મુંબઈના લોકો આખા વિશ્વમાં સૌથી વધારે કલાક કામ કરે છેઃ સર્વેનું રસપ્રદ સર્વેક્ષણ

REUTERS

તાજેતરમાં કરવામાં આવેલા એક અધિકૃત સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે, મુંબઈના લોકો વધુ સમય – વધુ કલાકો કામ કરે છે. મુંબઈ તો માયાનગરી છે. મુંબઈની સડકો સતત ધબકતી રહે છે. આ મહાનગરમાં મોડી રાત સુધી રસ્તાઓ પર વાહનોની અવરજવર અને લોકલ ટ્રેનોમાં સખત ભીડ એતો મુંબઈની ઓળખ છે. દુનિયાના આશરે 77 જેટલા મોટા શહેરોને આવરી લઈને કરવામાં આવેલા એક સર્વેમાં એ વાત સ્પષ્ટ થઈ હતી કે, મુંબઈના લોકો સૌથી વધુ કલાકો કામ કરે છે. યુરોપિયન શહેરોના લોકોની સરખામણીએ  મુંબઈના લોકો ઘણા આગળ રહ્યા છે. તેઓ વધુ ખંતીલા અને પરિશ્રમી પુરવાર થયા છે. મુંબઈના લોકો દર વરસે સરેરાશ 3314.7 કલાક સુધી કામ કરે છે. આટલા બધા કલાકો કામ કરવા છતાં તેઓ કમાણીની બાબતમાં પાછળ રહ્યા છે. ઉદાહરણ તરીકે, ન્યુ યોર્કમાં કામ કરનાર કોઈ વ્યક્તિ 54 કલાક કામ કરીને આઈફોન ખરીદી શકે છે. જયારે મુંબઈમાં રહેનારી વ્યક્તિ 917 કલાક સુધી કામ કરે ત્યારે તે આઈફોન ખરીદવા માટે નાણાકીય રીતે સક્ષમ બને છે.