ટેક સામેની અડચણો અનેક


ગ્રામીણ બેન્કના ખ્યાલ થકી બાંગલાદેશમાં અનેક બેહાલ પરિવારના જીવનમાં આમૂલ આર્થિક ફેરફારો લાવનારા અર્થશાસ્ત્રી અને ગ્રામીણ બેન્કના જનક મહંમદ યુનુસનું જીવન એક ટેકીલા ઇન્સાનનું છે. ‘વંચિતોના વાણોતર’ એમની જીવનકથા આલેખતું પુસ્તક છે. એમણે વિશ્વને લઘુધિરાણના ઉપાય થકી ગરીબી નાબૂદી માટે અકસીર ઇલાજ આપ્યો – દોજખ જેવી જિંદગી જીવતા લોકો માટે અભ્યાસ કર્યો. એમનું ચિંતન જુઓ.
ગ્રેહામના નિયમની જેમ ‘જો કોઈ કાર્યક્રમમાં એક તરફ ગરીબ અને બીજી તરફ અમીર હોય તેવા બન્ને વર્ગના લોકોને ભેગા કરવામાં આવે તો અમીરો તરત જ ગરીબોને બહાર ફંગોળી દેશે અને જો ગરીબ અને અત્યંત ગરીબનું જૂથ હોય તો ગરીબો તેમના કરતાં વધારે ગરીબ લોકોને બહાર ફેંકી દે છે અને આ માટે જો પ્રારંભથી જ સંરક્ષણાત્મક પગલાં લેવામાં ન આવે તો આ પ્રક્રિયા કાયમ ચાલ્યા કરે છે.’
ગરીબીથી ત્રસ્ત પોતાના દેશબાંધવો માટે આવી સંવેદના ધરાવનાર મહંમદ યુનુસને અમેરિકા જેવા દેશમાં ઉચ્ચ પગારની નોકરી હતી, જેને એમણે તિલાંજલિ આપી હતી. વાત આટલેથી અટકતી નથી. પોતે જેને પ્રેમ કર્યો હતો અને પ્રેમાળ પત્નીનો દરજ્જો આપ્યો હતો એ અમેરિકન મહિલા વેરા ફોરોસ્ટેન્કો પણ વિદુષી નારી હતી, જે વૈચારિક મતભેદોના કારણે બાંગલાદેશમાં આવવા માગતી નહોતી. યુનુસ સામે વિકલ્પો સ્પષ્ટ હતા. પોતાના ગરીબ દેશવાસીઓની સેવા કરવી, ટેક નિભાવવી કે પછી ઊંચા પગારની નોકરી, પ્રેમાળ પત્ની અને અમેરિકા જેવા દેશનું વૈભવશાળી જીવન માણવું. તે મક્કમ હતા. ‘ડગલું ભર્યું કે ન હઠવું’ એ જાણે એમનો જીવનમંત્ર હતો. એ પછીના એમના ત્યાગની વાર્તા જગજાહેર છે. ગ્રામીણ બેન્ક અને લઘુધિરાણના પ્રયોગોથી માઇક્રો સ્તરે ગરીબ પરિવારોની ધિરાણક્ષમતા વધારી. એમના જીવનમાં આશાનો નવો સૂરજ એમના પ્રયાસો થકી ઊગ્યો હતો. ગરીબ પરિવારો માટે શોષણમુક્તિનો આ ઉપાય વૈશ્વિક સ્તરે નામના મેળવી ચૂક્યો અને એના જનક તરીકે મહંમદ યુનુસનું નામ મહામાનવોની યાદીમાં અંકિત થઈ ચૂક્યું હતું.
આપણે ત્યાં કાઠિયાવાડમાં એક દુહો છે, જેમાં કહેવાયું છે કે ‘માણહે માણહે ફેર હોય છે… એક માણસ અણમોલ હોય છે તો અમુક માણસો ટકાના ત્રણ શેર લેખે મળતા હોય છે.’ માણસનું મૂલ્યાંકન તેની પારમાર્થિક વૃત્તિ અને વિચારસરણી થકી થતું હોય છે. તેની નિષ્ઠા અને કમિટમેન્ટ દ્વારા તેનો વિકાસઆંક નક્કી થાય છે. અંગત જીવનમાં કદાચ લાગણી કે લોહીના સંબંધો વ્યક્તિને અમુક હદ સુધી વિચલિત કરી શકે, પરંતુ જાહેર જીવન કે માનવસંબંધોની વાતે આવા લોકો હંમેશાં અડીખમ રહે છે અને જીવનના સમતોલપણાની રીતે આવા લોકો જ સત્યની વધારે નજીક હોય છે. ક્યારેક આવા માણસોની ગણતરી જિદ્દી અથવા દુરાગ્રહી તરીકે થાય છે. ઘણી વાર માન્યતા કે સિદ્ધાંતમાં માનનારા ત્રાગું કરતા હોય એવું પણ લાગે, પરંતુ હકીકત એ હોય છે કે આવા લોકો ટેકીલા અને મક્કમ મનોબળના માલિક હોય છે, એમનો આત્મવિશ્વાસ બુલંદ હોય છે. આપણે ત્યાં કલમના ખોળે માથું મૂકનાર વીર નર્મદની છબી અને તેનો જુસ્સો વીર, સત્ય ને રસિક ટેકીપણાની યાદ અપાવે છે. પોતાના માની લીધેલા આદર્શ કે ધ્યેયની પરિપૂર્તિ માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવી એ તેમના સ્વભાવમાં હોતું નથી.
