અજંતા-ઇલોરાની ગુફા પર્યટકો માટે ખોલવામાં આવી

 

ઔરંગાબાદઃ રાજ્ય સહિત ઔરંગાબાદમાં કોરોનાનો પ્રકોપ ઓછો થતાં પરિસ્થિતિ સામાન્ય થઇ રહી હોવાથી ત્રણ મહિનાથી બંધ રહેલી અજંતા-ઇલોરાની ગુફા સહિત જિલ્લામાં આવેલા ત્રણ અન્ય ઐતિહાસિક સ્થળોને પર્યટકો મોત ગુરુવારથી ખોલવામાં આવશે, એવું સંબંધિત અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

સ્થાનિક પ્રશાસને અજંતા-ઈલોરાની ગુફા સહિત બીબી કા મકબરા, ઔરંગાબાદ ગુફા અને દૌલતાબાદ કિલ્લાને જોવા માટે આવતા પર્યટકોની સંખ્યા ૨,૦૦૦ કરતાં ઓછી કરી છે. ટિકિટ કાઉન્ટર પર ભીડ ટાળવા માટે ઓનલાઇન ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને કોરોનાના નિયમોનું સખતાઇથી પાલન કરવું પડશે. પર્યટન સ્થળોની આસપાસ કામ કરતાં લોકો અને માર્ગદર્શકને આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો અનિવાર્ય રહેશે. જોકે, જે લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા છે તેમની માટે આ ટેસ્ટ કરાવવા ફરજિયાત નથી. એવું પ્રશાસને જણાવ્યું હતું. કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતાં ભારતીય પુરાતત્વ વિભાગે ઐતિહાસિક સ્થળો, સ્મારક અને મ્યુઝિયમ ફરી ખોલવા માટેની જાહેરાત કરી હતી. ઔરંગાબાદ ડિઝાસ્ટર એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના વડા અને જિલ્લાધિકારીએ પણ પર્યટન સ્થળો ગુરુવારથી ખોલવા માટેની મંજૂરી આપી હતી. જોકે, ધાર્મિક સ્થળો પૂર્ણપણે બંધ જ રહેશે.