બસપાના સુપ્રીમો માયાવતીનું એલાનઃ બસપા કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસની સાથે ગઠબંધન નહિ કરે.

 

(Photo: IANS)

આગામી લોકસભાની ચૂંટણીમાં બસપા કોંગ્રેસ સાથે કોઈ ચૂંટણી જોડાણી કે સમજૂતી હરગિઝ નહિ કરે તેવું બસપાના પ્રમુખ માયાવતીએ સ્પષ્ટ જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદી પક્ષ સાથે બસપાએ ગઠબંધન કર્યું છે. આથી એવું માનવામાં આવતું હતું કે, એનડીએ- મોરચાની સામે લડવા માટે કેટલાક રાજ્યોમાં બસપા કોંગ્રેસ સાથે હાથ મિલાવશે. ખાસ કરીને મધ્યપ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં આવશે એવી ધારણા રખાતી હતી.

  માયાવતીએ જણાવ્યું હતું કે, ઉપ્ર, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ચૂંટણી લડવા બસપા- સપાએ ગઠબંધન કર્યું છે. હવે હરિયાણા અને પંજાબમાં ત્યાંની સ્થાનિક પાર્ટી સાથે જોડાણ કરવાનું લગભગ નક્કી જ છે. હવે અમારે એવું કોઈ પણ કામ નથી કરવું કે જેના કારણે બસપાનું હિત જોખમાય. બસપા- સપાએ ઉત્તરપ્રદેશમાં 37-38 બેઠકોની વહેંચણી કરીને ચૂંટણી જોડાણ કરી લીધું હતું. રાયબરેલી એને અમેઠીની લોકસભા બેઠકો પર બસપા- સપા પોતાના ઉમેદવારો નહિ ઊભા રાખે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. રાયબરેલીમાંથી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંઘી અને અમેઠીમાંથી રાહુલ ગાંધી ચૂંટણી લડવાના છે.