અંબાજીની એલિઝાબેથ ટેલર અને એનો અનોખો પુત્ર

ખબરદાર! રસોડામાંથી માની ત્રાડ આવી એટલે છ વરસનો કમલેશ થથરી ગયો. હેતભર્યું સંબોધન નહિ, પણ હૃદયના એક બે ધબકારા ચુકાવી દે તેવી ત્રાડ એ માતાની કાયમી ઓળખ હતી, પણ આજની ત્રાડ ત્રીજા નેત્રની કોટિની હતી. કમલેશ એ વખતે કોરી સ્લેટમાં પોતાનું નામ લખતો હતો. એના હાથમાંથી પેન પડી ગઈ. એણે ભયભીત નજરે મા સામે જોયું.
આજથી નવું નામ ઘૂંટવા માંડ. મા હસુમતી બોલી, લખ, કમલેશ ચીમનલાલ.
કમલેશે કોમળ આંગળીઓ વડે ફરી પેન ઉપાડી લખ્યું કમલેશ. પણ એ નામની પાછળ પછી આદતના જોરે લખાઈ જ ગયુંઃ શાંતિલાલ.
મા ફરી તાતું તીર થઈ ગઈ. એક થપ્પડ પડી ગાલ પર. ‘સાંભળ્યું નહિ? એ ડોળા કાઢીને બોલીઃ લખ, કમલેશ ચીમનલાલ.
ચીમનલાલ કોણ હતો? બાપ હતો? ના રે ના. બાપ તો શાંતિલાલ જાની હતો. અંબાજીના મંદિરમાં ચોકીદારની નોકરી કરતો હતો. રંગીલો હતો. બહુ પાન ખાતો હતો. હટ્ટોકટ્ટો હતો. એની પહેલી બૈરી ગુજરી ગઈ હતી એટલે જામનગરથી આવી ચડેલી બાઈ હસુમતીને ઘરમાં બેસાડી દીધી હતી. બે જ વર્ષમાં એટલે કે 1969માં છોકરો જન્મ્યો કમલેશ. પછી એક છોકરી પણ જન્મી – ભાવના. અવતારકાર્ય પૂરું થયું હોય એમ શાંતિલાલ 1974માં ગુજરી ગયો. કારણમાં કેન્સર. હાહાકાર થઈ ગયો. વિધવા હસુમતી હવે ક્યાં જશે? વૈધવ્ય કેમ ગુજારશે? બ્રાહ્મણનું ખોળિયું હતું.
પણ બ્રાહ્મણીના ખોળિયામાં જાણે હોલીવુડની અભિનેત્રી એલિઝાબેથ ટેલરનો આત્મા વસતો હતો. એણે તરત જ રીતસર લગ્ન કરીને ચીમનલાલનું બીજું ઘર માંડ્યું. ચીમનલાલનો ભૂતકાળ ચીમનલાલ જાણે, પણ એણે પગની એક ઠોકર મારીને શાંતિલાલનું નામ હસુમતીના નામની પાછળથી હટાવી દીધું. એ હસુમતીએ પછી તો કમલેશના નામની પછવાડેથી એના પિતા શાંતિલાલનું નામ કાઢવાના ઇરાદાએ દીકરા પર તમાચાનો વરસાદ વરસાવ્યોઃ લખ, કમલેશ ચીમનલાલ! લખે છે કે નહિ? કે દઉં હજી એક?
છ વરસના કમલેશે ભેંકડો તાણીને ઘરને માથે તો લીધું, પણ અંતે આદેશનો અમલ કર્યો. લખ્યુંઃ કમલેશ ચીમનલાલ.

લખ, કમલેશ રતિલાલ. બે વરસ પછી હસુમતીએ ફરી ત્રાડ પાડી અને તમ્મર ચડી જાય એવો તમાચો કમલેશના ગાલ પર જડી દીધોઃ લખે છે કે નહિ? બસ, હવે કદી કમલેશ ચીમનલાલ નહિ લખવાનું. ખબરદાર જો ભૂલ કરી છે તો!
