દિલ્હી પોલીસે આરોપનામું ઘડયા બાદ અદાલતે શશી થરૂરને 7 જુલાઈના અદાલતમાં હાજર થવા ફરમાન જારી કર્યું ..  

(File Photo: IANS)

કોંગ્રેસના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરના પત્ની સુનંદા પુષ્કર  17 જાન્યુઆરી 2014ના દક્ષિણ દિલ્હી સ્થિત લીલા હોટેલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોતાના મૃત્યુ અગાઉ સુનંદા પુષ્કરે તેમના પતિ શશી થરૂર પાકિસ્તાનની મહિલા પત્રકાર સાથે પ્રેમસંબંધ ધરાવતા હોવાની વાત કરી હતી. શશી થરૂરને તેમની પત્ની સુનંદાની હત્યાના કેસમાં આરોપી ગણીને અદાલતે તેમને આગામી 7 જુલાઈના દિવસે હાજર  થવાનું ફરમાન કર્યું હતું. ગત મંગળવારે દિલ્હી પોલીસ દ્વારા શશી થરૂર સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સુનાવણી કરતા અદાલતે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસે રજૂ કરેલી ચાર્જ- શીટમાં જણાવ્યા અનુસાર, સુનંદા પુષ્કરે તેમના પતિ શશી થરૂરને મોકલેલી ઈ-મેઈલમાં કહ્યું હતું કે, તેમની જીવવાની ઈચ્છા ખતમ થઈ ગઈ છે. પોલીસે અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે, સુનંદા પુષ્કરની ઈ-મેઈલ અને સોશ્યલ મિડિયા પરના મેસેજને એનું ડાઈંગ ડિકલેરેશન ગણવો જોઈએ. દિલ્હી પોલીસે ગત14મી મેના દિવસે તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર પર એમની પત્ની સુનંદા પુષ્કરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો. પોલીસે કહ્યું હતું કે, શશી થરૂરને ગુનેગાર તરીકે સાબિત કરવા માટે તેની પાસે પૂરતા પુરાવાઓ ઉપલબ્ધ છે.