અંતરિક્ષમાં પ્રથમ વખત અનોખી ખેતી, મૂળાના પાકનો ઉછેર

 

નવી દિલ્હીઃ અંતરિક્ષમાં થતી અનેક હલચલ અને સ્પેસ સેન્ટરમાં કરવામાં આવતા અવનવા પ્રયોગોની માહિતી મેળવવા લોકો હંમેશા આતુર રહેતા હોય છે. પણ આ  વખતે એવી માહિતી સામે આવી છે જે ખરેખર આશ્ચર્યમાં મૂકી દેશે.  કદાચ પ્રથમ વખત એવુ બન્યું હશે કે અંતરિક્ષમાં મૂળાનો પાક ઉગાડવામાં  આવ્યો હશે. અત્યારે શિયાળાની ઋતુ છે અને ભારતમાં મૂળાની સારા પ્રમાણમાં ખેતી થાય છે પણ અહીં શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીમાં મૂળાની માગ પણ વધતી હોય છે. આવા સમયે નાસા તરફથી આવેલા આ  સમાચાર ભારતીયોના ચહેરા પર ખુશીની લહેર ચોક્કસથી રેલાવી રહ્યાં છે. તમે આ ફોટોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતે એક કાચની પેટીમાં મૂળાના બીજ  નાખવામાં આવ્યા અને કેવી રીતે મૂળા અંકુરિત થયા છે. નાસાની અવકાશયાત્રી અને ફ્લાઈટ એન્જિનિયર કેટ રૂબિન્સે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનમાં ઉગાડેલા મૂળાના પાકની લણણી કરી છે. અને  ૨૭ દિવસમાં મૂળાનો પાક તૈયાર થયો તેનો વીડિયો પણ નાસાએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. નાસાએ કરેલા આ પ્રયોગનું નામ પ્લાન્ટ હેબિટેટ-૦૨  રાખ્યું છે. મૂળો ૨૭ દિવસમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે એ વિશ્વાસ વૈજ્ઞાનિકોને હોવાથી સ્પેસ સ્ટેશનમાં ઉગાડવા માટે તેના પર પસંદગી ઉતારવામાં આવી  હતી. આ મૂળો ના માત્ર પ્રાયોગિક ધોરણે ઉગાડાયો છે પણ તેમાં  પોષકતત્ત્વોની માત્રા સામાન્ય મૂળાની જેમ જ છે અને તે ખાવા લાયક પણ છે. 

નાસાના વૈજ્ઞાનિકના જણાવ્યાનુસાર મૂળાને ઉગાડવા માટે ઓછી સંભાળની જરૂર છે. સ્પેસમાં તેને કાચના જે બોક્સમાં ઉગાડવામાં આવ્યો ત્યાં લાલ, વાદળી, લીલી અને સફેદ ન્ચ્ઝ઼ લાઈટનું અજવાળું પણ  કરવામાં આવ્યું હતું. જેથી મૂળાના છોડનો વિકાસ કોઈ પણ અવરોધ વગર થઈ શકે. સાથે જ ચેમ્બરમાં તૈયાર કરવામાં આવેલી સિસ્ટમ સમયાંતરે છોડ સુધી પાણી પહોંચાડે છે તેને રેકોર્ડ કરવા ચેમ્બરમાં કેમેરા અને ૧૮૦ સેન્સર લગાવ્યા હતા. આ કેમેરા ચેમ્બરમાં ભેજ, તાપમાન અને કાર્બન ડાયોક્સાઈડના લેવલને ચેક કરે છે. હાલ આ મૂળાના ૨૦ છોડને એક કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે જેને  આગામી ૨૦૨૧માં પૃથ્વી પર લાવવામાં આવશે અને અંતરિક્ષમાં ઉગાડવામાં  આવેલા મૂળાની તુલના ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં ઉગાડવામાં આવેલા મૂળા સાથે કરવામાં આવશે. અગાઉ પણ અંતરિક્ષમાં ઘઉં ઉગાડવામાં આવ્યા હતાં અને ત્યારબાદથી વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડીને ચેક કરવામાં આવે છે કે કયા શાકભાજી લાબા સમય સુધી  અંતરિક્ષયાત્રીઓને મદદરૂપ બની શકે છે.