ફિલિપાઈન્સના પ્રમુખ રોડ્રિગો દુર્તેતેના આદેશનું પાલન – 5.5 મિલિયન ડોલરની વિદેશી મોટરકારો પર બુલડોઝર ફેરવીને કચ્ચરઘાણ વાળી નાખ્યો!

REUTERS

ફિલિપાઈન્સના કાગાયન પ્રાંતમાં રાષ્ટ્રપ્રમુખ રોડ્રિગો દુતેર્તેના આદેશનું પાલન કરવા માટે વિદેશી બનાવટની લકઝરી કાર અને મોટર સાઈકલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. જેને કારણે મોંધીદાટ કાર અને મોટરસાઈકલોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને ગુનાખોરીને રોકવા માટે ઘડવામાં આવેલી કડક કાનૂની વ્યવસ્થાની અંતર્ગત, સરકારે આ પગલું લીધું હતું. જે મોટર કારો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું , તેમાં પોર્શે, મર્સિડીઝ બેન્ઝ ,લેંબોર્ગિનીનો સમાવેશ થતો હતો. હાર્વે ડેવિડસનની મોટર બાઈક પણ એમાં શામેલ હતી. સરકારે જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉપરોક્ત વાહનો ગેરકાયદેસર રીતે ફિલિપાઈન્સમાં લાવવામાં આવ્યા હતા. ફિલિપાઈન્સના પ્રમુખ રોડ્રિગોએ કહ્યું હતું કે, ગેરકાયદેસર રીતે દેશમાં લાવવામાં આવેલા આ વાહનોને નષ્ટ કરવાનું જરૂરી હતું.હવે દુનિયાના દેશોને સમજણ પડી ગઈ છેકે ફિલિપાઈન્સમાં વ્યાપાર અને મૂડી રોકાણ કરી શકાય છે. નાણાના અને ઉદ્યોગના રોકાણ માટે ફિલિપાઈન્સ એક યોગ્ય સ્થાન છે. આ અગાઉ ગત ફેબ્રુઆરી મહિનામાં પણ પ્રમુખ રોડ્રિગોએ 30 જેટલી લકઝરી મોટરકારને નષ્ટ  કરવાનો આદેશ આપ્યો હતો.