ભારત-ચીનના દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત  બની રહ્યા છે – ચીન ખાતેના ભારતીય રાજદૂતનું  નિવેદન

IANS

2017ના વરસમાં ડોકલામ સરહદ પરના વિવાદને કારણે ભારત અને ચીનના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ચીનના સૈનિકો ડોકલામના જમીન વિસ્તારમાં સડકો બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. આથી પરિસ્થિતિ વણસી હતી પરંતુ ગત વરસની 28 ઓગસ્ટે બન્ને દેશોના  સૈનિકો ડોકલામ વિ્સ્તારમાંથી પરત ખેંચી લેવાની સાથે જ આ વિવાદ સમાપ્ત થયો હતો.

  હાલમાં ચીન ખાતેના ભારતના રાજદૂત ગૌતમ બંબાવાલાએ આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ડોકલામ વિવાદનો ભૂતકાળ વિસરીને હવે બન્ને દેશો આગેકદમ કરી રહ્યા છે. ભારત અને ચીનના સંબંધો વધુ સારા અને મજબૂત બની રહ્યા છે. ભારત – ચીનના સંબંધો અનૌપચારિક વુહાન શિખર મંત્રણા બાદ પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યા હતા. ડોકલામ વિવાદ અમારા માટે ભૂતકાળ બની ગયો છે અને અમે બન્ને રાષ્ટ્રો પરસ્પરના સંબંધો મજબૂત કરવાના માર્ગ પર ચાલી રહ્યા છીએ. આગામી 9 અને 10 જૂનના 18મી શાંગાઈ સમિટ શરૂ થઈ રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 9મી જૂને દ્વિપક્ષીય મંત્રણા કરવાના છે. બન્ને  નેતાઓ વચ્ચે થનારી મંત્રણા ભારત- ચીનના સંબંધો વધુ મજબૂત બનાવશે એવું માનવામાં આવી રહ્યું છે.