અક્ષરદેરી જીવનપરિવર્તિની

0
1744

 

 

અક્ષરદેરી સ્વામિનારાયણીય સંતો, હરિભક્તોનું હૃદયસમાન સ્થાન છે. આ અક્ષરદેરી સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગોંડલ ગામ મુકામે આવેલી છે. અક્ષરદેરી એ બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ (બેપ્સ) સંસ્થાનું સિમ્બોલ – લોગો છે.

ગોંડલમાં બેપ્સ સંસ્થાના આધ્યાત્મિક વડા તેમ જ ગુણાતીત સંતપરંપરાના ત્રીજા અનુગામી શાસ્ત્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના અગ્નિસંસ્કાર સ્થાને અહીં દેરી બનાવી તેના ઉપર ત્રણ શિખરીય ભવ્ય મંદિર રચી આપણને એક અનુપમ ભેટ અર્પી છે. આ મંદિરની રચના એ રીતે કરાઈ છે કે દૂર રસ્તે નીકળતા રાહદારીઓને પણ ત્યાંથી જ આ અક્ષરદેરી અને ઉપર બિરાજમાન અક્ષરપુરુષોતમ મહારાજની પંચધાતુની મૂર્તિનાં દર્શન થઈ શકે. તેમણે આ મંદિર નિર્માણ કરીને લાખો મનુષ્યો માટે કલ્યાણનું સદાવ્રત જાણે ખુલ્લું મૂક્યું છે. તેઓ કહેતા કે અહીં દૂર મોટેરામાંથી જો કોઈ આ મંદિરનો ધજાગરો જોશે તેનુંય કલ્યાણ થશે. અહીંથી દસ-દસ ગાઉ સુધીના મનુષ્યનું કલ્યાણ થઈ જશે, મંદિર દર્શન કરવા આવે કે ન આવે તેનું કંઈ નહિ, પણ અહીં જે આવશે તેનો મોક્ષ થશે. અક્ષરદેરીના મહિમાની સૌ કોઈને રોમ રોમ પ્રતીતિ થઈ જાય.

યોગીજી મહારાજે આ સ્થાનનો મહિમા કહેતાં કહેલું કે જગન્નાથપુરીમાં શ્રીકૃષ્ણનાં અસ્થિનો એક ટુકડો એક અંશ જગન્નાથજીની મૂર્તિમાં છે તો ત્યાં હજારો લોકો આકર્ષાય છે. જ્યારે આ અક્ષરદેરીમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અગ્નિસંસ્કાર સ્થાને જ તેમનાં અસ્થિનો આખો દેગડો ભરીને મૂકેલો છે. તેના પર ગુણાતીતાનંદ સ્વામીના પ્રાસાદિક પથ્થરમાંથી જ સોળ ચિહ્ન સહિતના ચરણાવિંદ બનાવડાવીને પધરાવ્યાં છે ત્યાં જ તે ઉપર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવેલી છે. માટે અહીં તો તેનાથી પણ અધિક લોકો દર્શન કરવા આવશે.

યોગીજી મહારાજની આજ્ઞા કહો, આદેશ કહો કે પછી અક્ષરદેરીનો મહિમા કહો, તેમણે જણાવેલું કે સાક્ષત્ ગુણાતીત સ્થાનમાં મહાપૂજા કરવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ જાય છે અને સાથે સાથે સ્વામીશ્રીની પ્રસન્નતારૂપ મહાકુદની પ્રાપ્તિ થાય, દેહના તેમ જ મનના રોગો, દુઃખો દૂર થાશે, વ્યવહાર સુધરશે અને સાથે મોક્ષ પણ થશે. એક પંક્તિ છે,

‘ગોરસ વેચતા હરિ મિલે, એક પંથ દો કાજ.’

કહેતા ગોરસ સાકર વેચવા જે રસ્તે ગયા તે જ રસ્તામાં ભગવાન મળી ગયા. એક જ રસ્તો હતો, પણ બે કામ થઈ ગયાં. ગોરસ પણ વેચાયું અને ભગવાનની પ્રાપ્તિ પણ થઈ ગઈ. અહીં આવવાથી વ્યવહાર અને મોક્ષ બેય સુધરે.

આવા સાક્ષાત્ ભગવાનના અખંડ ધારક સંત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના આ દેહોત્સર્ગ સ્થાનની પ્રાપ્તિ થઈ છે, જ્યાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી અક્ષરદેરીનાં દર્શન માત્રથી અનેક લોકોનાં આમૂલ જીવનપરિવર્તન થયાં છે. દર્શને આવતા દરેક મનુષ્યે અનુભવ્યું છે કે અહીં દર્શન માત્રથી જ દરેકના મનમાં શાંતિનો આહ્લાદક અનુભવ થાય છે, જે કોઈ આવે તે અહીંથી શાંતિ લઈને જાય છે. આ અક્ષરદેરી દર્શન માનતા હજારો લોકોનું શારીરિક, માનસિક આર્થિક તેમ જ આધ્યાત્મિક જીવનપરિવર્તન થયું છે, જેના થોડાક અંશો જાણવાથી આપણને સમજાશે કે અક્ષરદેરી ખરા અર્થમાં જીવનપરિવર્તિની છે.

