2019ની લોકસભાની ચૂંટણીના નગારાં વાગી રહ્યા છે..

 

 

REUTERS


 

 

ચૂંટણીને લક્ષમાં રાખીને 18 રાજ્યોમાં ભાજપના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ 18 રાજ્યોમાં સહપ્રભારીઓ પણ નિમી દીધાં છે. ગુજરાતમાં પ્રભારી તરીકે ભાજપે ઓમપ્રકાશ માથુરની પસંદગી કરી છે. જયારે ઉત્તરપ્રદેશમાં અમિત શાહે કુલ ત્રણ નેતાઓની પ્રભારી તરીકે નિયુક્તિ કરી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું  હતું. જેમાં ગોરધનદાસ ઝડફિયા, દુષ્યંત ગૌતમ અને નરોત્તમ મિશ્રનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકર તેમજ રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીની પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની કારમી હાર થઈ હતી. હવે લોકસભાની ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. વિરોધ પક્ષો એકત્રિત થઈને ભાજપને હરાવવા માગે છે. પરસ્પર ચૂંટણી જોડાણો કરીને  બધા વિરોધ પક્ષો એકસાથે ભાજપ સામે ચૂંટણી જંગ લડવા અને જીતવાનો ઈરાદો રાખે છે.ભાજપ સામે અનેક પડકારો છે. ખેડૂતોની દયનીય પરિસ્થિતિ્, બેકારી, જીએસટી ધારો, નોટબંધીની અસરો, રાફેલ યુધ્ધ વિમાનના સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ- વગેરે અનેક સવાલોના જવાબો આપીને ભાજપે લોકોનો વિશ્વાસ સંપાદિત કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુશળ વહીવટી પ્રતિભા, રાષ્ટ્રપ્રેમ અને પ્રમાણિકતા અને અમિત શાહની વિચક્ષણ રાજનીતિ માટે આ પડકાર મોટો છે.