સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટકાય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભ હસ્તે ભવ્ય સમારંભમાં લોકાર્પણ . ..

REUTERS/Amit Dave

આજે સવારે સરદાર વલ્લભભાઈની જયંતીના શુભ દિને સરદાર સરોવર નર્મદા ડેમ, કેવડિયા કોલોની નજીક આવેલા સાધુ બેટ ખાતે 182 મીટર ઊંંચી વિરાટકાય પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એરફોર્સ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. 100થી વધુ સંતો- મહંતોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લોકાર્પણના પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, ગુજરાતના મંત્રીમંડળના સભ્યો  તેમજ ભાજપના અગ્રણી નેતાઓ, કાર્યકરો સહિત હજારો લોકો આ પ્રસંગે હાજર રહયા હતા. લોકાર્પણ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફલાવર ઓફ વેલીનું લોકાર્પણ કર્યું હતું. સમગ્ર દેશના વિવિધ વિસ્તારોમાંથી પધારેલા કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પેશ કર્યા હતા. લોકાર્પણ અગાઉ નરેન્દ્ર મોદીએ નર્મદા સહિત દેશની વિવિધ નદીઓના જળથી પ્રતિમા પર જળાભિષેક કર્યો હતો. ત્રણ જેગુઆર વિમાનોએ ઉડ્ડયન કરીને સરદાર પટેલને સલામી આપી હતી.

   સરદાર વલ્લભભાઈ પટેલની આ વિરાટકાય પ્રતિમાનું નિર્માણ ભારતમાંજ કરવામાં આવ્યું હતું. જે માટે 70 હજાર ટન સિમેન્ટ, 18,500 ટન સ્ટીલ , 6000 ટન સ્ટ્રકચરલ સ્ટીલ અને 1700ટન કાંસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 182 મીટર ઊંચી પ્રતિમાના 135 મીટરની ઊંચાઈએ બનાવવામાં આવેલી ગેલેરીમાં પ્રવાસીઓ જઈ શકે  તે માટે લિફટ બનાવવામાં આવી છે.

કેવડિયા કોલોની સ્થિત વેલી ઓફ ફલાવર્સ 17 કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલી છે. આ ફલાવર વેલીમાં 115 પ્રકારના  ફૂલોની જાતિના છોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિશેષમાં કેવડિયા કોલોની ખાતે ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું નરેન્દ્ર મોદીના હસ્તે જ લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ ટેન્ટ સિટીમાં બે પ્રકારના ટેન્ટ બનાવવામાં આવ્યા છે. એક ભાગમાં 200 જનરલ- સામાન્ય પ્રકારના ટેન્ટની વ્યવસ્થા છે, જયારે બીજા ભાગમાં 50 લકઝુરિયસ ( આરામદાયક સુવિધાથી સંપન્ન) ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ કુદરતનું સાનિધ્ય માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

 સ્ટેચ્યુ ઓફ યુનિટી નું સમગ્ર પરિસર 1લી નવેમ્બર, 2018થી સવારે નવ વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આધુનિક ટેકનોલોજીથી સજ્જ લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.