એક રતિલાલ નામના પુરુષને કમલેશે અનેક વાર કાકા તરીકે ઘરમાં આવકાર્યો હતો, પણ આમ બાપની ગાદી પર બેસી જશે એની કલ્પના ક્યાંથી હોય? ફરી એણે ભેંકડો તાણ્યો. ફરી ગાળોનો મેહ અને થપ્પડોનો વરસાદ. કમલેશે મહામહેનતે નોટબુકમાં કમલેશ ચીમનલાલ ભૂંસીને ગડબડિયા અક્ષરે લખ્યુંઃ કમલેશ રતિલાલ, ધોરણ પહેલું બ.
હસુમતીનાં અગાઉ કેટલાં લગ્ન હતાં એની યાદી નહોતી, પણ શાંતિલાલ સાથેના ફેરા પછી આ ત્રીજી વારના મંગળફેરા ફરતી હતી. વચ્ચેનો ચીમનલાલ પદભ્રષ્ટ થઈ ગયો હતો.
કમલેશની ઉંમરનાં વરસો વધતાં ગયાં તેમ તેમ બાપનાં નામ વરસે બે વરસે બદલાતાં રહ્યાં. અવિચળ નામો તો બે જ. પોતાનું નામ કમલેશ અને માતાનું નામ હસુમતી. બાપનાં નામ તો થિયેટર પર ફ્લોપ ફિલ્મોનાં ચડતાં પાટિયાંની જેમ કમલેશ ચીમનલાલ, કમલેશ રતિલાલ, કમલેશ નાનાલાલ, કમલેશ ગોરધન, કમલેશ હરિલાલ, કમલેશ… બદલાતાં રહ્યાં.
પોતાની નામની પાછળ લગાડવામાં આવતા કોઈ પુરુષના નામનો માંહ્યલો અર્થ શો થાય એ સમજવા જેવડી કમલેશની ઉંમર થઈ ત્યારે એની આંખોમાં લોહી ધસી આવ્યું. એમાં વળી વચ્ચે શૈલેશ નાનાલાલના નામનો એક સહોદર (ભાઈ) પેદા થઈ ચૂક્યો હતો. એ છોકરો પોતાના નામ સાથે ચેડાં કરવાના પ્રયત્ન કરવા માગતી માતા હસુમતી સામે ત્રાડ નાખતો હતો. કમલેશે એક વાર એમ કરવાનો નમાલો પ્રયત્ન કરી જોયો ત્યારે મા હાથમાં જે આવ્યું તે લઈને મારવા દોડી.
આઠ-દસ બાપના નામનાં અડાબીડ જંગલ વીંધીને કમલેશ અંબાજી ગામ છોડીને ભાગ્યો. માઉન્ટ આબુ ગયો. જે તદ્દન નજીક પડે. ત્યાં આગળ અનાદરા નામની જગ્યામાં બાવા દેવગિરિની સેવા કરવા રહ્યો. ત્યાં એણે બીજા એક સંસારી સાધુને બાપની જગ્યાએ માન્યો ને એ સાધુની પતિવ્રતા પત્નીને મા ધારી લીધી. ચાલો, એક જ ધણીની ધણિયાણી એવી કોઈ કચરા-કસ્તર વગરની મા તો મળી! હાશકારો થયો.
પરંતુ ત્યાં વળી અવળું કૌતુક થયું. બાપ અવિચળ રહ્યો અને પણ માઓ એક પછી એક બદલાવા માંડી. પેલો સંસારી રામલો રંગીલો હતો એટલે તો એની રામલીઓય બદલાતી રહી.
