ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને દેશની જનતાને સંબોધન કર્યું…યૌન ઉત્પીડનનો શિકાર બનેલા પીડિતો પાસે ભાવુક બનીને ક્ષમા માગી…

 

REUTERS/Jorge Silva

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને યૌન ઉત્પીડનનો  ભોગ બનનારી પીડિતાઓની ભાવુક થઈને માફી માગી..તેમણે જણાવ્યું હતું કે,  તેમની સરકાર અનેક દાયકાઓ સુધી આવા જઘન્ય અપરાધોને અટકાવવામાં નિષ્ફળ રહી હતી. તેમણે કહયું હતું કે,  આપણા દેશ ઓસ્ટ્રેલિયામાં આપણા ઓસ્ટ્રલિયન લોકોએ જ આવા અપરાધો આપણા લોકોની સાથે કર્યા. શત્રુઓ આપણી વચ્ચે જ છે. આપણી સાથે જ રહે છે. યૌન શોષણના અમાનુષી કૃત્યોને આપણે અટકાવી શક્યા નથી એ અત્યંત શરમજનક વાત છે.

 

 શાળાઓમાં, ચચૅમાં, યુવા સમૂહોમાં, સ્કાઉટની શિબિરોમાં, અનાથાલયોમાં, રમતગમતની કલબોમાં, આપણા ઘરોમાં, આપણા પરિવારોમાં  દિન-પ્રતિદિન, સપ્તાહ- પ્રતિ સપ્તાહ, માસ – પ્રતિમાસ , વરસ- પ્રતિવરસ બનેલી બાળ યૌન શોષણની ઘટનાઓનો ભોગ બનનારા પીડિતોને લાગણી ભીના અવાજે સંબોધતાં વડાપ્રધાન મોરિસને કહયું હતું કે, અમે તમારી વાત પર વિશ્વાસ કરીએ છીએ. આજે અમે  તમામ બાળકોની માફી માગીએ છીએ કે જેમને અમે નિરાશ કર્યા છે. અમને માફ કરો. જે માતા- પિતાને આવી પીડા અને વિશ્વાસઘાતનો ભોગ બનવું પડયું એ સહુની અમે માફી માગીએ છીએ. અમને ક્ષમા કરો. તમારામાંથી અનેક લોકોએ આ બાળ યૌન શોષણ વિરુધ્ધ બુલંદ અવાજ ઊઠાવ્યો , પરંતુ અમે એ અવાજને સાંભળ્યો નહિ. અમને  માફ કરી દો..

 

  ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને કહયું કે,અમે એ તમામ જીવનસાથીઓ, પતિ- પત્નીઓ , માતા- પિતાઓ અને સહુ બાળકોની માફી માગીએ છીએકે જેમણે આવા દુષ્કૃત્યોની ઘટનાઓ દબાવી દેનારાઓ તેમજ ન્યાયની માગણી કરનારા લોકોનો અવાજ રુંધી નાખનારાઓનો વિરોધ કરવાનો સંઘર્ષ કર્યો . અમે અગાઉની અને હાલની પેઢીઓની ક્ષમા માગીએ છીએ. અમને માફ કરો..વડાપ્રધાન મોરિસને ઓસ્ટ્રેલિયાની સંસદમાં કરેલા આ વકતવ્યની સમાપ્તિ બાદ સાંસદો થોડીક ક્ષણો માટે મૌન ઊભા રહયા હતા.  સમગ્ર ઓસ્ટ્રેલિયામાં લોકોએ તેમજ પીડિતોએ વડાપ્રધાનનું વકતવ્ય સાંભળ્યું હતું..