જમ્મુ- કાશ્મીરના રાજ્યપાલ એન એન વોરાએ શ્રીનગરમાં સર્વપક્ષીય બેઠક યોજી

 

જમ્મુ- કાશ્મીરના રાજ્યપાલ એન એન વોરાએ શ્રીનગરમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ- કાશ્મીરમાં તાજેતરમાં ઊભી થયેલી પરિસ્થિતિની વ્યાપક ચર્ચા- વિચારણા અને સમીક્ષા કરવામાં આવી હતી. જમ્મુ- કાશ્મીરમાં અમલી કરવામાં આવેલા રાજ્યપાલના શાસન બાદ સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં જમ્મુ- કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબદુલ્લા, કોંગ્રેસના નેતા જી એ મીર તેમજ ભાજપના નેતા સત શર્મા હાજર રહ્યા હતા. હાલના રાજ્યપાલનો કાર્યકાળ 25મી જૂનના પૂરો થઈ રહ્યો છે. પરંતુ જયાં સુધી નવા રાજ્યપાલની નિમણુકની ઘોષણા કરવામાં ના આવે ત્યાં સુધી એન એન વોરા કાર્યભાર સંભાળશે. જમ્મુ- કાશ્મીરમાં હાલમાં આતંકવાદી હુમલાઓ તેમજ પથ્થરબાજીની ઘટનાઓ વધતી રહી છે. વણસી રહેલી પરિસ્થિતિને કાબૂમાં લાવવા અને જહેર સલામતી અને સુરક્ષાનું વાતાવરણ પ્રસ્થાપિત કરા માટે કેન્દ્ર સરકાર કડક હાથે કામગીરી બજાવશે એવું માનવામાં આવી રહ્યું છે.