અંગદાન-જીવનદાનઃ ઓર્ગન ડોનેશન માટે જનજાગૃતિ લાવવા કાર્યરત સંસ્થા ‘ડોનેટ લાઇફ’

0
1308

ભારતદેશમાં 20 લાખથી વધુ કિડની ફેલ્યોરના દર્દીઓ છે અને દર વર્ષે તેમાં બેથી અઢી લાખ નવા દર્દીઓનો વધારો થતો જાય છે. આવી જ પરિસ્થિતિ લીવર, હૃદય, પેન્ક્રિયાસ અને નેત્ર સંબંધિત રોગોની પણ છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાના કારણે મૃત્યુ પામે છે ત્યારે આ રીતે અંગો નિષ્ફળ ગયાં હોય એવા દર્દીઓની સહાયતા કરવા તથા તેઓમાં આશાનું કિરણ પ્રગટાવવા તેમ જ નવજીવન આપવાના હેતુથી ગુજરાતમાં ઓર્ગન ડોનેશન અંગે જનજાગૃતિનું કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલા સન 2005થી પોતાનું જીવન આ ઉમદા કાર્ય માટે સમર્પિત કરી રહ્યા છે.
તાજેતરમાં ગુજરાતમાં ઓર્ગન ડોનેશન અંગે જન-જાગૃતિનું કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઇફના આણંદ ચેપ્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં ડોનેટ લાઇફના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલા તેમ જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાની સૌપ્રથમ શરૂઆત આજથી 12 વર્ષ અગાઉ સન 2005માં સુરતમાં કરવામાં આવી હતી.
હવે આણંદમાં ડોનેટ લાઇફના ચેપ્ટરનો શુભારંભ થવાથી આજુબાજુના વિસ્તારના લોકોને પણ ઓર્ગન ડોનેશન અંગેની જાણકારી મળી રહેશે અને તેને કારણે જ્યારે કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય ત્યારે તેમના પરિવારજનો ઓર્ગન ડોનેશન કરાવશે તો કિડની, લીવર અને હૃદયની નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળી શકશે.


ગુજરાતમાં જે ઓર્ગનનાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે તેમાંથી પચાસ ટકાથી વધુ ઓર્ગન ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ડોનેશન કરાવવામાં આવ્યાં છે. ડોનેટ લાઇફ દ્વારા અત્યાર સુધીમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 245 કિડની, 99 લિવર, 6 પેન્ક્રિયાસ, 17 હૃદય અને 208 ચક્ષુઓનું દાન મેળવીને દેશનાં વિવિધ રાજ્યો તથા વિદેશની 572 વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે, જેમાંથી આણંદના એક યુવકને હૃદય તેમ જ ઓડ અને બોરસદની વ્યક્તિને લીવર દ્વારા નવું જીવન મળ્યું છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામે ગેસ સંચાલિત અત્યંત આધુનિક અગ્નિસંસ્કાર કેન્દ્રનું ઉદ્ઘાટન ભગવતચરણસ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં ઓર્ગન ડોનેશન અંગે જન-જાગૃતિનું કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઇફના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલાને જનસેવા અભિયાન ઓડના કર્તાહર્તા પ્રકાશભાઈ પટેલે આમંત્રણ પાઠવ્યું હતું.
આધુનિક અગ્નિસંસ્કાર કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત લોકોને ડોનેશનનું મહત્ત્વ સમજાવી ઓર્ગન ડોનેશન અંગેની જાણકારી નીલેશભાઈએ પૂરી પાડી હતી અને જનસેવા અભિયાન ઓડના પ્રકાશભાઈ પટેલને ડોનેટ લાઇફના આણંદ ચેપ્ટરની સ્થાપના કરવા જણાવ્યું હતું અને પ્રકાશ પટેલ અને તેમની ટીમે તેનો સહર્ષ સ્વીકાર કરી ડોનેટ લાઇફ આણંદ ચેપ્ટર ખોલી આજુબાજુના વિસ્તારમાં તેનો પ્રચાર પ્રસાર કરાશે તેમ જણાવ્યું હતું.
ડોનેટ લાઇફ આણંદ ચેપ્ટરની ઓફિસ રાજુભાઈ રામચંદ્ર પટેલના સહયોગથી ડોલ્ફિન વોચ, સરકારી દવાખાના સામે, સ્ટેશન રોડ, આણંદમા રાખવામાં આવી છે અને તેની વ્યસ્થાપક કમિટીમાં પ્રકાશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, રતિભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, સુનીલભાઈ શાહ, શૈલેશભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ અને મયૂરભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રકાશભાઈ પટેલ મુંબઈના ઉદ્યોગપતિ છે અને આણંદમાં ફાઉન્ડર પ્રેસિડન્ટ છે. પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે આણંદમાં ઓર્ગન ડોનેશન બાબતમાં જનજાગૃતિ લાવવાની જરૂરિયાત છે, આથી અમે આણંદમાં ડોનેટ લાઇફના ચેપ્ટરની શરૂઆત કરી છેે.
ડોનેટ લાઇફના ફાઉન્ડર અને પ્રેસિડન્ટ નીલેશ માંડલેવાલા કહે છે કે ડોનેટ લાઇફનો હેતુ એ છે કે હાલમાં કિડની ફેલ્યોર અને લીવરના અંતિમ તબક્કાના રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે ત્યારે અમારી ઝુંબેશ એ છે કે લોકોને આ રોગ વિશે જાગૃત કરવા, શિક્ષિત કરવા અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તેની સમજ આપવી. કેડેવર ઓર્ગન ડોનેશન દ્વારા તેમને નવું જીવન આપવાનો પ્રયાસ કરવો, ઓર્ગન ફેલ્યોર દર્દીઓને તમામ શક્ય મદદ પૂરી પાડવાનો પણ અમારો હેતુ છે. અમે નાગરિકોને ઓર્ગન ડોનર્સ તરીકે તેઓને તૈયાર કરવા માટે પણ પ્રોત્સાહિત કરીએ છીએ.

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.