ંદેશનિકાલ કરવાની કાર્યવાહીમાંથી રવિ રગબીરને હાલપૂરતી રાહત મળી

ન્યુ યોર્કઃ ઇમિગ્રેશન રાઇટ્સ ગ્રુપ ન્યુ સેન્ક્ચ્યુરી કોએલિશનન ઓફ ન્યુ યોર્ક સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રવિ રગબીરની બે અઠવાડિયાં પહેલાં ધરપકડ થઈ હતી, તેમને દસમી ફેબ્રુઆરીએ હાલપૂરતા મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ હજી તેમના પર દેશનિકાલ થવાનો ખતરો મંડરાયેલો છે તેમ એએમ ન્યુ યોર્કે જણાવ્યું હતું. 12મી જાન્યુઆરી, 2018ના રોજ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા ધરપકડ કરી દેશનિકાલ કરવાની કાર્યવાહી કરવા બદલ કોર્ટે ટીકા કરી છે.
‘વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ મુજબ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કેથરીન બી. ફોરેસ્ટે જણાવ્યું હતું કે કોઈ પણ જાતના બચાવની તક આપ્યા વગર ધરપકડ કરવાની અને દેશનિકાલ કરવાની બાબત રવિ રગબીરના હકો પર તરાપ મારવા સમાન છે.
ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા દાખલ કરાયેલા બિનદસ્તાવેજી વસાહતીઓને શોધી કાઢવા બાબતે લેવાયેલાં પગલાંરૂપે 11મી જાન્યુઆરીએ, રવિ ગરબીર ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (આઇસીઇ)માં રેગ્યુલર ચેક-ઇન માટે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સ્રોતોના જણાવ્યા મુજબ રવિ રગબીર 1991માં ત્રિનિદાદથી યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યા હતા અને 1994માં ગ્રીનકાર્ડ મેળવ્યું હતું.
તેઓ 2001માં વાયર ફ્રોડમાં દોષી પુરવાર થયા હતા અને 2006માં જજે રવિ રગબીરને દોષી હોવાના કારણે દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી બે વર્ષ માટે જેલની સજા ભોગવી હતી. જોકે તેમની મુક્તિ થઈ હતી, કારણ કે આઇસીઇએ નક્કી કર્યું હતું કે તે સમુદાય માટે ખતરો નથી. આ પછી તેમનાં લગ્ન 2010માં એમી ગોટીલેબ સાથે થયા હતા તેમ ‘વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલમાં જણાવ્યું હતું. તેમણે વર્ક ઓથોરાઇઝેશન મેળવ્યું હતું.
‘ન્યુ યોર્ક ડેઇલી ન્યુઝ’ના અહેવાલ મુજબ રગબીર અને તેમની પત્ની ગોટીલેબને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્ર્્ેસમાં હાજરી આપવા આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. કોર્ટે રવિ રગબીરને હાલપૂરતી રાહત આપતો ચુકાદો આપ્યો છે અને તેેને મુક્ત કરવા જણાવ્યું છે. કોઈ પણ જાતના બચાવની તક આપ્યા વગર ધરપકડ કરવા બદલ ટીકા કરી છે.
નોંધનીય છે કે 1991માં ત્રિનિદાદ એન્ડ ટોબેગોથી અમેરિકા આવેલા અને 1994થી કાયમી નાગરિકત્વ ધરાવતા રવિ રગબીરના ઇમિગ્રેશન રાઇટ્સની જાળવણીની તક આપવા માટે હાલપૂરતો દેશનિકાલ-ડિર્પોટેશનનો આદેશ રદ કરવા કોર્ટે જણાવ્યું છે.