યોગીજી મહારાજ રથયાત્રાના દિવસે સાંજે મંદિરે આરતીમાં પધારેલા ત્યાં જૂનાગઢથી ફોન આવ્યો કે વજુભાઈ ટાંકને 105 ડિગ્રી તાવ છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે તરત જ યોગીજી મહારાજે અક્ષરદેરીમાં ધૂન કરાવી અને થોડી જ ક્ષણોમાં તરત જ ફોન આવ્યો કે ‘તાવ એકદમ જ ઓછો થઈ ગયો છે.’ સૌ અક્ષરદેરીમાં સ્વામીશ્રીએ કરેલી ધૂનનો પ્રતાપ વિચારવા લાગ્યા. એવામાં હસમુખભાઈ જૂનાગઢથી વજુભાઈ માટે આશીર્વાદ લેવા આવી પહોંચ્યા. તેમને અક્ષરદેરીનાં પ્રાસાદિક પુષ્પો અને ચરણારવિંદનું પ્રાસાદિક જળ આપી સ્વામીશ્રીએ કહ્યું, ’જાવ મહાકાળ આવ્યો છે, પણ હટી જશે, ચિંતા કરશો નહિ’ અને થોડા જ દિવસોમાં તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત થઈ ગયું. અક્ષરદેરીના પ્રતાપે તેમનું શારીરિક જીવનપરિવર્તન થયું.

અક્ષરદેરીમાં એક પ્રદક્ષિણા કરે તો એક યજ્ઞનું પુણ્ય થાય એવો પ્રદક્ષિણાનો મહિમા છે. એક વખત વલાસણના ડાહ્યાભાઈએ સ્વામીશ્રી પાસે નિષ્કપટ થઈને આંતરિક દોષો બાબત વાત કરીને કહેલું, ‘આપ દયા કરો ને તે પીડા ટાળો.’ ત્યારે યોગીજી મહારાજે કહેલું ગોંડલ અક્ષરદેરી આવજો શાંતિ થઈ જશે. તેથી તેઓ અહીં આવેલા. તેઓ જ્યારે અક્ષરદેરીનો ચોક સાફ કરતા હતા ત્યારે યોગીબાપાની દષ્ટિ પડી ને તેમને બોલાવીને ધબ્બો માર્યો ને કહે, ‘હવે 551 પ્રદક્ષિણા અક્ષરદેરીમાં ફરજો. તેમણે તે રાત્રે પ્રદક્ષિણા કરી લીધી, બીજે દિવસે એ જ પ્રમાણે તેઓ ફરી દર્શને આવ્યા ત્યારે 251 પ્રદક્ષિણા કરવા કહ્યું અને ત્રીજા દિવસે 151 પ્રદક્ષિણા આપી. આ ત્રણ દિવસમાં તેમને અનુભવાયું એમના દોષો જાણે ગળી ગયા છે, તેમને અંતરમાં ઘણી શાંતિ થઈ એમના ઉદ્વેગ અને સંકલ્પ-વિકલ્પ શમી ફરી ઉદ્​ભવ જ ન થયો. જે દોષો કોટિ સાધનથી નથી ટળતા તે અક્ષરદેરીની સેવા અને પ્રદક્ષિણાથી ટળી ગયા ને તેમનું જીવનપરિવર્તન થયું. આ દેરીની સેવા એ સામાન્ય સેવા નથી, સાક્ષાત્ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આ સેવા છે.

કંથારિયાના રાણા ભગવતસિંહભાઈએ મંદિરની જાળી કરવાની સેવા કરેલી તેમણે બધે ઠેકાણે નોકરીના કાગળો લખેલા, પણ કંઈ થયું નહિ, પછી અક્ષરદેરીમાં પ્રાર્થના કરી કે ‘અહીં અમને ગોંડલ ગામમાં મિલિટરીમાં રાખો.’ તે અરજી કરી તો અરજી પાસ થઈ ગઈ અને 500 સિપાઈના ઉપરી ને 500 રૂપિયાનો પગાર તે અરસામાં શરૂ થઈ ગયો. આ સેવા કરવાથી તેમને આર્થિક જીવનપરિવર્તન થયું.

