સુરતની જનતાની કલારસિકતાના પ્રતીકસમું સરદાર પટેલ મ્યુઝિયમ

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ – સુરત
સ્થાપનાઃ ઈ. સ. 1890માં સુરતમાં મૂળમાં ‘વિન્ચેસ્ટર મ્યુઝિયમ’ નામે સ્થપાયેલું મ્યુઝિયમ હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક છે. ઈ. સ. 1890માં તત્કાલીન કલેક્ટર વિન્ચેસ્ટરે આ મ્યુઝિયમની સ્થાપના કરેલી.
પહેલાં રાણીબાગ (હવે ગાંધીબાગ) પાસે સકૂકાઈ બ્રિજ નજીક આ મ્યુઝિયમ આવેલું હતું, જેને 1952માં તાપી નદીમાં આવેલાં પૂરને કારણે ચોક બજારના લેલી વિવિન્ગ રોડ ખાતે ખસેડવામાં આવ્યું. 1957માં સત્તાધીશો દ્વારા નવા મકાનમાં વધુ સંગ્રહ સાથે નવસંસ્કરણ પામેલા આ મ્યુઝિયમનું નામ બદલી નવું ‘સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ’ આપવામાં આવ્યું.
સંગ્રહઃ આ મ્યુઝિયમની સ્થાપના થઈ ત્યારે તેમાં માત્ર 1321 નમૂના હતા. તેમાં જરીકામ, કાષ્ઠકોતરણી અને ધાતુકામનો સમાવેશ થતો હતો. સ્વતંત્રતા પછી 1953માં સુરતના કલોમી શ્રી રાજેન્દ્ર છોટાલાલ સૂરકાથાના ક્યુરેટરપદે આ મ્યુઝિયમે ખૂબ વિકાસ કર્યો. હાલમાં આ મ્યુઝિયમમાં કુલ 11,000 નમૂનાઓ છે.
વિભાગોઃ મ્યુઝિયમમાં જુદા જુદા કુલ 26 વિભાગોમાં પોર્સેેલીન, કાચકામ, માટીકામ, ધાતુકામ, કાષ્ઠકોતરણી, કાપડ, લડાઈનાં હથિયારો, સંગીતનાં વાદ્યો, ચિત્રો તથા ભૂંસા ભરેલાં પશુઓ વગેરેનો સમાવેશ થાય છે.
અહીં સંગ્રહ કરવામાં આવેલી કલાકૃતિઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. તેમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સોફાસેટ, ચાંદોદમાં ચિતરાયેલાં કૃષ્ણલીલાનાં ચિત્રો, કિનખાબ, શેતરંજીઓ, બાંધણી, પાટણનાં પટોળાં, કાઠિયાવાડી ચણિયા-કાંચળી, અકોટાથી મળી આવેલાં પથ્થરનાં શિલ્પ, લાકડામાંથી બનાવેલા વૈષ્ણવ સંપ્રદાયના રથ, સીસમનાં કોતરણીવાળાં લેખન મેજ, સાટીનના પડદા તથા વેલ્વેટની ચાદરો સમાવેશ પામે છે.
પોર્સેલીનની 300 કલાકૃતિના સંગ્રહમાં ચીની કળાની કવાન ચીન (બોધિસત્ત્વ)ની મૂર્તિનો 17મી સદીનો સુંદર નમૂનો છે. ચિત્ર વિભાગમાં ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિવર્માએ ચીતરેલું એક ચિત્ર પણ છે.
1959, 1968 અને 1970 એમ ત્રણ વખત ચોમાસામાં તાપી નદીનાં પાણી આ મ્યુઝિયમમાં ઘૂસી જતાં ઘણી દુર્લભ ચીજવસ્તુઓ તથા કલાકૃતિઓ આ મ્યુઝિયમે ગુમાવવી પડી છે.
1947માં મ્યુઝિયમમાં શરૂ થયેલા નવા અલાયદા ફિલેટલી વિભાગમાં સ્વતંત્રતા પછી બહાર પડેલી ભારતની પ્રત્યેક ટપાલટિકિટ પૂર્ણ સાંદર્ભિક માહિતી સાથે પ્રદર્શિત છે.
સુરતની જનતાની કલારસિકતાના પ્રતીકસમું આ સંગ્રહસ્થાન કલા, સંસ્કૃતિ અને શિક્ષણનું અમૂલ્ય માધ્યમ હોવા ઉપરાંત સંસ્કાર કેન્દ્ર તરીકે અગ્રિમ સ્થાન ધરાવે છે.
સરનામુંઃ સરદાર વલ્લભભાઈ પટેલ સંગ્રહસ્થાન, સોની ફળિયા, સુરત – 395003.
મુલાકાતનો સમયઃ બુધવારથી શનિવાર સવારે 11-15 થી 1-45 અને બપોરે 2-45 થી 5-45 (સાંજ). રવિવારે અને મંગળવારે બપોરે 2.45થી 5-45 દર સોમવારે તથા સરકારી રજાના દિવસો એ બંધ રહે છે.
ફોન   (0261) 2423651-6
મો. – 9724345231
ક્યુરેટર – ભામિનીબહેન મહીડા

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.