કુદરતનો એક સામાન્ય સિદ્ધાંત છે કે જે બાજુ પ્રવાહ વહેતો હોય માણસ એ જ દિશામાં ચાલે તો વાંધો આવતો નથી. આચાર્ય તુલસીદાસજી કહે છેઃ
તુલસી ઇસ સંસાર મેં ભાતભાત કે લોગ
સબસે હિલમિલ ચાલીએ, નદી નાવ સંજોગ.
પરંતુ આવી વ્યવહારને લાગતી બાબત કે નિયમ સામા પૂરે ચાલનારા મરજીવાઓને લાગુ પડતાં નથી. એ હંમેશાં સામા પૂરના તરવૈયા હોય છે. એમની પાસે પ્રશ્નનો ઉકેલ મૌલિકપણે હોય છે. કદાચ એમની સમજણ સુધી પહોંચવા માટે પ્રચલિત માપદંડો ટૂંકા પડે છે. મહંમદ યુનુસનું ચિંતન જુઓઃ
પરિસ્થિતિ આપણે જેટલી જટિલ માનીએ છીએ હકીકતમાં એટલી જટિલ હોતી નથી. સરળ સમસ્યાઓના અત્યંત અઘરા જવાબો આપણે માત્ર આપણા અભિમાનને કારણે જ શોધતા હોઈએ છીએ.’
સત્યનો શોધક હંમેશાં નમ્ર હોય છે. તેનો ગર્વ સાતિ્ત્વક લાગે છે. પ્રવાહની સામે ચાલવું કે પ્રવાહને પલટાવીને ચાલવું એ ખરેખર હિંમત માગી લેતું કામ છે. ચીલે ચીલે ચાલનારને આપણે ત્યાં કપૂત કહેવાય છે. કોઈ પણ ક્ષેત્રમાં ચીલો ચાતરનારની બોલબાલા થતી રહે છે. તમે જ્યારે પ્રચલિત માન્યતાઓ કે માપદંડો વિરુદ્ધ કામ કરો છો ત્યારે સૌપ્રથમ તેનો વિદ્રોહ નજીકના માણસો કરે છે. પછી દુનિયાનો પ્રતિકાર મળે છે. ઉપહાસ અને અવરોધોના અગણિત બમ્પો તેને રોકે છે. તમારા ટેક કે લક્ષ્ય જેટલાં ઊંચાં એટલો તેની સામેનો હોબાળો વધારે મોટો રહેવાનો. કોઈ પણ આદર્શ કે વિશુદ્ધ હેતુ માટે તમે જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી સામેના અવરોધો ધીમે ધીમે દૂર થતા જાય છે. જીત હંમેશાં સત્યની થાય છે. સામા પૂરે ચાલનાર વ્યક્તિને પોતાની સાચી દિશાનું ભાન આપણા કરતાં વિશેષ હોય છે. ધીરજ અને આત્મવિશ્વાસ તેમનાં મજબૂત શસ્ત્રો બની રહે છે.
શરૂઆતના તબક્કે પરંપરાથી વિરુદ્ધ મત સાથે કશુંક અલગ વિચારનારની સંગાથે કોઈ જોડાતું નથી. તેની સફરની શરૂઆત હંમેશાં ‘એકલો જાને રે…’ જેવી હોય છે. જેમ જેમ તેની મક્કમતા અને લક્ષ્ય માટેની તાલાવેલી કસોટીઓમાંથી ઉત્તીર્ણ પુરવાર થતી જાય છે, એમ તબક્કાવાર તેની સામેનો રસ્તો ખૂલતો જાય છે. પ્રારંભે એકલવીર લાગતા માણસને કોઈ ને કોઈ રાહબર મળી રહે છે, કાફલો બનતો જાય છે. આપણી આસપાસ આવાં અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે, જ્યાં કોઈક વચન કે સિદ્ધાંત માટે કટિબદ્ધ બનીને જીવતા લોકોની ખુમારી વ્યક્ત થતી હોય. આપણી સંસ્કૃતિમાં એવા પણ માણસો આવ્યા છે જેમણે નિયમ બનાવ્યો હતો કે ‘પ્રાણ જાય પર વચન ન જાય..’ સમાજનું સન્માન આવા લોકોને મળતું હોય છે.
ટેકની સાથે જીવનાર વ્યક્તિઓ સ્વયંસ્ફુરણાથી આગળ વધે છે. કોઈકનાં ઠાલાં આશ્વાસનો દુન્યવી વ્યવહારો અને સહકારની ટેકણલાકડી તેમને સહાયરૂપ થઈ શકતાં નથી. હરિનો મારગ હંમેશા શૂરાનો હોય છે. વિઘ્નો અને વિટંબણાઓ તેમાં અનિવાર્ય હોવા છતાં મસ્તક મૂકીને ચાલનારા એને ગણકારતા નથી. એમના પ્રયાસો થકી જ્યારે આમૂલ પરિવર્તન કે સીધી અસર જગતને દેખાય છે ત્યારે તેમના સત્યનો આપોઆપ સહજ સ્વીકાર થઈ જાય છે!

લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્યસર્જક છે.