ તો આપણે તેને આશ્ચર્યપૂર્વક જોઈ રહીએ છીએ. દરિયાકાંઠે જીવતા માણસો માટે માંસાહારી હોવું કે જીવસટોસટનાં મોજાંઓ વચ્ચે આજીવિકા રળવી એક રોજિંદી બાબત હોય છે. આવી જ કોઈ વ્યક્તિને જો મોટા શહેરમાં ટ્રાફિક વચ્ચે જવાનું કહેવામાં આવે કે ગીચ મકાનોની વચ્ચે લઈ જવામાં આવે તો એના માટે જીવવું દુષ્કર બની જાય. હિમાલયનો પ્રવાસ નામનું પ્રવાસવર્ણનનું સુંદર પુસ્તક કાકાસાહેબ કાલેલકરે લખ્યું છે. એમાં એમનાં સુંદર નિરીક્ષણો ઝિલાયાં છે. પહાડી વિસ્તારમાં રહેતા માણસો પોતાની રોજિંદી જીવનપદ્ધતિના ભાગરૂપે ઊંચી-નીચી ટેકરીઓના રસ્તે અનેક માઈલોનો રસ્તો પગપાળા કાપતા હોય છે. એ જોઈને આપણા જેવા સપાટ મેદાની વિસ્તારમાં રહેતા માણસોને અચંબો થાય, પરંતુ ત્યાં રહેનાર વ્યક્તિ જ્યારે આપણી ચાલવાની રીત જાણે ત્યારે એને ભારોભાર નવાઈ લાગે. એકદમ સીધેસીધા રસ્તે આપણને ચાલતા જોઈ એ લોકોને પ્રશ્ન થાય કે…
એમ સીધેસીધા ચાલવાથી તો પડી ના જવાય?
આપણી ભાષામાં કહેવાયું છે કે બાર ગાઉએ બોલી બદલાય. એ રીતે દરેક સ્થળે અને દરેક માણસની વચ્ચે દેખીતી રીતે ઘણું બધું વૈવિધ્ય અને આગવું કહી શકાય એવું વિસ્મયપ્રેરક પડેલું હોય છે, જે સામાન્યતઃ વિરોધી જીવનશૈલી કે વિચારસરણી ધરાવનાર માટે આશ્ચર્યજનક કે નવાઈપ્રેરક બની જતું હોય છે.
હમણાં એક દશ્ય જોયું. બહાર ખુલ્લા અને જાહેર મેદાનમાં કેટલાક પરંપરાગત કલાકારો દ્વારા અંગકસરતનો ખેલ ચાલી રહ્યો હતો. તમામ કલાકારો આપણે જેને ગરીબ અથવા તો બિલકુલ છેવાડાના કહી શકીએ એવા પરિવારોમાંથી આવતા હતા. આમ છતાં એમનું શારીરિક સૌષ્ઠવ, એમની ચપળતા કે શારીરિક સ્ફૂર્તિ અજબ પ્રકારનાં હતાં. એ લોકો જે રીતે અંગકસરત દ્વારા જનરંજન કરી રહ્યા હતા એમાં વ્યાયામના નિયમો તો હતા જ, પરંતુ એમાં ભરપૂર મનોરંજન, સ્થાનિક જાણકારી પણ હતી. આ બધું તેઓ લોકકલાની રીતે આકર્ષક ઢબે રજૂ કરી રહ્યા હતા. એમનામાં લોકોને જકડી રાખવાનું કૌશલ્ય પણ હતું. નવાઈ એ વાતની હતી કે આપણે જેને હેરતભર્યા કે જોખમી પ્રયોગો તરીકે જોતા હતા એ બાબત એમની આજીવિકા માટેનું એકમાત્ર સાધન હતું અને એટલે જ કદાચ એમની રોજિંદી જિંદગીના એક હિસ્સારૂપ બાબત પણ હતી.