મનમાં બેવડો વિદ્રોહ ભરીને કમલેશ એક વસંત જરીવાળા નામના સજ્જનને ત્યાં નોકરીએ રહ્યો, પણ ત્યાં બહુ ગોઠ્યું નહિ, કારણ કે જે એક નિઃસંતાન દંપતીને ત્યાં એને રહેવાનો આશરો મળ્યો ત્યાં મા-બાપ તો અવિચળ રહેતાં હતાં, પણ સંતાનો બદલાતાં હતાં. આજે એ કોઈને પુત્રવત્ ગણતાં એ કાલે દુશ્મનવત્ બની જતો. મતલબ કે જેને છોકરો ગણતાં એની કંઈક હરકતો નડતી. સગા દીકરાને તો ન બદલી શકાય, પણ કલ્પનાના રથમાંથી તો પેસેન્જર-પુત્રને ચાલ, હેઠો ઊતરી જા, કહીને છેડાછૂટકો મેળવી શકાય ને! આમ હકાલપટ્ટીઓનો સિલસિલો ચાલુ રહેતો. કમલેશ એ લોકોના ઘરમાં પચીસમા પુત્ર તરીકે રહ્યો ને છવ્વીસમો છોકરો ક્ષિતિજ પર કળાયો એટલે કમલેશ ફરી ફૂટપાથ પર આવી ગયો.
ફરી કંટાળીને એ વતન અંબાજી આવ્યો ત્યારે માતા હસુમતી હોલીવુડની એલિઝાબેથ ટેલરને ત્રણગણા અંતરે પાછળ રાખી ચૂકી હતી. ઓગણીસમા લગ્નનો પતિ મધુગિરિ ગોસ્વામી તેનો ગૃહસ્વામી હતો.
આવી માએ પણ કમલેશને શરતી આવકાર આપ્યો. પ્રેમથી બોલાવું, પણ એક શરતે. મને કમાઈને આપીશ?
પાછળ નામ કોનું રાખું?
મૂઆ, એ તે કંઈ પૂછવાની વાત છે? મધુગિરિનું જ હોય ને! કમલેશ મધુગિરિ!
કમલેશના દિમાગનાં સાતેય ભુવન ફરી ગયાં, એ એ જ ક્ષણે ઉંબરો છાંડી ગયો. અંબાજીના મંદિરના દરવાજે જઈને ઊભો રહ્યો. કહ્યુંઃ મારું નામ કમલેશ શાંતિલાલ જાની છે. મને મંદિરની અંદર નોકરી આપો. મારો બાપ અહીં મરી ગયો એનો હક લાગે છે.
મંદિરમાં એને સાફસફાઈની નોકરી મળી, પણ આટલા ઝટકા જેણે લાગણીઓ પર સહ્યા હોય એ સાવ વાલ્મીકિ તો રહ્યો જ ન હોય. વાલિયો બની ગયો હતો. ખોબા જેવડા અંબાજી ગામમાં એની રાડ વધવા માંડી. ઝઘડો, મારામારી-દાદાગીરી વગેરે વગેરેમાં જે કંઈ આવતું હોય તે બધું જ… ચંપલની ચોરી સહિત!
એક વાર ટ્રિપલ એલિઝાબેથ ટેલર સામે મળી તો સામી ઈંટ ઉગામી કમલેશે. પછી વિચાર આવ્યો, ઈંટ એના માટે નથી, ઈંટ મારવી હોય તો વિધાત્રીના માથામાં મારવી જોઈએ, જે કદી સામે નથી આવતી. માત્ર પરચા જ દેખાડ્યા કરે છે.
ઈંટ ફગાવીને એ ગલી ચાતરી ગયો. ઓગણીસ ઘર કરનારી પણ જો મા હોય તો એને મરાય નહિ.

