કઠુઆ ગેન્ગ રેપ અને હત્યાકાંડની ઘટના- દેશભરમાં આક્રોશ, યુનોના મહાસચિવે ચિંતા અને ખેદ વ્યક્ત કર્યો!

REUTERS

જમ્મુ- કાશ્મીરના કઠુઆમાં ગત જાન્યુઆરીમાં બનેલી ગેન્ગરેપ અને હત્યાની ઘટના પુરત્વે આખો દેશ આક્રોશ અને રોષ વ્યક્ત કરી રહ્યો છે. એક આઠ વરસની માસૂમ બાળકી પર સામૂહિક બળાત્કાર અને હત્યાના સમાચાર જાણીને યુનોનાં મહામંત્રી  ગુટેરેસે ખેદ અને ચિંતાની લાગણી વ્યકત કરી હતી. તેમણે આ ઘટનાને ભયજનક ગણાવીને એવી આશા વ્યક્ત કરી હતી કે, આ શરમજનક કાંડ કરનારા આરોપીઓને જરૂર સજા મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કઠુઆ દુષ્કર્મનો ભોગ બનનારી બાળકીની માતાએ કહ્યું હતું કે, હું મારી પુત્રીને ડોકટર બનાવવા માગતી હતી. પણ હવે મારી એકજ ઈચ્છા છે કે ગુનેગારોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે. નવી દિલ્હીમાં પણ અનેક લોકોએ પાર્લામેન્ટ સ્ટ્રીટ ખાતે એકઠા થઈને  વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મંબઈમાં પણ વિદ્યાર્થીના સંગઠને પીડિતાને ન્યાય આપવાની અને ગુનેગારોને ફાંસી આપવાની માગણી સાથે દેખાવો કર્યા હતા.