આવાં અનેક આશ્ચર્યો આપણી ચોતરફ અનેક જગ્યાએ જોવા મળતાં હોય છે. ઘણી વખત આપણી ચીલાચાલુ જિંદગી કે રોજિંદી ઘટમાળમાં આપણે તેની મજા લેવાનું કે તેના અંતરંગ કલેવરને ભેદવાનું વિચારી પણ શકતા નથી. કોઈ ગામડાનો સામાન્ય માણસ કોઈક મોટી દુકાને અથવા બજારમાં જાય ત્યારે વિસ્ફારિત થઈને જોઈ રહે છે. આવડી મોટી બજારમાં આટલી બધી વસ્તુઓ અને તેનો હિસાબ-કિતાબ કે કારોબાર કઈ રીતે ચાલતો હશે? આ પ્રશ્ન એના માટે વિસ્યમનું કારણ બની જાય છે. ચોપડામાં હિસાબો ટપકાવતા કે નાણાંની લેવડદેવડ કરતા વેપારીની કુશળતા જોઈ એ દંગ રહી જાય છે અને મનોમન તેને લાગે છે કે –
આ તો ઘણું પડકારરૂપ કામ છે.
પરસ્પર રીતે વિરોધાભાસી લાગતી આપણી રહેણીકરણીમાં ક્યારેક સ્પંદનો એકસરખાં પણ હોય છે. અને એટલે જ વિવિધતામાં એકતા જેવા સમાજોનું સાયુજ્ય પણ રચાતું હોય છે. સહઅસ્તિત્વનું ઘડતર થાય છે. આપણા અહોભાવનું આવરણ ઘણી વખત આવા પ્રસંગોને યથાતથ સ્વરૂપમાં જોવા માટે બાધારૂપ સાબિત થતા હોય છે. અહોભાવના મોહપાશ કે આપણા પોતાના ખયાલો અથવા માન્યતાના માપદંડો કોઈક નવીન ચીજ માટે માત્ર આશ્ચર્યચિહ્ન બનીને અટકી જાય છે.

એ તો બધું એમ જ હોય! એમાં શું? એ તો એનો ધંધો છે.
આવાં સરેરાશ શાબ્દિક મૂલ્યાંકનો થકી આપણે આવી મૌલિક બાબતોનું સમાપન કરી નાખીએ છીએ અને રીતે જોઈએ તો આપણું જીવન ચીલાચાલુ પ્રકારે જ જીવતું હોવાનું સાબિત થાય છે, જેમાં સંવેદનાસભર વિચારો કે અભિવ્યક્તિને ખીલવવા માટેનું વાતાવરણ ઊભું થઈ શકતું નથી. ખરેખર જે બાબતે આપણને પ્રશ્નો કે કુતૂહલ થવું જોઈએ એવી ઘટનાઓ કે બનાવો પ્રત્યેનો આવો અભિગમ આપણે ઘણી બધી બાબતોની અંતરંગ શક્તિ કે આંતરિક સૌંદર્ય કે કોઈક મૌલિક જીવનસમજણના અનુભવથી વંચિત રાખે છે. કોઈક વળી કહેશે કે આવું બધું વિચારવું કે આ રીતે જીવવું એ તો કોઈક કલાકાર કે વિચારક માટે જ સ્વાભાવિક ગણી શકાય. સરેરાશ જિંદગી જીવતા માણસને આવી પળોજણમાં પડવું ક્યાંથી પોસાય? પરંતુ આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે ભલે જન્મજાત રીતે સંવેદનશીલ કલાકાર એની જ કોઈ કલાકૃતિ કે રચના માટે તે વસ્તુને વૈવિધ્યસભર રીતે આંતરબાહ્ય રીતે સંવેદી શકતો હોય. આપણે ભલે કોઈક સર્જનાત્મક બાબતોની શક્તિ ન ધરાવતા હોઈએ, પરંતુ આપણી રોજિંદી બીબાઢાળ જીવનશૈલીમાં થોડાંક નવાં સ્પંદનો કે નવી તાજગીનો અહેસાસ આ રીતે મેળવી શકીએ છીએ. અહોભાવ કે અજાયબીઓના આકર્ષક અજવાસ કે માયાવી મોહપાશને ભેદીને જોવા મળતી આવી મજાને માણવી એ પણ એક આગવી કલા છે!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here