દુહા – પરણયાનુભૂતિની પ્રાણવાન અભિવ્યક્તિ

પ્રેમની પ્રતીતિ, પ્રેમની અનુભૂતિ લોકસાહિત્યમાં વિવિધ રીતે આલેખાયેલાં છે. પ્રથમ દષ્ટિએ જ પ્રીતનો અનુભવ થતાં એને દુહામાં ઢાળેલી હોવાનાં થોડાં દષ્ટાંતો મળ્યાં, અભણ, નિરક્ષર પણ પ્રેમના ભાવને વાચા ન આપે એવું બને નહિ. એમાં નિરૂપાયેલું વાત કહેવાનું – કથનનું રૂપ ત્યારે આસ્વાદ્ય જણાય છે. પ્રેમનો અનુભવ પહેલાં તો મન – ચિત્ત – આત્મા કરે છે, નયન કરે છે. આ બન્નેને કેન્દ્રમાં રાખીને રચાયેલા દુહા આપણું આભરણ છે.
એકત્વનો – અદ્વૈતનો અનુભવ લૌકિક રીતે પણ કેવી ધારદાર અભિવ્યક્તિ પ્રાપ્ત કરે છે એનું એક ભારે સબળ દષ્ટાંત આસ્વાદીએ.
મું મન લાગી તું મના, તું મન લાગી મું;
જગત જુએ જુદાં ભલે, એક જ તું ને હું.
મારા મનમાં તારો નિવાસ છે અને તારા મનમાં મારો નિવાસ છે. જગત ભલે આપણને બન્નેને જુદાં ગણે-માને, પણ હું અને તું એક છીએ. પ્રેમમાં એકત્વની – એકાકારની જે અનુભતિ ચિત્ત અનુભવે છે એને અહીં સૌંદર્યમંડિત વાણીમાં વ્યક્ત કરવામાં આવી છે.
મનમાં – ચિત્તમાં એકત્વનો અનુભવ કરનારા અને એની જાણ કરનારા લોકપ્રેમી દ્વારા અદ્વૈતના ભાવને અસરકારક રીતે આલેખવામાં આવ્યા છે. બીજા એક દુહામાં નયન-આંખને કેન્દ્રમાં રાખીને પ્રણયભાવનાં સ્પંદનોને આલેખ્યાં છે તેનો આસ્વાદ લઈએ.
નયન પદારથ, નયન રસ, નેનેનેન મળંત;
અજાણ્યા શું પ્રીતડી, પ્રથમ નેન કરંત.
નેત્ર-આંખ જ મૂળભૂત પદાર્થ-તત્ત્વ છે. આંખ-નયન-જ રસ છે. આંખથી જ્યારે આંખ મળે છે ત્યારે અજાણી વ્યક્તિ સાથે પ્રથમ ઓળખાણ – પ્રેમ પણ આંખ દ્વારા જ થાય છે.
આંખ મળી જાય, આંખ મળી ગઈ એવા રૂઢિપ્રયોગો પણ પ્રેમભાવ સંદર્ભે પ્રચલિત છે. લોકવાણી દ્વારા પણ કેવી ઉત્તમ રીતે શાશ્વત્ ભાવને વ્યક્ત કરવાનું કૌશલ્ય પ્રગટ થાય છે એનો પરિચય અહીં આ દુહામાંથી મળી રહે છે. બીજા એક દુહામાં દીવાના આછા અજવાળે મરમાળુ મુખ જોવા મળતાં જ એકબીજાને હૃદય આપી દે છે એની વિગત કલાત્મક રીતે કહેવાઈ છે તે અવલોકીએ.
દીવાને તેજે દેખિયાં, મરમાળુનાં મુખ;
ભાંગી ભવની ભૂખ, અંતરથી અંતર મળ્યાં.
દીવાના આછા અજવાળામાં મરમાળુ મુખદર્શન આખા આયખાની ભવની ભૂખ ભાંગી નાખે છે. પરતૃપ્તિનો – સંતોષનો અનુભવ થાય છે. હૃદયથી – હૃદય મળ્યું એનો મહિમા, એની તૃપ્તિની અનુભતિને અહીં સ્થાન મળ્યું છે.
નેન મળ્યાં દિલડાં ગળ્યાં, ટળ્યા તનના તાપ;
અંગડાં આપોઆપ, મળિયાં બન્ને મોદથી.
પ્રથમ દષ્ટિએ પ્રેમ થાય એમાં પહેલાં તો આંખ નયન – મળતાં હોય છે, પછી દિલ-હૃદય મળે-ગળે ઓગળે. શરીરમાં જ તાપ-પરિતાપ હોય છે એ દૂર થાય છે. અંગ-શરીર આપોઆપ મળે છે. બન્ને મોદથી-આનંદથી-પ્રસન્નતાથી બન્ને મળે છે. અહીં પણ પ્રેમભાવ-પ્રણયાનુભૂતિ નિરૂપાઈ છે.
પારખે પ્રેમી નેણ, ઓળખે અંતર નેહનું;
વણનોતરિયાં વેણ, વિવેકી વીર વદે નહિ.
પ્રેમી નયન-આંખ-નજરને પારખી લેતો હોય છે. પ્રેમને-સ્નેહને હૃદય ઓળખી લેતું હોય છે. જે કંઈ કહેવાનું હોય છે – વ્યક્ત થવાનું હોય છે એ વિવેકપૂર્ણ પ્રવૃત્તિનો પ્રેમી કહેતો હોતો નથી. કહેવાની આવશ્યકતા જ નથી. નજર – દષ્ટિ જ બધું કહી દેતી હોય છે.
મન, નયન, દીવાના આછા અજવાળે હૃદય ધબકારો ચૂકી જાય અને પછી પૂછવાની આવશ્યકતા રહેતી નથી. આપોઆપ બધું બની જાય છે. પ્રેમ અંશની પ્રતીતિ પછી એમાં ઈજનને આવશ્યકતા નથી, બધું આપોઆપ થઈ જાય છે. શું પ્રેમની પ્રણયાનુભૂતિની પ્રાણવાન અભિવ્યક્તિ દુહાને પ્રાપ્ત થયેલી હોઈને એ દુહા પછી અન્ય પ્રેમીની અભિવ્યક્તિનું માધ્યમ બની જતા હોય છે. દુહાનું આ કારણે તેજ છે. એ તેજ દિશાદર્શક હોઈને એની મહત્તા છે.

લેખક લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યના જાણીતા વિદ્વાન છે. તેમણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય વિશે પણ ખૂબ કામ કર્યું છે.