મુડ ઓફ ધ નેશન દ્વારા કરાયેલો સર્વેઃ જો આજે ચૂંટણી થાય તો એનડીએને 281 બેઠકો મળી શકે.

આગામી લોકસભાની ચૂંટણીને માત્ર 8-9 મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ચૂંટણીના પરિણામો વિષે જાતજાતના સર્વેક્ષણ કરવામાં આવી રહ્યા છે. જેમાં મોટાભાગના સર્વેમાં એવો નિષ્કર્ષ નીકળે છે કે 2019ની ચૂંટણી બાદ ફરીવાર મોદી સરકાર સત્તા મેળવી શકશે. મુડ ઓફ ધ નેશને કરેલા ચૂંટણી વિષયક સર્વેક્ષણમાં એવું તારણ બહાર આવ્યું છેકે એનડીએ- રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાને 281 બેઠકો લોકસભામાં પ્રાપ્ત થઈ શકશે. 2014ની ચૂંટણીમાં ભાજપને જ 282 બેઠકો મળી હતી. ઉપરોક્ત સર્વે અનુસાર, કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને 122 બેઠકો મળવાની શક્યતા રહેલી છે. સર્વે અનુસાર, એનડીએની સરકાર સત્તા પર આવવાની સંભાવના મજબૂત છે પરંતુ તેને કેટલીક બેઠકો ગુમાવવાનો પણ વારો આવે એવી સંભાવના છે. જો હાલની પરિસ્થિતિમાં ચૂંટણી થાય તો ભાજપને 245 બેઠકો મળવાની શક્યતા છે, જે ગઈ ચૂંટણીમાં મળેલી બેઠકો કરતાં 37 ઓછી છે. કોંગ્રેસને  83 બેઠકો મળી શકે એમ છે, જે 2014માં કોંગ્રેસને મળેલી કુલ બેઠકો કરતાં બમણી છે. 2014ની ચૂંટણીમાં કોંંગ્રસને લોકસભાની માત્ર 44 બેઠકો જ મળી હતી.

  મુડ ઓફ ધ નેશન- સર્વે અનુસાર, 49 ટકા લોકો ફરીવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદે જોવા માગે છે.