અક્ષય કુમાર બનશે પૃથ્વીરાજ ચૌહાણ

અક્ષય કુમાર યશરાજ ફિલ્મ્સની પૃથ્વીરાજ ચૌહાણ પર બની રહેલી ઐતિહાસિક ફિલ્મ સાઇન કરશે. આ ફિલ્મમાં હિરોઇનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે અને નિર્માતા ઇચ્છે છે કે કોઈ દમદાર હિરોઈનને અક્ષયની સામે તક આપવામાં આવે. એવું જાણવા મળ્યું છે કે અક્ષયે જાણીતી અભિનેત્રીઓ સાથે કામ કરવાનું બંધ કરી દીધું છે. કેટરીના, દીપિકા અથવા અનુષ્કા શર્મા સાથેની અક્ષયની ફિલ્મો આવી તેનો ઘણો લાંબો સમય થઈ ગયો છે. હવે અક્ષય હુમા કુરેશી, રાધિકા આપ્ટે અને મોની રોય જેવી હિરોઇનો સાથે ફિલ્મો કરી રહ્યો છે.
દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી આ ફિલ્મમાં કોઈ નવી અભિનેત્રીને લેવા માગે છે તો નિર્માતા આદિત્ય ચોપરા કોઈ નામી હિરોઇન લેવાના મતના છે. બન્ને વચ્ચે લાંબી ચર્ચાવિચારણા પણ ચાલી રહી છે અને આદિત્યને ચંદ્રપ્રકાશે નવી એક્ટ્રેસ માટે મનાવી લીધા છે. આ એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે અને અક્ષયે આ રીતની ફિલ્મમાં ખૂબ ઓછું કામ કર્યું છે. અક્ષય કોઈ પણ ફિલ્મને ૫૦થી ૬૦ દિવસનો સમય આપે છે, પરંતુ આ ફિલ્મમાં તે વધુ સમય આપવા માંગે છે.