મધ્યપ્રદેશના દરેક જિલ્લામાં ગાયોના પાલન- પોષણ માટે ગૌશાળાઓ બનાવવાનો આદેશ આપતા કોંગી મુખ્યપ્રધાન કમલનાથ

 

મધ્યપ્રદેશના હાલમાં વરાયેલા મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ મુખ્યમંત્રી તરીકોે સત્તારુઢ થયા બાદ તરત જ વહીવટીતંત્રમાં પરિવર્તનની સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપતા નજરે પડયા હતા. દેશમાં ચાલી રહેલી ગૌવંશ પર આધારિત રાજનીતિની પરિસ્થિતિના વચગાળાના સમયમાં કમલ નાથનું ગાયરક્ષક વલણ સહુને આશ્ચર્યમાં મૂકી દે તેવું અચાનક અને રાજકારણના અઠંગ ખેલાડીને છાજેૈ એવું હતું. કમલનાથે તેમના વહીવટીતંત્રના અધિકારીઓને ગાયમાતાની રક્ષા કરો, ગાયમાતાની સેવા કરો એવો નિર્દેશ આપ્યા હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર સૂત્રો દ્વારા  પ્રાપ્ત માહિતી અનુસાર, કમલનાથે તેમના અધિકારી વર્ગને તાકીદ કરી હતીકે, ગાયમાતા રસ્તા પર ભટકતી દેખાવી ન જોઈએ. રાજયના દરેક જિલ્લામાં તાત્કાલિક અસરથી ગૌશાળાઓનું નિર્માણ શરૂ કરી દેવામાં આવવું જોઈએ. જેથી ગાયમાતાને કશી પણ તકલીફ ન પડે . ગાયમાતાની સુરક્ષા માટે ગૌશાળાની રચના અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. મુખ્યપ્રધાન બન્યાબાદ કમલનાથ સૌપ્રથમવાર રવિવારે પોતાના વતન છિંદવાડા પહોંચ્યા હતા. જયાં તેમણે એક રોડ શો અને જન- આભાર રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું ગાયમાતાનો આદર કરું છું . આ કશું રાજકારણ નથી, મારી ભાવના છે.