ધાનેરાના ફોજદાર (પીએસઆઇ) એક્સ વાય ઝેડ સાહેબ અંબાજી મંદિરમાં દર્શન કરવા ગયા. મંદિરના ઓટા પર પોલીસશાઈ પોર્ટફોલિયો મૂકીને માતાજી પાસે ગયા. શીશ નમાવ્યું. કરેલા કરમની માફી-બાફી માગી હશે, પણ પાછા બહાર નીકળ્યા ત્યારે મનમાં કોણ જાણે શું ઘૂરી ચડી કે ઠાંઠિયું મોટરસાઇકલ મારી મૂકી. તેમાં ઓટા પર મૂકેલો પોર્ટફોલિયો ભૂલી ગયા. સારી વાર પડી રહ્યો, ત્યાં સાફસફાઈ કરતો કમલેશ નજીક આવ્યો. પોર્ટફોલિયો ઉપાડીને જોયો તો માલદાર લાગ્યો. સહેજ ચેન ખોલીને નજર નાખી તો રૂપિયાની થોકડીઓ! આજુબાજુ જોયું તો કોઈનું ધ્યાન નહોતું. મગજમાં સો અશ્વોની હણહણાટી પેદા થઈ ગઈ હશે, પણ એ તો એક જ ક્ષણ. અરે, કમલેશ, દુનિયામાં તું એક તો હવે અવિચળ રહે. તારા લોક પણ જો તારા થયા નથી તો આ રૂપિયા જે તારા નથી તે તારા કેવી રીતે થશે?
બીજી મિનિટે એ ટેમ્પલ ઇન્સ્પેક્ટર પુરાણિયા-સાહેબ પાસે પહોંચ્યો. રિપોર્ટ કર્યો. એમણે પંચ રૂબરૂ પોર્ટફોલિયો ખોલાવ્યો તો અંદરથી ચૌદ હજાર રૂપિયા નીકળ્યા. વધારે ખાંખાંખોળા કર્યા તો અંદરથી માલિકનું નામ નીકળ્યું પીએસઆઇ એક્સ. વાય. ઝેડ. તાબડતોબ માણસ મોકલ્યો. ફોજદાર નાગલસાહેબ આવ્યા. એમણે તો રૂપિયા ગયા ખાતે માંડી વાળ્યા હતા, પણ આ જોઈને એમની આંખોમાં રૂપેરી ચમક આવી. પોતાનું ઓળખપત્ર બતાવીને એમણે માલ તો પાછો મેળવ્યો, પણ બસો એકાવન એમણે કમલેશને બક્ષિસના આપવા માંડ્યા, જે કમલેશે ભારે આનાકાની પછી લીધા ને એમાંથી બસો પચાસ માતાજીની ગોલખમાં મૂકીને પોતે તો માત્ર એક રૂપિયો જ લીધો.
આ બધો ખેલ સરકાર તરફથી અંબાજીના નિમાયેલા વહીવટદાર આઇએએસ ઓફિસર અતુલ રાવ જોતા હતા. એમણે કમલેશને નજીક બોલાવ્યો. પ્રામાણિક છે. પુણ્ય કરવાની વૃત્તિવાળો છે, વિચારશીલ પણ છે અને ઉદાર પણ છે. તો પછી તારામાં શું ખૂટે છે?

આ વાત 1994ની છે. દિવાળીના દિવસોમાં સાવ છોકરડા-ભાયડા જેવા લાગતા આ તરવરિયા અમલદાર અતુલ રાવ મને મળ્યા ત્યારે મને એ એમના ઘરથી થોડે દૂર પડેલી વાન પાસે લઈ ગયા. અંદર બેફિકર થઈને કમલેશ ઘસઘસાટ ઊંઘતો હતો. મેં એની તસવીર પાડી એટલે ફ્્લેશના ચમકારાથી એ બેઠો થઈ ગયો.
આ હવે એનું ઘર છે. અતુલ રાવ બોલ્યા ત્યારે એના મોં પર પ્રસન્નતા વરતાઈ આવતી હતી. પેલા દિવસના ફોજદારવાળા બનાવ પછી એની જિંદગી આખી પલટાઈ ગઈ છે. મંદિરમાં મેં એને સારી શરતોએ નોકરી આપી છે. બહારનાં થોડાં મહેનત-મજૂરીનાં કામ કરે છે. ગામમાં એનો ઉપાડો સદંતર બંધ થઈ ગયો છે. આક્રોશ ચાલ્યો ગયો છે. ભલાઈનાં કામ કરે છે. મારે ત્યાં કે ક્યાંક સારે સ્થળે એને જમવાનું મળી જાય છે. મોટરમાં પડ્યો રહે છે. પગાર બચાવીને બેન્કમાં મૂકે છે. જો આમ ને આમ ચાલશે તો થોડા દિવસમાં એને એના જોગ કોઈ સારી છોકરી શોધીને મેરેજ.