અક્ષરદેરીમાં, સિંહ કહેવાતા ક્ષત્રિયો પણ દેરીના પ્રતાપે ગાય બનીને મહિમા સમજીને અલ્પ સેવા પણ સહજતાથી કરતા. દાજીબાપુના સૌથી નાના પુત્ર પૃથ્વીસિંહજી રાજસ્થાનમાં રહેતા. તેઓ દર વર્ષે શરદપૂનમના સમૈયા પહેલાં ગોંડલ આવે ને બે માસ અક્ષરદેરી રહેતા. તેઓ વહેલી સવારે ગોશાળામાં વાસીદું કરવું, છાણ ભેગું કરીને ખાતરના ખાડામાં ટોપલે-ટોપલે નાખવું વગેરે સેવા તેઓ હોશે-હોશે કરતા. બપોરે પાર્ષદો તથા યુવકો સાથે વાસણ ઊટકવામાં પણ તેઓ હોય જ. એઠાં પતરાળાં ભેગાં કરી, ઉકરડે નાખવાની સેવા પણ ઉત્સાહથી કરે. બપોરે ઘણી વાર પાયખાનાં સાફ કરવાની તક પણ તેઓ જવા દેતા નહિ .ગોંડલી નદીનો વિશાળ ઘાટ પણ તેઓ સાફ કરી નાખતા. આરસનું કામ ચાલતું ત્યારે સ્વામીશ્રીએ તેમને આરસ ઘસવાની સેવા પણ સોંપેલી અને કહેલું કે આ આરસ ઘસવાથી તમારું અંતર પણ ઘસાઈને ચોખ્ખું થઈ જશે. તેઓ ગરાસિયા દરબાર હોવા છતાં આવી સેવા કરતા. નીચી ટેલની સેવા કરવી ઘણી કઠણ, કારણ કે ક્ષત્રિયોમાં માન વધારે હોવાથી તે કોઈને નમી શકે નહિ. ‘પરંતુ તેમણે પોતાનાં માન- મોટપ મૂકી ક્ષત્રિયોની છાપને પરિવર્તિત કરીને પોતાનું આધ્યાત્મિક જીવનપરિવર્તન કર્યું.

આ અક્ષરદેરીનાં દર્શન, પ્રદક્ષિણા, મહાપૂજા, તુલા, પ્રાસાદિક જળ, માનતાથી સૌ કોઈના સંકલ્પ પૂર્ણ થાય છે, તેથી કંઈકેટલાયનાં જીવનપરિવર્તન થયાં છે. અહીં કેટલાયે પોતાનાં વર્ષોજૂના ન છૂટતા દારૂનાં બંધાણો, પાન, ગુટકા, ફાકી, મસાલા, સિગારેટ વગેરે જેવાં વ્યસનોનો ત્યાગ કર્યો છે. કંઈકેટલાય પોતાના દુરાચારી જીવનનો ત્યાગ કરી સદાચારી જીવન જીવતા થયા છે, કંઈકેટલાય પાપ-અનિષ્ટોનુ પ્રાયરશ્ચત્ત કરીને શુદ્ધ આચરણ કરતા થયા છે, કંઈકેટલાય નાસ્તિકો અહીં આવીને અક્ષર પુરુષોત્તમની પાકી નિષ્ઠા, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર અને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર એ દઢ કરીને આધ્યાત્મિક જીવન જીવતા થયા છે.

સ્વામીશ્રી કહેતા, અહીં અક્ષરદેરીમાં આવીને બધા લાભ લે છે તે અક્ષરધામનો લાભ લે છે. મહારાજ સ્વામીનો લાભ લે છે, તે અક્ષરધામનો લાભ લે છે ભગવાનની કેટલી દયા! નહિ તો અહીંનું પગથિયું ચઢાય, એ વિના અવાય જ નહિ. આવો અક્ષરદેરીનો ઘણો જ મહિમા અને ઇતિહાસ છે. અહીં તો ફક્ત તેનો સારાંશ ભાગ જ કહ્યો છે. આ સાક્ષાત્ ગુણાતીત સ્થાન અક્ષરદેરીને 150 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યાં છે ત્યારે 20મીથી 30મી જાન્યુઆરી દરમિયાન 11 દિવસનો ભવ્ય મહોત્સવ ઊજવાઈ રહ્યો છે, જેમાં વિરાટ વૈદિક મહાપૂજા, પ્રદર્શન, લાઇટ એન્ડ સાઉન્ડ શો, યોગી સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠા, નૂતન અક્ષરદેરી ઉદ્ઘાટન જેવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આવો મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તો દેરીનાં દર્શન વિના એને કોરો ન રાખીએ.

(માહિતીસૌજન્યઃ સારંગપુર સંસ્કૃત મહાવિદ્યાલય)