વડા પ્રધાન મોદીનું ગોદાન, મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું યોગદાન

ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભુવનેશ્વરી પીઠ (ગોંડલ)ની ગીરની ગાય બબુ દિવસના 25 લિટર દૂધ આપે છે, ત્યારે બ્રાઝિલની ગીર ગાય (ઝેબુ) શેરા રોજના 62 લિટર દૂધ આપીને વિશ્વવિક્રમ નોંધાવે છે!
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના આફ્રિકી દેશોના પ્રવાસ દરમિયાન 1994ના નરસંહાર માટે નામચીન બનેલા ખોબલા જેવડા દેશ રવાન્ડાને પ્રેમના પ્રતીકસમી 200 ગાયોની ભેટ આપી એ વાત હરખ કરાવે એવી છે. જોકે વડા પ્રધાને રવાન્ડાની ગાયો ખરીદીને ભેટમાં આપીને મિત્રધર્મ બજાવ્યો. રવાન્ડામાં છેક 2006થી અત્યાર લગી 3,50,000 ગાયોની નાગરિકોને ત્યાંની સરકારે ગિરિનકા યોજના હેઠળ વહેંચણી કરી છે. એમાં ભારતના 200ના ગોદાનના ઉમેરણે સોનામાં સુગંધ ભેળવવાનું કામ કર્યું. ખ્રિસ્તીબહુલ (94%) દેશ રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કગામેની ઉપસ્થિતિમાં વડા પ્રધાને તેમની સરકાર દ્વારા પ્રત્યેક પરિવારને ગાયની ભેટ આપવાની 2006થી અમલી બનાવાયેલી યોજનાને બિરદાવવાની સાથે
રવાન્ડામાં 24મી જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવેરુ મોડેલ વિલેજમાં 200 ગાયોની ભેટ આપી હતી.

રોજ 62 લિટર દૂધ આપીને વિશ્વવિક્રમ નોંધાવતી બ્રાઝિલની ગીર ગાય શેરા
રવાન્ડામાં ટૂંકમાં જ ભારતીય હાઈકમિશનની કચેરી ખોલવાની જાહેરાત પણ કરી. આશા જરૂર બંધાઈ છે કે ભારત સરકાર હવે ભારતમાં પણ ગાયો જ નહિ, ગોવંશની કતલ પર સંપૂર્ણ બંધી ફરમાવીને ગોવા, કેરળ, પશ્ચિમ બંગાળ અને ઈશાન ભારતનાં રાજ્યોમાં પણ આવો કાયદો લાગુ કરશે; ચૂંટણીપ્રચાર પૂરતું એ સીમિત નહિ રહે. વર્ષ 1967ના ગાળામાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સરકાર સામે શંકરાચાર્યો સહિત આંદોલન છેડનારા ભાજપના આસ્થાપુરુષ એવા આરએસએસના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) સહિતનાની ગોહત્યાબંધીની અધૂરી મહેચ્છા પૂર્ણ થાય એવું ઇચ્છીએ. સાથે જ ભારતમાં પણ પ્રત્યેક પરિવારને એક ગાય અપાય, તો ગરીબી નાબૂદી માટે ગરીબ કલ્યાણ મેળા યોજવા નહિ પડે.
