અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી શરૂ કર્યો ટ્રેડ વોર- ચીન સામે કરી લાલ આંખ ..

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી વેપાર જંગનું એલાન કરી દીધું છે. આયાત- નિકાસના વાણિજ્ય  ક્ષેત્રમાં અમેરિકાએ ચીન સામે મોરચો માંડ્યો છે. ટ્રમ્પના વહીવટીતંત્રે ચીનના ઉત્પાદનો પર 34 અબજ ડોલરની જકાત વસૂલ કરવા બાબત સંમતિ આપી દીધી છે. ટ્રપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી બે અઠવાડિયામાં વધુ 16 અબજ ડોલરની જકાત લાગુ કરવામાં આવશે. આથી કુલ મળીને 550 અબજ ડોલરની જકાત લાગુ કરાશે. આ રકમ અમેરિકામાં થતી ચીનના ઉત્પાદનોની કુલ વાર્ષિક નિકાસથી પણ વધુ હશે. ચીનના જે જે ઉત્પાદનો પર અમેરિકા દ્વારા ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે તેમાં સેમિકન્ડકટર તેમજ વિમાનના પાર્ટસ પણ સામેલ છે. અમેરિકાના પ્રમુખ તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  ચીન પર બૌધ્ધિક સંપદાનું હનન કરવાનો તેમજ વ્યાપાર ખાધને અયોગ્ય રીતે વધારવાનો આરોપ મૂક્યો હતો. ચીન અને અમેરિકા- બન્ને દેશો એકમેકના નિકાસ ઉત્પાદનો પર આયાત જકાત લગાવી રહ્યા છે. આ વ્યાપાર- જંગની પહેલ અમેરિકાએ કરી છે. ચીન તેના જવાબમાં પ્રહાર કરે છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે જણાવ્યું હતું કે, ચીન પોતાના અર્થતંત્રના દ્વાર ખોલવા તૈયાર છે. ભારત અને અમેરિકા સાથે મળીને વેપારની ખાધ ઘટાડવાની દિશામાં પગલાં ભરવાનું વલણ ચીન દાખવી રહ્યું છે.