અમેરિકાની સંસદમાં  રજૂ થનારા કાનૂનથી ભારતીય કોલ સેન્ટરોની નોકરીઓ પર જોખમ

REUTERS

અમેરિકાની સંસદમાં હાલમાં એક કાનૂની પ્રસ્તાવ પેશ કરવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવને સંસદસભ્યોનું અનુમોદન મળશો તો ભારતમાં કાર્યરત કોલસેન્ટરોમાં નોકરી કરનારા ભારતીયોની નોકરીઓ જોખમમાં મૂકાશે. આ કાયદાની અંતર્ગત, કોલ સેન્ટરના કર્મચારીઓએ એમના અમેરિકાના કસ્ટમરો સાથે વાતચીત કરતી વેળાએ પોતે કયા સ્થળેથી વાત કરી રહ્યા છે તે લોકેશન જણાવવું પડશે. જો કસ્ટમરની ઈચ્છા હોય તો એનો કોલ અમરિકા સ્થિત એજન્ટને ટ્રાન્સફર કરવો પડશે. કોલ સેન્ટરની કામગીરી જે કંપનીઓ આઉટસોર્સ કરે છે, અર્થાત બહારના દેશોને એ અંગેની કામગીરી સોંપે છે, એવી કંપનીઓનાં નામનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. જે કંપનીઓ આઉટ સોર્સિંગ ન કરતી હોય તેમને ફેડરલ કોન્ટ્રેકટ માટે અગ્રીમતા આપવામાં આવશે.

સેનેટર શેર્ડ બ્રાઉને અમેરિકાની સંસદમાં ઉપરોકત કાનૂની દરખાસ્ત રજૂ કરતી વેળાએ જણાવ્યું હતું કે, અમેરિકાની મોટાભાગની કંપનીઓએ અમેરિકામાંથી પોતાના કોલ સેન્ટરો બંધ કરીને ભારત અને મેક્સિકોમાં કોલ સેન્ટરો શરૂ કર્યા છે. આ રીતે કોલ સેન્ટરોની નોકરીઓ બહારના દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવતી હોવાથી અમેરિકામાં કામ કરનારી વ્યક્તિઓને નોકરીઓ મળતી નથી. અમેરિકાના કર્મચારીઓના યોગદાનને મહત્વ આપીને આપણે તેમને માટે નોકરીઓ ઊભી કરવાની છે.