ભાવનગરની ગીર ગાયો બ્રાઝિલમાં
ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પશુપાલક તરીકે પણ એટલા જ પ્રખ્યાત હતા. મહારાજાની અદ્ભુત જીવનકથા લખનાર પ્રિ. ગંભીરસિંહજી ગોહિલે હમણાં આ લેખકને મહારાજા થકી ગીરની ગાયને વિશ્વફલક પર મૂક્યાની વાત વિગતે કહી હતી. મહારાજાએ ગીરની ગાયોનું સંવર્ધન કરવા માટે ગૌશાળાના સંચાલક તરીકે બહાદુરસિંહજીને ખાસ નિયુક્ત કર્યા હતા. એક વાર બ્રાઝિલથી ટ્રાન્સપોર્ટનો મોટા પાયે ધંધો કરનાર સેન્સો ગાર્સિયા નામના મહાનુભાવ ભાવનગર આવ્યા. એમને ગીર ગાયો ખરીદવાની ઇચ્છા થઇ, પણ ગૌશાળાના સૂત્રધારે નન્નો ભણી દીધો. પેલા ભાઈ મહારાજાને મળ્યા. મહારાજાએ બહાદુરસિંહને પ્રશ્ન કર્યો કે કેમ ના પાડી. ગોપ્રેમી બહાદુરસિંહે કહ્યુંઃ આ લોકો તો ગાયોનું માંસ ખાનારા. એમને ગાય કેમ અપાય? મહારાજાએ કહ્યુંઃ એમને માંસ ખાવા માટે ગાય લઈ જવી મોંઘી પડે. એમણે તો દૂધ માટે ગાય લઈ જવી છે એટલે આપણે તેમને ગાયોની સાથે ધણખૂંટ (આખલો) પણ આપીશું. કિંમત ઠરાવવા માટે પેલા વેપારીએ કહ્યું ત્યારે મહારાજાએ જે રકમ કહી, એનાથી ચાર ઘણી રકમ આપવાની એની તૈયારી હોવાનું જણાવ્યું. જોકે મહારાજા તો વચનના પાકા એટલે એમણે કહેલી રકમ લઈને માત્ર બે ગાયો અને એક ધણખૂંટ આપ્યો.
ગીર ગાયને બ્રાઝિલ માફક આવ્યું
બ્રાઝિલનું હવામાન ગીર ગાયને માફક આવ્યું એટલે એ પછી વહાણમાં બીજી 100થી 125 ગાયો લઈ ગયા. બ્રાઝિલના એ મહાનુભાવે સમયાંતરે પોતાનો ટ્રાન્સપોર્ટનો ધંધો સંકેલી લીધો અને તેમને ગીરની ગાયોનું સંવર્ધન કરવાનું જ નફાકારક સાબિત થયું. 1962-63ના ગાળામાં મહારાજા બ્રાઝિલના પ્રવાસે ગયા તો એમના થકી ત્યાં ગીરની ગાયોના ચમત્કારને નિહાળીને રાજી થયા. પેલા ભાઈ એમને પ્રાંતના ગવર્નર પાસે લઈ ગયા. એમણે મહારાજાને ત્યાં જ રહીને ગીરની ગાયોના સંવર્ધનમાં માર્ગદર્શન કરવા વિનવણી કરી, વિશાળ જમીન ઓફર કરી; પણ મહારાજા તો ભાવનગર પરત આવવા ઇચ્છુક હતા. મહારાજાએ ક્યારેય આ વાતનો પ્રચાર કર્યો નહોતો, પંદર વર્ષ પછી મુકુંદ પારાશરે એક લેખ લખ્યો ત્યારે દુનિયાને એની જાણ થઈ. સ્વતંત્રતા ટાણે પોતાનું રજવાડું સૌપ્રથમ ગાંધીજીને ચરણે ધરનાર આ મહારાજા તો 1965માં સ્વર્ગે સિધાવી ગયા હતા. આજે ભારતમાં માંડ 15,000 જેટલી ગીરની ગાયો હશે, જ્યારે બ્રાઝિલમાં એનો આંકડો લાખોમાં છે, એટલું જ નહિ, ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભુવનેશ્વરી પીઠ (ગોંડલ)ની ગીરની ગાય બબુ દિવસના 25 લિટર દૂધ આપે છે, ત્યારે બ્રાઝિલની ગીર ગાય (ઝેબુ) શેરા રોજના 62 લિટર દૂધ આપીને વિશ્વવિક્રમ નોંધાવે છે! નવ-દસ દેશોમાં ગીરની ગાયની નિકાસ થાય છે. ઉરુગ્વે દેશમાં તો ગાયના દૂધને રાષ્ટ્રીય ઉદ્યોગનો દરજ્જો અપાયો છે. આજે ભારતમાં ગીરની ગાયના પાંચ લાખ રૂપિયા બોલાય છે. આચાર્ય ઘનશ્યામદાસજી ભુવનેશ્વરી પીઠમાં વાછરડીઓ સાથે 125 જેટલી ગીરની ગાયોનું સંવર્ધન કરીને એના ઉત્તમ દૂધ ઉપરાંત મૂત્ર સહિતના પદાર્થોનાં ઔષધીય તત્ત્વો પર વિશેષ સંશોધન કરાવે છે.
