ઇમરાન ખાન 11મી ઓગસ્ટે પાકિસ્તાનના વડા પ્રધાન બનશેઃ ભારત સાથે સંબંધ સુધારવા આતુર

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ને સૌથી વધુ બેઠકો મળી છે, જેના પગલે તેહરીક-એ-ઇન્સાફના વડા ઇમરાન ખાન 11મી ઓગસ્ટે પાકિસ્તાનના વડા પ્રધાનપદના શપથ લેશે. (ફોટોસૌજન્યઃ એપી)

ઇસ્લામાબાદઃ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)એ રાષ્ટ્રીય ધારાસભાની 270 બેઠકોમાંથી 116 બેઠકો મેળવી છે, જેના પગલે ઇમરાન ખાન 11મી ઓગસ્ટે પાકિસ્તાનના વડા પ્રધાનપદના શપથ લેશે. જોકે ઇમરાનને વડા પ્રધાન બનવા માટે નાના રાજકીય પક્ષો કે અપક્ષોનો ટેકો મેળવવો પડશે. બીજી બાજુ નવાઝ શરીફના પક્ષ પીએમએલ-એનને 62 બેઠકો મળી હોવાથી તે વિપક્ષમાં બેસવા તૈયાર છે. પૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્રની આગેવાનીમાં ચૂંટણી લડેલી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ને 43 બેઠકો મળી છે. સત્તા મેળવવા માટે ઓછામાં ઓછી 137 બેઠક મેળવવી જરૂરી છે.
પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં એક હિન્દુ ઉમેદવારે પ્રથમ વાર અનામત બેઠક પરથી નહિ, પરંતુ જનરલ બેઠક પરથી ચૂંટણી લડી જીતી છે. મહેશ મલાનીએ બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલની પાર્ટી પીપીપીમાંથી ચૂંટણી લડી હતી. આ સાથે જ જનરલ બેઠક પરથી સંસદની ચૂંટણી જીતનારા મહેશ મલાની પ્રથમ હિન્દુ છે. 16 વર્ષ અગાઉ જ પાકિસ્તાનમાં બિનમુસ્લિમોને પણ મત આપવાનો અધિકાર મળ્યો હતો.
ઇમરાન ખાને રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથેના સંબંધો સુધારવા માટે તૈયાર છે. કાશ્મીર ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુખ્ય મુદ્દો છે. ઉપખંડની સુખાકારી માટે તેનો ઉકેલ જરૂરી છે. ભારતીય મિડિયાએ મને ખલનાયક ચીતરેલો છે. હું પડોશી સાથે સારા સંબંધો ઇચ્છું છું. પાકિસ્તાનના ભારત સાથે વેપારસંબંધો જળવાયેલા રહેવા જોઈએ. હું સૌથી વધુ ભારતના લોકો સાથે સંકળાયેલો છું.
દરમિયાન ઇમરાનના શપથવિધિ સમારંભમાં ઉપસ્થિત રહેવા કપિલ દેવ, સુનીલ ગાવસકર, નવજોત સિંહ સિદ્ધુ, આમિર ખાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.