આ સાંભળતો હતો. ત્યાં કમલેશની આંખોમાં જુવાન માણસની આંખોમાં જ આવે તેવો રંગીન ચમકારો આવ્યો. હાથ જોડીને અતુલ રાવ તરફ આંગળી ચીંધીને કહેઃ એ મારા ભગવાન છે.
લગન કર્યા પછી રહીશ ક્યાં? મેં પૂછ્યુંઃ આ મોટરમાં થોડું રહેવાશે? પછી હસીને મેં કહ્યુંઃ તારા આ ઘરમાં તો ચોતરફ કાચ છે!
એક જ ઘર કરીશ. એણે કહ્યુંઃ અને તે કાચનું નહિ હોય. કોઈ અંદર જોઈ પણ શકે નહિ, પથ્થર પણ મારી શકે નહિ.

પત્રકાર તરીકે પેલા ફોજદારવાળો મામલો મંદિરના ચોપડે ચડ્યો હોય તો પુરાવો મેળવવાની મેં કોશિશ કરી. કદાચ લોસ્ટ પ્રોપર્ટીના ચોપડે એની મળી આવ્યા-સોંપાયાની એન્ટ્રી હોય.
પણ ન મળી. ક્યાંથી હોય? ફોજદાર કોઈ ગામડેથી ખૂનના મામલાની તપાસ કરીને પાછા ફરતા હતા. તોડ કરીને આવતા હશે એટલે તો ચૌદ હજાર જેવો દલ્લો પાકીટમાં હતો! લાંચના રૂપિયા ગુમ થયાની ફરિયાદ કેવી રીતે થાય? અરે, એની તો નોંધ પણ ક્યાંય ન થવા દેવાય. નોંધ ન થવા દેવા માટે એ માતાજીને બદલે મનુષ્યો સમક્ષ હાથ જોડતા હતા. ભાઈસાહેબ, લખતા બખતા નહિ. કોઈ દી ઇન્કવાયરી થશે તો મારી નોકરી જશે.
એમની નોકરી ન ગઈ, પણ કમલેશની પાક્કી થઈ ગઈ. અને આ નોકરીને ચોપડે એનું નામ હવે લખાશેઃ કમલેશ શાંતિલાલ જાની. એક અવિચળ નામ, બાપનું નામ અને અટક.

હવે એક મહત્ત્વની વાત. એ અમલદાર અતુલ રાવને તે પછી મારે કદી મળવાનું થયું નહિ, પણ એકાદ વર્ષ પહેલાં અચાનક એમની ઈ-મેઇલ આવી. હવે એ અમેરિકા રહે છે, પણ મારું વાંચતાં રહેતા હશે એટલે ક્યાંકથી મારી ઈ-મેઇલ શોધીને એમણે મારો સંપર્ક કર્યો અને આ આખો કિસ્સો યાદ કર્યો, સોળ વર્ષ વીતી ગયાં હતાં એટલે આ યાદી રોમાંચભરી હોય તે સ્વાભાવિક છે. મેં એમને એ લેખ શોધીને ઈ-મેઇલથી મોકલ્યો. અમે એકબીજાના સંપર્કમાં છીએ.
મારે હવે એ જાણવું છે કે કમલેશનું શું થયું? અને દેશી એલિઝાબેથ ટેલરનું?
અતુલ રાવને પુછાવ્યું તો છે. જોઈએ શો જવાબ આવે છે.

લેખક સાહિત્યકાર અને પત્રકાર છે.