ગાંધીજી-સરદાર પટેલનું સ્મરણ રહે
મહાત્મા ગાંધીએ સ્થાપેલી અને વિનોબાજીએ સંવર્ધિત કરેલી સંસ્થા અખિલ ભારતીય કૃષિ ગો સેવા સંઘે વારંવાર ગોરક્ષા માટે આંદોલનો કરવાં પડે છે અથવા સુપ્રીમ કોર્ટમાં જઈને આપણા દેશના ગોધનને બચાવવાની કોશિશ કરવી પડે છે. સંસ્થાના મુંબઈનિવાસી ટ્રસ્ટી કમલેશ શાહે 24મી જુલાઈ, 2018ના રોજ આપેલા આંકડા મુજબ, દેશમાં અત્યારે માત્ર 19 કરોડ ગાયો છે. ભારતમાં ગાય સરેરાશ 3.4 લિટર દૂધ આપે છે. ભારતમાં કેન્દ્ર સરકારે છેલ્લે 2012માં પશુઓની ગણતરી કરી હતી, એ પછી 2017માં પશુની ગણતરીના આંકડા જાહેર થવા જોઈતા હતા, પણ એ માટેની ગણતરી પણ હજી હાથ ધરાઈ નથી.
મહાત્મા ગાંધીના મારા સ્વપ્નનું ભારતમાં ગોરક્ષા માટે નોંધાયેલા શબ્દો આજે પણ આપણા દિલને હચમચાવી દે તેવા છેઃ ગોમાતા જન્મદાત્રી માતા કરતાં ઘણી બધી રીતે અદકી છે… આપણાં ઢોરોની આ દુર્દશા આપણી ઘાતકી બેદરકારી સિવાય બીજા કશાની જ સૂચક નથી… હિન્દુસ્તાનની ગાય સરેરાશ રોજનું બશેર દૂધ આપે છે, જયારે ન્યુ ઝીલેન્ડની ગાય 14 રતલ, ઇંગ્લેન્ડની ગાય પંદર રતલ અને હોલેન્ડની ગાય વીસ રતલ દૂધ આપે છે. તંદુરસ્તી દર્શાવનારા આંકડા પણ દૂધની ઉપજના પ્રમાણમાં ઊંચા જાય છે. સરદાર પટેલ તો આખાબોલા અને સાચાબોલા હતા. એમનાં ભાષણોમાં ગોસંવર્ધનની વાતો વારંવાર આવતી. 11 ઓગસ્ટ, 1947ના રોજ દિલ્હીના રામલીલા મેદાન પરના ભાષણમાં સરદારે કહ્યું હતુંઃ કેટલાક અત્યારે ગોરક્ષાની વાત કરવા માંડ્યા છે. આજે તો બાળકો, સ્ત્રીઓ ને વૃદ્ધોનું રક્ષણ થતું નથી ત્યાં ગોરક્ષાની તો વાત જ શી? જે મુલકમાં ગાયોની કતલ કરવાનો બાધ નથી ત્યાં જેવી હૃષ્ટપુષ્ટ ગાયો જોવામાં આવે છે એવી અહીં નથી જોવામાં આવતી. ખરેખરી ગોરક્ષા કરવી હોય તો ગાયને બરાબર પાળતાં શીખો.
સંયોગ તો જુઓ કે ભારતમાં લોકો ઘરઆંગણે ગાયોનું સંવર્ધન કરી શકતા નથી, જ્યારે મહારાજા થકી બ્રાઝિલને અપાયેલી ગીર ગાયો આજે વિશ્વમાં સૌથી વધુ દૂધ આપવાના વિક્રમ નોંધાવે છે એટલું જ નહિ બ્રાઝિલ આજે સૌથી વધુ ગાયોની નિકાસ કરે છે. હજી આજે પણ ભારતમાં ગીર કે કાંકરેજ ગાયનું યોગ્ય સંવર્ધન કરવાને બદલે વધુ દૂધ દોહી લેવાના મોહમાં જર્સી ગાયોના તબેલા વધતા ચાલ્યા છે. સામે પક્ષે દેશી ગાયો રખડતી અને પ્લાસ્ટિક ખાતી મરવાના વાંકે જીવે છે. હકીકતમાં ઇતિહાસનાં કેટલાંક સુવર્ણપર્ણોમાંથી બોધપાઠ લેવો જોઈએ.
લેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે.