પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના ગુના માટે દોષિત જાહેર કરવામાં આવ્યા- અદાલતે આપી 7  વરસની સખત કેદની સજા

 

પાકિસ્તાનના માજી વડાપ્રધાન નવાઝ શરીફને પાકિસ્તાનની અદાલતે ભ્રષ્ટાચારના બે મામલામાં દોષિત જાહેર કરીને સાત વરસની સખત જેલની સજા ફટકારી હતી. જેની સાથે સાથે 2.5 મિલિયન ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. અદાલતે જયારે પોતાનો ચુકાદો જાહેર કર્યો ત્યારે અદાલતમાં નવાઝ શરીફ પોતે હાજર રહ્યા હતા. આ સમયે નવાઝ શરીફના સમર્થકો પણ અદાલતની બહાર ચુકાદાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જોકે ભ્રષ્ટાચારના બન્ને મામલાઓમાં ગયા અઠવાડિયે જ  સુનાવણી પૂરી કરવામાં આવી હતી, પણ અદાલતે ચુકાદો અનામત રાખ્યો હતો. આ અગાઉ પણ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની વિરુધ્ધ અનેકવાર ભ્રષ્ટાચારના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આગામી 10 વરસ સુધી તેઓ કોઈ પણ ચૂંટણી નહિ લડી શકે તેવો આદેશ પણ જારી કરાયો હતો. નવાઝ શરીફના પરિવારજનો માટે આ આઘાતજનક વાત સાબિત થઈ શકે. પાકિસ્તાનની એકાઉન્ટિબિલિટી કોર્ટે 6 જુલાઈ, 2018ના ભ્રષ્ટાચારના એક કેસમાં અગાઉ તેમને 10 વરસની સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ચૂંટણી પ્રચાર દરમિયાન નવાઝ શરીફના ભ્રષ્ટાચારી શાસનનો  મુદો્ જનતા સમક્ષ ઊઠાવ્યો હતો. નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝ શરીફને પણ અદાલતે 7 વરસ માટે સખત જેલની સજાનો આદેશ આપ્યો હતો. લંડનના પોશ વિસ્તારમાં આવેલી એક ભવ્યતમ ઈમારતમાં ચાર ફલેટ ધરાવતા નવાઝ શરીફની નિષ્ઠા શંકાસ્પદ બની ગઈ હતી. તેમનાં પુત્રી મરિયમ શરીફ પણ ભ્રષ્ટાચારના કેસમાં ગરકાવ હોવાનું પુરવાર થયું હતું.