ફ્રાંસના ભૂતપૂર્વ પ્રમુખે કર્યો ઘટસ્ફોટઃ રાફેલ વિમાન સોદામાં રિલાયન્સને ભાગીદાર બનાવવાનું સૂચન ભારત સરકારે કર્યું હોવાથી અમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહયો નહોતો

Reuters

રાફેલ યુધ્ધ વિમાનનની ખરીદી- સોદા બાબત તરેહ તરેહની વાતો કરવામાં આવી રહી છે. મિડિયામાં આ પ્રકરણ જોરશોરથી ગાજી રહયુ છે.સમગ્ર દેશનું રાજકીય ક્ષેત્ર હાલમાં પરસ્પર આક્ષેપ- પ્રતિ- આક્ષેપના કાર્યમાં ડૂબી ગયું છે. તાજેતરમાં જ એચએએલના માજી પ્રમુખ સુવર્ણા રાજુએ નિવેદન કર્યું હતું કે, તેમની કંપની લડાયક વિમાનોનું ઉત્પાદન કરવા માટે  સક્ષમ છે. પરંતુ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કહયું હતું કે, એચએએલ વિમાનનું ઉત્પાદન કરવા માટે આવશ્યક ટેકનિકલ બાબતોમાં સક્ષમ નથી. રાફેલ લડાયક વિમાનોની ખરીદીના મામલે ચાલી રહેલું રાજકીય યુધ્ધ વધુ જલદ બની રહયું છે. ફ્રાંસના એક મેગેઝિનને આપેલી મુલાકાત દરમિયાન ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદે જણાવ્યું હતું કે, અમારી પાસે રિલાયન્સને પાર્ટનર બનાવ્યા સિવાય કોઈ  છૂટકો જ નહોતો. ભારત સરકાર દ્વારા જ અમને ભાગીદારી માટે રિલાયન્સ કંપનીના નામની ભલામણ કરવામા આવી હતી. તેમણે વધુમાં કહયું હતું કે, ભારતસરકાર તરફથી જ આ પ્રસ્તાવ આવ્યો હતો. આથી ડસોલ્ટ કંપનીએ ભાગીદારી માટે અનિલ અંબાણી સાથે વાતચીત કરી હતી. ફ્રાંસના માજી પ્રમુખના ઉપરોક્ત નિવેદનથી નરેન્દ્ર મોદી સરકારની મુસીબતોમાં વધારો થયો છે. કારણ કે કેન્દ્ર સરકાર એવો દાવો કરી રહી છે કે, રાફેલ લડાયક વિમાનના સોદામાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. આ તો બે ખાનગી કંપનીએ ડસોલ્ટ અને રિલાયન્સ  વચ્ચે થયેલ સમજૂતી છે, બે કંપનીઓ વચ્ચે કરવામાં આવેલ વ્યાપારિક હિસ્સેદારી છે. એમાં સરકારની કોઈ ભૂમિકા નથી.