અંધારેલું આભ કાચી અફવા જેવું છે…

0
871

પ્રિય પ્રાર્થ ના,
વરસાદ જોઈએ એવો જામ્યો નથી. આભ અંધારેલું હોય છે, પણ કાચી અફવા જેવું, કાચી એટલા માટે કે ક્યારેક વરસે પણ ખરા. વરસાદ તો આપણને છેતરીને રાત્રે પડી જાય એની મજા કશીક ઓર જ હોય છે, સવારે ઊઠીને જોઈએ એટલે ખબર પડે કે હમણાં સુધી પડ્યો છે. ઓટલા પર એનાં ભીનાં પગલાં હોય, મેદાનમાં ખૂણામાં શાંતિથી બેઠેલું સ્ટ્રીટલાઇટનું અજવાળું પાણી પર બેસી ચમકતું હોય અને પવનમાં એની માદક ગંધ હોય. આંખોમાં જોઈએ ત્યારે ખબર પડે કે હમણાં જ ઊડી ગઈ એ ઉંઘ પર એનો જાદુ હતો. હવે છેક અંદરથી ખબર પડે કે ઊડેલી ઊંઘ ઊંડી હતી. કારણ આ આકાશદૂત એને છેક અંદર સુધી મૂકવા આવ્યો હતો. હવે મજા આવશે, આખો દિવસ આ સારી ઊંઘનો નશો રહેશે.
આજકાલ ધૈર્યને સમજવાની મજા આવી રહી છે. નવ વર્ષનો એક છોકરો, આંખોમાં નવું આકાશ ઊગી રહ્યું છે એવો અહેસાસ. બહેન વૈદેહી, બાર વર્ષની એક કુંવારી કન્યા, જાણે એક નાજુક વેલ. બન્ને મારા કહેવાથી ગુજરાતી માધ્યમમાં ભણે છે. તેનો ભારે એડવાન્ટેજ. શીખવાની ઝડપ માતૃભાષામાં અનેકગણી હોય. એનાં મા-બાપ એટલે રીના અને જિજ્ઞેશ. હવે ધૈર્ય ફૂટબોલ રમે છે અને વૈદેહી [કાનો] ભરતનાટ્યમ શીખે છે. બન્નેની મથામણ, એક ઓળખ પ્રાપ્ત કરવાની. કાનાની સમજશક્તિમાં પક્વતાની પાંખ ફૂટતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ધૈર્ય હવે જીદ નહિ પણ જીત માટે મથી રહ્યો છે.
અહીં તરુણના ઉછેરનું વ્યાકરણ શરૂ થાય છે. સૌથી મોટો ફાયદો ભાષાની અભિન્નતા છે. મા-બાપ અને બાળક બેએક જ ભાષા બોલે છે. અહીં ત્રણ પ્રક્રિયાઓ એકસાથે ચાલુ થાય છે, એક છે, માન્યતાની ભૂખ, બીજું છે, અહંનું બીજાંકુરણ અને ત્રીજું છે, વિસ્મય. આ ત્રણેય દફ્તરમાં મૂકી એ શાળાએ જાય છે, ત્યાં ભણતર છે, પણ કેળવણી નથી. ઉપરથી નીચેનો રૂટ છે, શિક્ષક બોલે છે, એ બોલે છે તે સત્ય છે, આખરી સત્ય છે. આવી આવી દીવાલો બંધાતી ચાલે છે. એટલે એનો વિકસતો અહં ઘવાય છે, પરીક્ષાનો ડર ઊભો કરાય છે, પણ ત્યાં એની માન્યતાની ભૂખ સંતોષાશે તેવી એક આશા બંધાય છે. પણ શાળામાં ગયો ત્યારે જે વિસ્મય લઈને ગયેલો તેનું ક્યાંય સ્થાન નથી. એ બધું જોયા કરે છે, છેવટે શિક્ષક, મા-બાપ કરતાં પણ એક ઉત્તેજક બારી મળે છે તે વિડિયો ગેમ્સની. એને મજા આવે છે, એ બહેન કરતાં સારો સ્કોર કરે છે એટલે માન્યતા મળે છે. એ ફૂટબોલ રમે છે, એને માન્યતા મળે છે એનો અહં સંતોષાય છે.
