અક્ષરદેરી સાર્ધ શતાબ્દીઃ નવીનીકરણ પામેલા મહાતીર્થ અક્ષરદેરીનું લોકાર્પણ

 

ગોંડલઃ ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ધામગમન પછી તેઓના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર જે સ્થાન પર કરવામાં આવ્યો હતો એ સ્થાન અક્ષરદેરીના નામે વિશ્વપ્રસિદ્ધ છે. રાજકોટથી 35 કિ.મી.ના અંતરે આવેલા ગોંડલમાં અક્ષરદેરીની સ્થાપનાને 150 વર્ષ પૂર્ણ થતાં ઊજવાઈ રહેલા શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં તથા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંતસ્વામી મહારાજની દિવ્ય નિશ્રામાં સંપન્ન થઈ.
મહોત્સવની મુખ્ય સભાનો લાભ લેવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો-ભાવિકો સવારથી જ પહોંચી ગયા હતા. અક્ષરદેરીનાં દર્શન માટે આવતા ભાવિકોની સંખ્યામાં સતત વધારો થતાં પ્રમુખસ્વામી મહારાજે અક્ષરદેરીના નવીનીકરણનો શુભ સંકલ્પ કર્યો હતો. આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી મૂળ દેરીને યથાવત્ રાખીને પ્રમુખસ્વામી મહારાજની ઇચ્છા મુજબ અક્ષરદેરીના નવીનીકરણનું કાર્ય પૂર્ણ થતાં અતિભવ્યતાથી તેનું લોકાર્પણ કરાયું હતું. આ નિમિત્તે મહાપૂજામાં આશીર્વાદ આપતા મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે આ અક્ષરદેરી સૌના મનોરથ પૂર્ણ કરનારું મહાપ્રતાપી સ્થાન છે. અહીં મહાપૂજા, પ્રદક્ષિણા અને ધૂન કરીને ભક્તો જે કંઈ પ્રાર્થના કરશે તે સર્વે સંકલ્પો અક્ષરદેરી સિદ્ધ કરશે. અહીં આવનારા તમામને સુખ અને પરમ શાંતિ પ્રાપ્ત થશે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહોત્સવની મુખ્ય સભાનો લાભ લેવા માટે પધારતાં અક્ષર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર તથા વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામીએ રાષ્ટ્રપતિનું કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિની સાથે રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રપતિને ભગવાનનો પ્રસાદીભૂત હાર પહેરાવીને અક્ષરદેરીમાં આવકાર્યા. દર્શન-પૂજનનો લાભ લીધા પછી સૌ મહાનુભાવો અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભામાં પધાર્યા. સંસ્થાની વેબસાઇટ અને આસ્થા સહિતની વિવિધ ટીવી ચેનલો પરથી 155 કરતાં વધુ દેશોના અનેક લોકોએ આ કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ ઘરે બેઠાં લીધો હતો. મહોત્સવની આ મુખ્ય સભામાં દશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા અક્ષરદેરીના મહિમાની વાતો રજૂ કરવામાં આવી. વિવિધ સંવાદોની રજૂઆત દ્વારા વર્ષો પહેલાંના ઇતિહાસને બાળકો અને યુવાનોએ મંચ પર જીવંત કર્યો. લગભગ 500 કરતાં પણ વધુ બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહોત્સવની મુખ્ય સભામાં બીએપીએસ સંસ્થાના સંતોએ અક્ષરદેરીના મહિમાની વાતો કરી હતી. આ પ્રસંગે ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા અક્ષરદેરીની પોસ્ટલ ટિકિટ બહાર પડાઈ હતી. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો લાભ સૌ લઈ શકે તે માટે સ્વામીની વાતોની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ થઈ હતી. શ્રી કાશી વિદ્વત્ત પરિષદ દ્વારા બીએપીએસ સંસ્થાના સંત ભદ્રેશદાસ સ્વામીનું વિદ્વત્ત ગૌરવ એવોર્ડથી સન્માન કરાયું હતું. સામાન્ય માણસ પણ સમજી શકે એવી સરળ ગુજરાતી ભાષામાં અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના તત્ત્વજ્ઞાનને સમજાવતાં ભદ્રેશદાસ સ્વામી લિખિત શ્રી અક્ષરપુરુષોત્તમ દર્શન પરિચય પુસ્તકનું લોકાર્પણ કરાયું હતું. રાષ્ટ્રપતિએ બીએપીએસ સંસ્થાને નિરંતર લોકકલ્યાણ માટે અનેક ક્ષેત્રોમાં કાર્યરત સંસ્થા ગણાવીને તેની માનવજાતની નિઃસ્વાર્થ સેવા બદલ પ્રશંસા કરી હતી.
મહંતસ્વામી મહારાજે એક લાખથી વધારે ભક્તોને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે અક્ષરદેરી સમગ્ર વિશ્વને શાંતિ આપનારું અતિ પવિત્ર સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા અને લોકકલ્યાણ માટે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પણ સાથે લાવ્યા. અંતમાં સૌએ સમૂહઆરતીનો લાભ લીધો હતો. સમૂહઆરતી વખતે એકસાથે લાખ-લાખ દીવડાના ઝગમગાટથી એક અનોખો આધ્યાત્મિક માહોલ રચાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here