પંજાબના અમૃતસરમાં ભયંકર ટ્રેન દુર્ઘટના : 50થી વધુ વ્યક્તિઓનાં મૃત્યુ

(Photo: IANS)

રાવણદહન નિહાળવા એકઠા થયેલા લોકો અકસ્માતનો ભોગ બન્યાં, રાવણદહન સમયે આતશબાજીના મોટા અવાજ અને શોરને કારણે ટ્રેનનું હોર્ન સંભળાયું નહિ, જેને કારણે કરપીણ અકસ્માત સર્જાયો …

પંજાબના અમૃતસર શહેરમાં દશેરાના દિવસે જ રાવણદહનના પ્રસંગે એક ભયંકર ટ્રેન અકસ્માત સર્જાતા આશરે 50થી વધુ લોકોનાં મોત નિપજ્યાં હતાં અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાં હતા. આ કરુણ અકસ્માત અમૃતસર અને મનાવલાની વચ્ચે 27 નંબરના ફાટક પર થયો હતો. અકસ્માત થયો ત્યારે દશેરાની ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેવલ ક્રોસિંગ ગેટને બંધ કરવામાં આવ્યો હતો તે સમયે આ ઘટના બની હતી. રાવણના પૂતળાનું દહન થઈ રહ્યું હતું. ફટાકડાના પ્રચંડ અવાજો અને એકઠા થયેલા લોકોના શોરબકોરને લીધે આવી રહેલી ટ્રેને હોર્ન વગાડ્યું હતું પણ એનો અવાજ લોકોને સંભળાયો નહોતો. રાવણદહન જોવા માટે અનેક લોકો એકત્ર થયા હતા. છેલ્લા કેટલાક વરસોથી અહીં નિયમિતરૂપે વિજયાદસમીના દિવસે રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પોલીસ તેમજ અન્ય બચાવ-ટીમો અકસ્માતની જાણ થતાં તરતજ ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લા વહીવટીતંત્રને પણ બચાવ અને રાહતની કામગીરી તાકીદે હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું હતું. રાજય સરકાર તરફથી મૃતકોના પરિવારને પાંચ- પાંચ લાખ રૂપિયાના વળતરની ઘોષણા કરવામાં આવી હતી.

   પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ પક્ષ તરફથી આ રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવજોત સિધ્ધુનાં પત્ની આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. દુર્ઘટના સર્જાયા બાદ નવજોત સિંહ સિધ્ધુના પત્ની તરત જ ઘટનાસ્થળેથી જતાં રહ્યાં હતાં. તેમણે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની દરકાર કરી નહોતી.