કલમ 370 રદ કરવાના ભારત સરકારના નિર્ણયની તરફેણ કરતા બાંગ્લાદેશના વિદેશપ્રધાન શાહિદુલ હક 

    

    જમ્મુ- કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવાના ભારતના પગલાને બંગ્લાદેશે સમર્થન આપ્યું હતું. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જમ્મુ- કાશ્મીરના મામલાને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો. બાંગ્લાદેશના વિદેશમંત્રી શાહિદુલ હકે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશે હંમેશા ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાનું સમર્થન કર્યું છે. એશિયા ખંડના દેશોમાં વિકાસનો મુદો્જ દરેક દેશ માટે અગ્રીમતા ઘરાવતો હોવો જોઈએ. 

  પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્રાન્સ દ્વારા પણ કાશ્મીરના મામલે ભારતે લીધેલા નિર્ણયનું સમર્થન કરવામાં આવ્યું છે. ફ્રાન્સના યુરોપ તેમજ વિદેશી બાબતો વિષયક વિભાગના પ્રવક્તા જયૉં વેસ લે ડ્રાયને જણાવ્યું હતું કે, કાશ્મીર અંગે અમારી નીતિ સ્પષ્ટ છે. કાશ્મીરના મામલાનો ઉકેલ ભારત- પાકિસ્તાને પરસ્પર સાથે મળીને લાવવો જોઈએ.એમણે પાકિસ્તાનના વિદેશમંત્રી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, એવી કોઈ પણ પરિસ્થિતિ ના ઊભી થવી જોઈએ કે જેના કારણે બન્ને દેશ વચ્ચે તણાવ સર્જાય. 

   આધારભૂત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્રાન્સના પ્રમુખ ઈમૈનુએલ મૈક્રોં આગામી જી- 7 સમિટ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અંગે વાતચીત કરશે.