અહીં સાહિત્યનું અને વાર્તાકથનનું અને ઘરનાં ગીતોનું માહત્મ્ય વધી જાય છે. હું આ બધાં બાળકોને લઈને બેસું છું, વારતા કહું છું. એમને મજા આવે છે, એમનું ધ્યાન બીજે જતું લાગે તો પછી રમત ચાલુ કરીએ છીએ. અહીં નરસિંહ મહેતાની હૂંડીનો પ્રસંગ કહીએ તો એને જે ચમત્કાર જોવો હોય છે એ મળે છે. ધૈર્યના પિતા શિક્ષક છે એ મિલખાસિંહ નામની ફિલ્મ બતાવે છે. ચમત્કાર થાય છે. એની આંખોમાં જીત્યાનો નહિ, રમ્યાનો આનંદ ઉમેરાય છે. એક એક બાળકનો ગ્રાફ અલગ અલગ હોવાનો. વૈદેહીને મારી પાસે બેસાડું છું, હું કોઈ લેખ લખી રહ્યો છું, એ ભૂલ કાઢે છે, એને મજા આવી રહી છે, એ કનેક્ટ થઈ રહી છે. આ વખતે હું એને કોઈ કવિતા શીખવાડું કે વૈષ્ણવજન સમજાવું તો આખું નાગરિકશાસ્ત્ર ટપોટપ ઊતરી જાય.
તરુણ એ તરુ છે, એક છોડથી સહેજ મોટું, એક ઝાડ થવાની શક્યતાના સળવળાટવાળું. એની સાથે વાત કરવાની છે, પણ શાંતિથી. એ સાંભળે એ માટે નહિ. પણ તમે એને સમજી શકો એ માટે. તરુણનાં મા-બાપની સમજ અને ધીરજની બહુ જરૂર છે. આ કોમળ કોમ્યુનિકેશનની અવસ્થા છે, આ કળીને કાનમાં આકાશનું સરનામું આપવાની ઘડી છે. આ ફુટબોલની ફાઇનલમાં જતા ખેલાડીઓને એમનો કોચ મળીને જે વાત કરતો હોય છે તે સમય છે.
બીજી એક વાત મારે મા-બાપને કહેવી છે તે જોડો અથવા જોડાઈ જાવ. એને જોડો. મંદિરમાં જાવ તો સમજાવો કે કેમ જાઓ છો. એ તમારું કહ્યું કરે તો એને સામે સન્માન આપો. એની સાથે રમવા જેટલી અસરકારક બીજી કોઈ રીત નથી. રમો, એને જીતવા દો. એ અંદરથી એક હીરો કે હિરોઇનની શોધમાં છે, એક આદર્શ જોઈએ છે. પણ આવો આદર્શ રામ કે અર્જુન જેટલો દૂર નથી જોઈતો. એ વાર્તામાંથી બે પાઠ શીખવા છે, પણ જેની નકલ કરી શકાય એવા હીરોની જરૂર છે, સાથે દોડવાથી, ચેસ રમવાથી, ગાવાથી એને મજા આવશે.
અને છેલ્લે, એ મા-બાપનો સૌથી મોટો વિડિયોગ્રાફર છે, એ તમારા વાણીવર્તનને ભણે છે, શાળાના એકાદ શિક્ષકનું વ્યક્તિત્વ આકર્ષક હોય તો ત્યાં પણ એનું મન ચોંટે છે. અને સિનેમાના અભિનેતા એના મન મસ્તિષ્કને સહેલાઈથી આકર્ષે છે. અભિનેતા સાહસ બતાવે છે, હિંસા આચરે છે, મોંઘી ગાડી ફેરવે છે. આ બધા એના વિસ્મયના ઉદ્દીપકો છે, પણ જો એ સંતોષી ના શકાય તેવી અપેક્ષાઓના મહેલ ઊભા કરે તો એ જીવનમાં એક અસંતોષ અથવા ક્યારેક ઝીણી નિરાશાને ઉછેરવા માંડે છે. કેટલાક કિસ્સાઓમાં આવો અસંતોષ એને માટે ચિનગારી બની શકે છે. તમે તમારા મિત્રો સાથે હસી-ખુશી અને ઉત્સવોથી એનું મન હર્યું-ભર્યું રાખો તો એક પ્રકારની પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. આ તરુણાઈને સમજવી અને ઉછેરવી એ પોતે જ એક એક આનંદદાયક યજ્ઞ છે.
આજે આ બધા વિચારો મેં તારી આગળ મૂક્યા, કારણ સુરતનાં ડો. લોતિકા એક પુસ્તક તૈયાર કરી રહ્યા છે. એમની ઇચ્છા છે કે હું મારું ચિંતન એમને મોકલું. મેં તારા અને લજ્જાના ઉછેરમાં અને હવે, ધૈર્ય અને કા’નાના વિકાસમાં જે મનોવૈજ્ઞાનિક જાગૃતિ સાથે મથામણ કરી છે અને કરું છું, એનો આ અંશ છે.
મને એક બાબતની અનુભૂતિ પાક્કી છે કે બાળક એ ઈશ્વરની ટપાલ છે, એને વાંચતાં શીખવું એ પણ એક સાધના છે.
શુભાશિષ,
ભાગ્યેશ…

લેખક ગાંધીનગરસ્થિત સર્જક છે.